Business

બેંકો દ્વારા FCNR(બી) ડોલર થાપણો પરના વ્યાજમાં વધારાની હરિફાઈ તીવ્ર

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં HDFC બેંકે RBIની સ્પેશ્યલ સ્વોપ વિન્ડોના અંતિમ બે મહિનામાં FCNR(B) ડોલર ડિપોઝિટ પર વ્યાજ દર 0.25% વધારી 6.25% કર્યા છે, જે 1લી ઓગસ્ટથી અમલી બન્યા. વિદેશી રોકાણકારો પાસેથી ભંડોળ મેળવવા બેંકો વચ્ચે તીવ્ર હરિફાઈ ચાલી રહી છે, જેમાં ICICI, Axis બેંક અને SBI પણ 6% વ્યાજ આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેંકો દ્વારા FCNR(બી) ડોલર થાપણો પરના વ્યાજમાં વધારાની હરિફાઈ તીવ્ર

આરબીઆઈની સ્પેશ્યલ સ્વોપ વિન્ડોના અંતિમ બે મહિના
એચડીએફસી બેંકે ત્રણથી પાંચ વર્ષિય એફસીએનઆર(બી) ડોલર ડિપોઝિટ દર ૦.૨૫ ટકા વધારી ૬.૨૫ ટકા કર્યા
મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કન્સેશનલ સ્વોપ સ્કિમ હેઠળ વિદેશી રોકાણકારો પાસેથી એફસીએનઆર (બેંક) ડોલર થાપણો મેળવવા ભારતની બેંકો વચ્ચે હરિફાઈ તીવ્ર બની રહી છે. આ હરિફાઈમાં વધુને વધુ ભંડોળ મેળવવા બેંકો ઓફર કરાતા વ્યાજ દરમાં ઝડપી વધારો કરીને ફંડ આકર્ષવા પ્રયાસો કરી રહી છે. ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકાર એચડીએફસી બેંક દ્વારા ત્રણથી પાંચ વર્ષિય મુદ્દતની ફોરેન કરન્સી નોન-રેસીડેન્ટ (બેંક) ડોલર ડિપોઝિટ પરના વ્યાજ દર ૨૫ બેઝિઝ પોઈનટ વધારીને ૬.૨૫ ટકા કરવામાં આવ્યા છે. જે ૧લી ઓગસ્ટથી અમલી બન્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની (આરબીઆઈ)ની કન્સેશનલ સ્વોપ સ્કિમ હેઠળ ફોરેન કરન્સી થાપાણો મેળવવાના દરેક બેંકો પ્રયાસો વધારી રહી છે.
આરબીઆઈની સ્પેશ્યલ સ્વોપ વિન્ડો તેના અંતિમ બે મહિનામાં પ્રવેશી રહી હોઈ આ દરમાં વધારો કરાયો છે. આ સમયગાળામાં એફસીએનઆર (બી) ડિપોઝિટ થકી બેંકો મોટાપાયે ફંડ એકત્ર કરે એવી શકયતા છે. ભારતની અન્ય બેંકો આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક પણ ત્રણથી પાંચ વર્ષની મુદ્દતની એફસીએનઆર (બી) ડોલર થાપણો પર સતત ૬ ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) પણ ૧૦ લાખ ડોલરથી વધુ રકમની એફસીએનઆર (બી) થાપણો પર ૬ ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
નાના ધિરાણદારો જેમ કે એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક દ્વારા ત્રણથી પાંચ વર્ષની મુદ્દતની એફસીએનઆર(બી) થાપણો પર વ્યાજ દર સૌથી વધુ ૭.૧ ટકાથી વધારીને ૭.૪ ટકા કરાયા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, નવી એફસીએનઆર (બી), ઓવરસીઝ ફોરેન કરન્સી બોરોઈંગ્સ અને એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ્સ (ઈસીબીઝ) થકી ૩૧, જુલાઈ સુધી ૪૧ અબજ ડોલર જેટલો વિદેશી કરન્સી પ્રવાહ નોંધાયો છે. જેમાં એફસીએનઆર(બી) થાપણોનો હિસ્સો ૩૬.૭ અબજ ડોલર જેટલો રહ્યો છે. જ્યારે ત્યાર બાદ ઓએફસીબીઝનો ૨.૫૭ અબજ ડોલર અને ઈસીબીઝનો ૧.૫ અબજ ડોલર રહ્યો છે. તાજેતરના આ સાધનો થકી નાણા ઊભા કરવાનો આંક ૨૦૧૩માં મેળવાયેલા આંકને પાર કરી ગયો છે. બેંકો દ્વારા આગામી દિવસોમાં પણ એફસીએનઆર(બી) થાપણો પરના વ્યાજ દરમાં વધારો કરવાનું ચાલુ રહે એવી શકયતા છે.