Business

ઈથેનોલના ઉત્પાદન માટે ખાંડના ઉપયોગ પર મર્યાદા લાવવા વિચારણા

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: ખાંડના વધતા ભાવને નિયંત્રિત કરવા સરકારે હવે ઇથેનોલ ઉત્પાદનમાં ખાંડનો વપરાશ મર્યાદિત કરવાનું વિચાર્યું છે. ઓક્ટોબરથી શરૂ થતી નવી ખાંડ મોસમમાં આ મર્યાદા આવી શકે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નબળા ચોમાસાને કારણે ખાંડ ઉત્પાદન પર અસરની ચિંતા છે. વર્તમાન મોસમમાં 30 લાખ ટન ખાંડ ઇથેનોલ તરફ વળાઈ હતી. હવે મકાઈ અને ચોખાનો ઉપયોગ વધારવાની શક્યતા પણ તપાસાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈથેનોલના ઉત્પાદન માટે ખાંડના ઉપયોગ પર મર્યાદા લાવવા વિચારણા

ઈથેનોલ માટે વર્ષે આશરે ૩૦ લાખ ટન ખાંડ વપરાતી હોવાનો અંદાજ
મુંબઈ : ખાંડના વધી રહેલા ભાવને ધ્યાનમાં રાખી ખાંડની સ્ટોક લિમિટ લાગુ કર્યા બાદ હવે ઈથેનોલના ઉત્પાદનમાં સાકરના વપરાશને મર્યાદિત બનાવવા સરકાર વિચારી રહી છે. ઓકટોબરથી શરૂ થઈ રહેલી નવી ખાંડ મોસમમાં આ મર્યાદા આવવાની શકયતા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
દેશમાં શેરડીના બે મોટા ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં નબળા ચોમાસાને કારણે આગામી વર્ષમાં ખાંડના ઉત્પાદન પર અસર પડવાની ચિંતા ઊભી થઈ છે.
વર્તમાન ખાંંડ મોસમમાં મિલોએ આશરે ૩૦ લાખ ટન ખાંડ ઈથેનોલના ઉત્પાદન તરફ વાળી હોવાનો અંદાજ છે. આગામી મોસમમાં ઈથેનોલ માટે ખાંડનો પૂરવઠો મર્યાદિત બનાવીને બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધારવા સરકાર વિચારી રહી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
ખાંડના સ્થાને ઈથેનોલના ઉત્પાદન માટે મકાઈ તથા ચોખાનો વપરાશ વધારવાની પણ શકયતા તપાસાઈ રહી છે. પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ મિકસ કરવા સરકાર યોજના ધરાવે છે.
દેશમાં ખાંડના ભાવમાં તાજેતરમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખી આગામી તહેવારો દરમિયાન ખાંડની સંગ્રહખોરી અટકાવવાના ભાગરૂપ સરકારે છેવટે ડીલરો માટે ખાંડની સ્ટોક લિમિટ જાહેર કરી છે. ૅજ પ્રમાણે કોઈપણ ડીલર દેશમાં કોઈપણ સ્થળે ૪૦૦૦ ક્વિન્ટલથી વધુ સ્ટોક રાખી શકશે નહીં.
તાજેતરમાં ખાંડના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૩૦૦ જેટલા વધી હાલમાં રૂપિયા ૪૫૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે. દેશના મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં ખાંડના રિટેલ ભાવ પ્રતિ કિલો રૂપિયા ૪૫થી ૫૦ પહોંચી ગયા છે.
વર્તમાન વર્ષમાં અલ નિનોની અસરને કારણે શેરડીના ઉત્પાદન પર અસર પડવાની ગણતરી વચ્ચે ખાંડના ભાવ હાલમાં વધી ગયા છે. ૨૦૨૨-૨૩થી ઈથેનોલના ભાવ ફેરફાર વગરના રહ્યા છે જ્યારે શેરડીના ભાવમાં ૧૫ ટકા જેટલો વધારો થયો છે.