Budget 2026: શેરબજારમાં રોકાણ કરનારાને મોટો ફાયદો, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Budget 2026 share buyback: બજેટ 2026માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે શેર બાયબેક (Share Buyback) સંબંધિત ટેક્સના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરવાની દરખાસ્ત મૂકી છે. જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. અત્યાર સુધી શેરબજારમાં બાયબેક પર મળતી રકમ ‘ડિવિડન્ડ’ ગણાતી હતી, પરંતુ હવે તેને કેપિટલ ગેઇન (Capital Gains) ગણવામાં આવશે. આ નિયમ 1 એપ્રિલ 2026થી લાગુ થઈ જશે.
હવે ડિવિડન્ડ નહીં પરંતુ મૂડીનો નફો ગણાશે
અત્યાર સુધી શેર બાયબેક દ્વારા મળતી રકમ પરના ટેક્સના નિયમો થોડા ગૂંચવણભર્યા હતા. પરંતુ નવા પ્રસ્તાવ મુજબ, હવે બાયબેકથી મળતી રકમને 'ડિવિડન્ડ' નહીં પણ 'કેપિટલ ગેઇન' (મૂડી નફો) માનવામાં આવશે. તેનો અર્થ એ છે કે હવે બાયબેકથી થતી આવક પર કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થશે. આ નિયમો લાગુ થયા પછી કોઈ કંપની તમારા શેર પરત ખરીદશે (બાયબેક), ત્યારે તેનાથી થતો નફો તમારા ટેક્સ સ્લેબ મુજબ નહીં, પણ કેપિટલ ગેઇન તરીકે ટેક્સપાત્ર ગણાશે.
નાના રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે?
મધ્યમ વર્ગના રોકાણકારો માટે આ સારા સમાચાર છે. પહેલા 30% સુધીનો ઉંચો ટેક્સ લાગતો હતો, હવે રોકાણના સમયગાળા મુજબ લોંગ ટર્મ (12.5%) કે શોર્ટ ટર્મ (20%) ટેક્સ લાગશે. રોકાણકારો માટે હવે એ ગણતરી સરળ બનશે કે, શેર વેચવા પર કે બાયબેકમાં આપવા પર કેટલો ટેક્સ લાગશે.
જો કોઈ રોકાણકારે લાંબા સમય માટે શેર રાખ્યા હોય અને તે બાયબેકમાં આપે, તો તેને તેના પર માત્ર 12.5% લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) ટેક્સ ચૂકવવો પડશે. પહેલા આ આવક ઘણીવાર ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સપાત્ર થતી હતી, જે વધુ હોઈ શકતી હતી. આ ફેરફારથી ટેક્સની છટકબારીઓ બંધ થશે અને સિસ્ટમ વધુ પારદર્શક બનશે.
નોંધનીય છે કે, આ ફેરફારોમાં પ્રમોટર્સ માટે કડક જોગવાઈનો પણ પ્રસ્તાવ છે. જેમ કે, ઘરેલુ કંપનીઓના પ્રમોટર્સને બાયબેક નફા પર 22% અને વિદેશી કંપનીઓના પ્રમોટર્સને 30% ટેક્સ ચૂકવવો પડશે.









