Get The App

Budget 2026: આત્મનિર્ભર ભારત, ઈન્કમ ટેક્સ, મેડિકલ.... જાણો બજેટની મહત્ત્વની જાહેરાતો

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
Budget 2026: આત્મનિર્ભર ભારત, ઈન્કમ ટેક્સ, મેડિકલ.... જાણો બજેટની મહત્ત્વની જાહેરાતો 1 - image

Budget 2026: ભારતીય અર્થતંત્રની દિશા નક્કી કરનારું વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ આજે રજૂ થઈ ગયું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સતત 9મી વખત બજેટ રજૂ કર્યું. જોકે આ વખતનું બજેટ કોઈ મોટી જાહેરાત વગરનું હોવાથી શેરબજારમાં પણ પ્રચંડ કડાકાની સ્થિતિ જોવા મળી. 


બજેટ 2026 UPDATES : 

બજેટની મહત્ત્વની જાહેરાતો પર એક નજર 

1. ટેક્સ અને નાણાકીય જોગવાઈઓ:

નાણાકીય વર્ષ 2026-27માં રાજકોષીય ખાધ 4.3 ટકા રહેવાનો અંદાજ છે.

કેપિટલ ખર્ચ (Capex) વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.

નવો ઇન્કમ ટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે અને ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધારીને 31 માર્ચ કરવામાં આવી છે.

મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા મળતા વ્યાજ પર હવે કોઈ આવકવેરો લાગશે નહીં અને TDS પણ કપાશે નહીં.

2. વિદેશ પ્રવાસ અને શિક્ષણ

વિદેશ પ્રવાસ પેકેજની ખરીદી પર TCS દર 5 અને 20 ટકાથી ઘટાડીને માત્ર 2 ટકા કરવામાં આવ્યો છે.

શિક્ષણ અને તબીબી હેતુ માટે લિબરાલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળનો TCS દર પણ 5% થી ઘટાડીને 2% કરાયો છે.

3. આરોગ્ય અને આયુષ ક્ષેત્ર

17 એન્ટી-કેન્સર દવાઓ અને 7 દુર્લભ બીમારીઓની દવાઓને બેઝિક કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તર ભારતમાં 'NIMHANS 2.0' ની સ્થાપના કરવામાં આવશે.

આયુષ ક્ષેત્રમાં ત્રણ નવી ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદની સ્થાપના થશે.

4. ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિકતા

ડેટા અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં ક્લાઉડ કંપનીઓ માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત કરવામાં આવી છે.

MSME ક્ષેત્ર માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું છે.

સેમિકન્ડક્ટર મિશન 2.0 લોન્ચ કરવામાં આવશે, જેમાં ઉદ્યોગ-આધારિત સંશોધન અને તાલીમ કેન્દ્રો વિકસાવવામાં આવશે.

5. ખેતી અને માળખાગત સુવિધા

ખેડૂતો માટે બહુભાષી 'AI ટૂલ' લોન્ચ કરવામાં આવશે, જે કૃષિ પ્રવૃત્તિઓમાં મદદરૂપ થશે.

દેશમાં સાત નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે.

તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સરહદ પર 'બર્ડ વોચિંગ ટ્રેનો' ચલાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

6. વિકાસ માટેની વ્યૂહરચના

નાણામંત્રીએ વિકાસ માટે છ-પગલાની પ્રક્રિયા રજૂ કરી છે, જેમાં મેન્યુફેક્ચરિંગમાં વધારો, જૂના ઉદ્યોગોને પુનર્જીવિત કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા જેવા મુદ્દાઓ સામેલ છે.

તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને કેરળને જોડવા માટે સમર્પિત 'રેર અર્થ કોરિડોર' (Rear Earth Corridor) પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.

કેન્સરની દવાઓ અને વ્યક્તિગત આયાત

સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટી રાહત આપતા નાણામંત્રીએ જાહેરાત કરી છે કે, 17 જેટલી એન્ટી-કેન્સર દવાઓ પરથી બેઝિક કસ્ટમ્સ ડ્યુટી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. આ નિર્ણયથી દેશમાં કેન્સરની સારવાર સસ્તી અને સુલભ બનશે. આ ઉપરાંત, વ્યક્તિગત ઉપયોગ માટે મંગાવવામાં આવતી વસ્તુઓ પરની ડ્યુટી પણ 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે, જે સામાન્ય નાગરિકો માટે આયાતી વસ્તુઓ સસ્તી બનાવશે.

SEZ અને ઘરેલુ બજાર માટે નવી વ્યવસ્થા

સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માં કાર્યરત એકમો માટે સરકારે ઉદાર અભિગમ અપનાવ્યો છે. હવે SEZ માં ઉત્પાદિત માલના નિકાસ પર વધુ સસ્તી ડ્યુટી લાગશે. આ સાથે જ, એક મહત્ત્વના ફેરફાર મુજબ SEZ ની મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને હવે ઘરેલુ બજારમાં પણ માલ વેચવાની સુવિધા આપવામાં આવી છે, જે ચોક્કસ વેચાણ મર્યાદાને આધીન રહેશે. આનાથી સ્થાનિક બજારમાં વસ્તુઓની ઉપલબ્ધતા વધશે અને ઉદ્યોગોને નવું બજાર મળશે.

સંરક્ષણ અને વિમાન ઉદ્યોગને પ્રોત્સાહન

સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રે ભારતને હબ બનાવવાના હેતુથી સરકારે મહત્ત્વના નિર્ણયો લીધા છે. સંરક્ષણ ક્ષેત્રમાં વિમાનોના સમારકામ (MRO) માટે જરૂરી કાચા માલ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. તેવી જ રીતે, સિવિલ ટ્રેનિંગ એરક્રાફ્ટના પાર્ટ્સ પર પણ હવે કોઈ BCD (બેઝિક કસ્ટમ્સ ડ્યુટી) લાગશે નહીં. આ પગલાથી ભારતમાં એરોસ્પેસ મેન્ટેનન્સ અને ટ્રેનિંગના ક્ષેત્રમાં ખાનગી રોકાણ વધવાની શક્યતા છે.

ખનિજ ઉત્પાદન અને ગ્રીન એનર્જી પર ભાર

ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા માટે મહત્ત્વપૂર્ણ ખનિજો (Critical Minerals) ના ઉત્પાદનમાં વપરાતા કેપિટલ ગુડ્સ પરની કસ્ટમ્સ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત, પર્યાવરણને અનુકૂળ પગલું લેતા સરકારે સ્પષ્ટ કર્યું છે કે, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીની ગણતરી કરતી વખતે બાયોગેસ મિશ્રિત CNG ના મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ ફેરફારો દ્વારા સરકારનો ઉદ્દેશ્ય ઉત્પાદન વધારવો અને નિકાસ ક્ષેત્રે ભારતીય ઉદ્યોગોને વધુ સ્પર્ધાત્મક બનાવવાનો છે.

બજેટ શેરબજારને પસંદ ન આવ્યું 

બજેટમાં કોઈ મોટી જાહેરાત ન થતાં સેન્સેક્સમાં 2300 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે. જ્યારે નિફ્ટીમાં 670થી વધુ પોઇન્ટનો એક જ દિવસમાં કડાકો બોલાઈ જતાં રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

બજેટની જાહેરાતોથી શું સસ્તું થશે? 

માઈક્રોવેવ ઓવન

સીએનજી-બાયોગેસ

કેન્સર સંબંધિત 17 દવાઓ

ડાયાબિટિસની દવાઓ 

7 ગંભીર રોગોની દવાઓ  

ફૂટવેર

સોલર એનર્જી સંબંધિત વસ્તુઓ 

ચામડાની વસ્તુઓ 

મોબાઈલ બેટરી 

કાપડ 

વિમાનના સ્પેર પાર્ટ્સ 

બજેટની જાહેરાતોથી શું મોંઘુ થશે?

લીકર

સ્ક્રેપ 

ખનીજ 

બજેટની ટેક્સને લગતી મોટી જાહેરાતો 

- વિદેશયાત્રા કરવી હવે સસ્તી થશે 

- કોર ટેક્સ ડિમાન્ડની મર્યાદા 

- આવક છુપાવવા પર હવે સજા નહીં ફક્ત દંડ થશે એ પણ 30%

- વાયદા સોદા પર ટેક્સ વધારીને 0.05% કરવામાં આવ્યો 

- શેર બાયબેક પર કેપિટલ ગેઈન ટેક્સ લાગશે 

- 2047 સુધી ટેક્સમાં આપવામાં આવી રાહત 

- લિકર અને સ્ક્રેપ પર હવે 2% ટેક્સ 

- મરીન, લેધર અને ટેક્સટાઈલમાં ડ્યુટી ફી 1 ટકાથી વધારીને 3 ટકા કરવામાં આવી.

- કોર્પોરેટ પ્રમોટર્સ પર 22% ટેક્સનું એલાન 

- બિન કોર્પોરેટ પ્રમોટર્સ પર 30% ટેક્સ લાગશે  

રિટર્ન ફાઈલ અંગે મોટી જાહેરાત 

નાણામંત્રીએ કહ્યું કે હવે આઈટીઆર ફાઈલ કરવા માટે અલગ અલગ સમયમર્યાદા રહેશે. ઈન્ડીવિજ્યુઅલ 31 જુલાઈ સુધી રિટર્ન દાખલ કરી શકશે. જોકે નોન ઓડિટ બિઝનેસ અને ટ્રસ્ટે 31 ઓગસ્ટ સુધી રિટર્ન દાખલ કરવા પડશે. 

ઉચ્ચ શિક્ષણ અને કન્યા કેળવણી પર ભાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રોકાણ વધારવા માટે નવા શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી ટાઉનશિપ અને ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે તેમણે જાહેરાત કરી હતી કે, દેશના દરેક જિલ્લામાં એક કન્યા છાત્રાલય (Girls Hostel) બનાવવામાં આવશે, જેથી દૂરના વિસ્તારોની દીકરીઓ સુરક્ષિત રીતે અભ્યાસ કરી શકે.

રમતગમત અને યુવા કૌશલ્યનો વિકાસ

રમતગમત ક્ષેત્રને માત્ર શારીરિક વિકાસ નહીં પણ રોજગાર અને કૌશલ્ય વર્ધનના માધ્યમ તરીકે જોતા નાણામંત્રીએ 'ખેલો ઈન્ડિયા મિશન' શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આગામી દાયકામાં રમતગમત ક્ષેત્રના પરિવર્તન માટે અને રમતગમતની પ્રતિભાઓના વ્યવસ્થિત ઉછેર માટે આ મિશન અત્યંત નિર્ણાયક સાબિત થશે, જે યુવાનો માટે નોકરીની નવી તકો પણ ઊભી કરશે.

કૃષિ ક્ષેત્રે નારિયેળ અને કાજુ માટે વિશેષ યોજના

નારિયેળના ઉત્પાદનમાં ભારતની સ્પર્ધાત્મકતા વધારવા માટે 'નારિયેળ સંવર્ધન યોજના' પ્રસ્તાવિત કરવામાં આવી છે. આ અંતર્ગત મુખ્ય નારિયેળ ઉત્પાદક રાજ્યોમાં બિન-ઉત્પાદક જૂના વૃક્ષોના સ્થાને નવી જાતોના રોપા વાવવામાં આવશે. આ સાથે જ ભારતીય કાજુ અને કોકો માટે એક સમર્પિત કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ભારતને કાજુના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં આત્મનિર્ભર બનાવી 2030 સુધીમાં ભારતીય બ્રાન્ડને વૈશ્વિક સ્તરે 'પ્રીમિયમ બ્રાન્ડ' બનાવવાનો છે.

AVGC ક્ષેત્ર અને આધુનિક શિક્ષણ

ભારતના એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (AVGC) ઉદ્યોગમાં ૨૦૩૦ સુધીમાં ૨૦ લાખ વ્યાવસાયિકોની જરૂરિયાત ઊભી થશે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે મુંબઈ સ્થિત 'ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસ'ને સમર્થન આપવા અને 15,000 સ્કૂલો તથા 500 કોલેજોમાં AVGC કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સામાં વધારો

સ્વાસ્થ્ય ક્ષેત્રે દેશમાં ત્રણ નવી ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, આયુષ ફાર્મસીઓ અને ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીઓને અપગ્રેડ કરવામાં આવશે. જામનગરમાં આવેલા WHO ના 'ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર' ને પણ વધુ આધુનિક બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં ભારતનું વર્ચસ્વ વધારશે.

1 એપ્રિલથી ઈનકમ ટેક્સ એક્ટ 2025 લાગુ 

ઈનકમ ટેક્સ એક્ટ 2025 આગામી 1 એપ્રિલથી લાગુ થઇ જશે. નવા નિયમ અને ફોર્મ જલદી જ જાહેર કરાશે. 

બજેટ-2026ની મોટી જાહેરાતો 

આ પણ વાંચો : ચીન પર ભારતની નિર્ભરતા ઘટશે! બજેટમાં 'રેર અર્થ' અંગે મોટી જાહેરાત

આ પણ વાંચો : Budget 2026: દિલ્હી-વારાણસી સહિત દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનશે, નિર્મલા સીતારમણની જાહેરાત

આ પણ વાંચો : Budget 2026: બજેટની તમામ મોટી જાહેરાતો, દરેક જિલ્લામાં બનાવાશે એક ગર્લ્સ હોસ્ટેલ, AI, સેમિકંડક્ટર અને આત્મનિર્ભરતા માટેનો રોડમેપ

- ભારત 'VISTAAR' કાર્યક્રમની શરૂઆત કરાશે

- મહિલાઓ માટે SHE માર્ટ બનાવાશે, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ

- મત્સ્ય પાલન માટે 500 અમૃત જળાશયનો પ્રસ્તાવ 

- નવી રાષ્ટ્રીય ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટનો પ્રસ્તાવ 

- દરેક જિલ્લામાં વિદ્યાર્થિનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલના નિર્માણ કરાશે 

- ઓડિશા, કર્ણાટક અને કેરળમાં ટર્ટલ ટ્રેલ બનશે 

- 10000 ગાઈડ માટે ટ્રેનિંગ સેન્ટર બનશે 

- આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં બર્ડ ટ્રેલ બનશે 

- લોથલ-ધોળાવીરા સહિતના 15 ઐતિહાસિક સ્થળોનો વિકાસ કરાશે

- સેમિકન્ડક્ટર માટે 40000 કરોડની ફાળવણી 

- આત્મનિર્ભર ભારત માટે 2000 કરોડની ફાળવણી 

- મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના શરૂ કરાશે. 

- મેગા ટેક્સટાઈલ પાર્ક ઊભા કરાશે 

- મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના શરૂ કરાશે 

- 200 વારસાઓની કાયાકલ્પ કરાશે. 

- 1 હજારથી વધુ ક્લિનિકલ સાઈટ તૈયાર કરાશે 

- ટીયર-2 અને ટીયર-3ના શહેરોનો વિકાસ કરાશે 

- માળખાકીય સુવિધાઓ માટે 12.2 લાખ કરોડથી વધુની ફાળવણી 

- MSMEને પ્રોત્સાહિત કરવા 10000 કરોડની ફાળવણી 

- ગ્લોબલ બાયો ફાર્મા સેન્ટર માટે 10000 કરોડની ફાળવણી 

- વારાણસી અને પટણામાં જહાજોના સમારકામ માટે સેન્ટર બનાવાશે 

- દરિયાઈ વિમાનનું ભારતમાં નિર્માણ કરાશે 

- દેશમાં 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરાશે. 

- 4 રાજ્યોમાં રેર અર્થ મિનરલ માટે કોરિડોર વિકસાવાશે 

- 7 હાઈસ્પીડ રેલવે કોરિડોરની શરૂઆત કરાશે

- 5 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોના વિકાસ પર ભાર મૂકાશે 

- એનઆરઆઈ હવે ભારતીય શેરબજારમાં રોકાણ કરી શકશે

- PROIમાં રોકાણની મર્યાદા 10 ટકાથી વધારી 20 ટકા કરાઈ. 

- AI મિશન હેઠળ ઉદ્યોગોને મદદ કરવામાં આવશે. 

- 5 પ્રાદેશિક મેડિકલ હબ શરૂ કરાશે. 

- દેશમાં ત્રણ નવી આયુર્વેદ AIIA બનશે. 

- કન્ટેન્ટ ક્રિએટર લેબ બનાવાશે. 

- જામનગરમાં WHOના કેન્દ્રને અપગ્રેડ કરાશે. 

- દેશમાં 5 યુનિવર્સિટી ટાઉનશીપનું નિર્માણ કરાશે. 

- રાજકોષીય ખાધ 4.4 ટકા રહેવાનું અનુમાન

- મેન્ટલ હેલ્થ માટે ઉત્તર ભારતમાં NIMHANS-2 યોજના શરૂ કરાશે 

- જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરાશે  

NIMHANS-2 ની સ્થાપના કરાશે, બે શહેરોની પસંદગી 

ઉત્તર ભારતમાં માનસિક સ્વાસ્થ્ય માટે એક પણ સંસ્થા નથી એટલા માટે સરકારે તેના માટે NIMHANS-2 ની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. તેના માટે રાંચી અને તેજપુરની પસંદગી કરાઈ છે. 

મહિલાઓ માટે SHEની જાહેરાત 

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ મટો SHE માર્ટની જાહેરાત કરતાં કહ્યું કે આ યોજના હેઠળ ગામડાની મહિલાઓ કેપ્ટન તરીકે કામ સંભાળશે. લખપતિ દીદીની જેમ સરકારે મહિલાઓને ક્રેડિટ લિંક્સ માર્ટ્સની જવાબદારી સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેના માધ્યમથી ગામડાની મહિલાઓ આજીવિકા રળી શકશે. SHE નો અર્થ સેલ્ફ હેલ્પ ગ્રૂપ છે. 

નાના, મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન અને સહાય આપીને ચેમ્પિયન બનાવાશે 

ઇક્વિટી સપોર્ટ

₹10,000 કરોડનું સમર્પિત SME વિકાસ ભંડોળ શરૂ કરાશે. 

આત્મનિર્ભર ભારત ફંડમાં વધારાના ₹2,000 કરોડ ઉમેરાશે 

લિક્વિડિટી સપોર્ટ 

TReDS પ્રોફેશનલ સપોર્ટ સાથે MSME માટે ₹7 લાખ કરોડથી વધુનું ભંડોળ 

પ્રોફેશનલ સપોર્ટ 

ટિયર II અને III શહેરોમાં 'કોર્પોરેટ મિત્ર'નું કેડર તૈયાર કરાશે, જેથી MSMEs વાજબી ભાવે તેની જરૂરિયાતો પૂર્ણ કરી શકે.

ભારતમાં ત્રણ નવા AIIA સ્થાપિત કરાશે 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આરોગ્ય ક્ષેત્રમાં એક મોટી જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે ભારતમાં ત્રણ નવા ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)ની સ્થાપના કરવામાં આવશે. વધુમાં, આયુષ ફાર્મસીઓમાં સુધારો કરવામાં આવશે. ઉચ્ચ-ગુણવત્તાવાળી પરીક્ષણ પ્રયોગશાળાઓ બનાવવામાં આવશે.

25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા 

નિર્મલા સીતારમણે કહ્યું કે દેશના 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા છે. 

7 નવા હાઇ-સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે 7 નવા હાઇ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરી. આમાં મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદથી ચેન્નાઈ, ચેન્નાઈથી બેંગલુરુ, દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલિગુડીનો સમાવેશ થાય છે.

તમિલનાડુને મોટી ભેટ

નિર્મલા સીતારમણે તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને કેરળને એક મોટી ભેટ રજૂ કરી. રવિવારે તેમના બજેટ ભાષણ દરમિયાન, તેમણે આ ત્રણેય રાજ્યોમાં સમર્પિત રેર અર્થ કોરિડોરનો પ્રસ્તાવ મૂક્યો.

કન્ટેઈનરમેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ માટે 10 હજાર કરોડની ફાળવણી 

નાણામંત્રીએ કહ્યું કે વૈશ્વિક સ્તરે કન્ટેઈનરમેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમની સ્થાપના કરવામાં આવશે. તેના માટે 10 હજાર કરોડની ફાળવણી આગામી પાંચ વર્ષ માટે કરવામાં આવી રહી છે. 

સતત આર્થિક વિકાસ માટે શું છે પ્લાન? 

પ્રથમ - વિનિર્માણ ક્ષેત્રોને વ્યૂહાત્મક સરહદો તરફ લઈ જઇશું 

બીજું - પરંપરાઓ જાળવી રાખીશું 

ત્રીજું - ચેમ્પિયન MSMEનું સર્જન 

ચોથું - શક્તિશાળી માળખું તૈયાર કરીશું 

પાંચમું - સ્થિરતાવાળો માહોલ બનાવીશું 

છ - સિટી ઈકોનોમિક ક્ષેત્ર તૈયાર કરીશું 

નાણામંત્રીએ સરકારના 3 કર્તવ્યો જણાવ્યા 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, "અમારું પહેલું કર્તવ્ય અર્થતંત્રનો ઝડપથી વિકાસ કરવાનો છે. આ અશાંત વૈશ્વિક વાતાવરણમાં આપણે સ્થિર રહેવું જોઈએ. બજેટનો લાભ દરેક ગરીબ વ્યક્તિને મળવો જોઈએ. સુધારાની ગતિ ઝડપથી આગળ વધી રહી છે અને તેની ગતિ જાળવી રાખવામાં આવશે. કેન્દ્ર સરકાર રાજ્યો સાથે નજીકથી કામ કરી રહી છે."

'ભારત વિકાસ, સુધારા અને સ્થિરતાના માર્ગે..'

નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનું નિર્માણ થયું છે અને ઉર્જા સુરક્ષા મજબૂત થઈ છે. સરકારે લોકશાહી કરતાં સામાન્ય લોકોને પ્રાથમિકતા આપી છે. સરકારે વાણી-વર્તનની જગ્યાએ સુધારાઓને પસંદ કર્યા છે. મોદી સરકારે નિર્ણાયક પગલાંનો માર્ગ અપનાવ્યો છે. ભારતની વિકાસ યાત્રા સતત આર્થિક વૃદ્ધિ અને નિયંત્રિત ફુગાવા દ્વારા ચિહ્નિત છે. નીતિગત નિર્ણયોએ મજબૂત મેક્રોઇકોનોમિક સ્થિરતા સુનિશ્ચિત કરી છે.

આત્મનિર્ભરતા અમારા અર્થતંત્રનો મૂળ 

આત્મનિર્ભરતા અમારી અર્થવ્યવસ્થાનો મૂળ મંત્ર છે. PM મોદીના નેતૃત્વમાં અનેક બદલાવ કર્યા છે, અર્થવ્યવસ્થા 7 ટકાના ગ્રોથ રેટથી વધી રહી છે: નિર્મલા સીતારમણ

પીએમ મોદીની કેબિનેટ દ્વારા બજેટને મંજૂરી 

નિર્મલા સીતારમણે મોદી કેબિનેટ સમક્ષ બજેટ રજૂ કર્યું હતું જેને ઔપચારિક રીતે મંજૂરી આપી દેવામાં આવી હતી. હવે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે નિર્મલા સીતારમણ. 

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ સંસદ પહોંચ્યા નિર્મલા સીતારમણ 


રાષ્ટ્રપતિ સાથે નિર્મલા સીતારમણની મુલાકાત, બજેટની કોપી સોંપી 

Budget 2026: આત્મનિર્ભર ભારત, ઈન્કમ ટેક્સ, મેડિકલ.... જાણો બજેટની મહત્ત્વની જાહેરાતો 2 - image

11 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ થશે 

આજે જે 1 ફેબ્રુઆરી છે, જે દેશની આર્થિક પ્રગતિનું પ્રતિબિંબ પાડતો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરશે. આ બજેટમાં આર્થિક વૃદ્ધિ (Growth) અને નાણાકીય સંતુલન (Fiscal Balance) વચ્ચે તાલમેલ બેસાડવાનો મોટો પડકાર સરકાર સામે છે. આર્થિક સર્વેમાં આગામી વર્ષ માટે 7% ના વિકાસ દરનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, જે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે સ્થાપિત કરે છે.

આજે શેરબજાર ખુલશે, જાણી લો સમય 

શેર બજારના રોકાણકારોને સમય અંગે કોઈ મૂંઝવણ ન થાય તે માટે NSE અને BSEએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે રવિવારનું બજાર સામાન્ય ટ્રેડિંગ દિવસો જેવું જ રહેશે. આનો મતલબ છે કે તમે બજેટ ભાષણ દરમિયાન પોતાની વ્યૂહનીતિ બનાવી શેર બજારમાં સોદો કરી શકો છો.

-પ્રી-ઓપન માર્કેટ: સવારે 9:00થી 9:08 વાગ્યા સુધી

-ટ્રેડિંગનો સમય: સવારે 9:15થી 3:30 સુધી

નાણા મંત્રી કર્તવ્ય ભવન પહોંચ્યા 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કર્તવ્ય ભવન પહોંચી ગયા છે. નાણા મંત્રાલય હવે અહીં શિફ્ટ કરી દેવામાં આવયું છે. નિર્મલા સીતારમણની સાથે કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ જોવા મળ્યા હતા. 

આજના બજેટનું શેડ્યૂલ:

સવારે 8:15: નાણામંત્રી નાણા મંત્રાલય પહોંચશે.

સવારે 9:00: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત અને બજેટની મંજૂરી.

સવારે 10:00: કેબિનેટ બેઠકમાં બજેટ પર અંતિમ મહોર.

સવારે 11:00: લોકસભામાં બજેટ ભાષણની શરૂઆત.

બપોરે 2:00: બજેટ બાદ નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ.

ટેક્સપેયર્સ અને મધ્યમ વર્ગની અપેક્ષાઓ

સામાન્ય જનતા અને ખાસ કરીને પગારદાર વર્ગ માટે આ બજેટ ખૂબ મહત્ત્વનું છે. જોકે, નિષ્ણાતો માને છે કે ઇન્કમ ટેક્સ સ્લેબમાં બહુ મોટા ફેરફારની શક્યતા ઓછી છે, કારણ કે વર્ષ 2025માં જ ટેક્સ સિસ્ટમમાં મોટું રીસેટ કરવામાં આવ્યું હતું. છતાં, સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં મામૂલી વધારો થવાની આશા છે. સરકારનું ધ્યાન ટેક્સના દરો ઘટાડવાને બદલે કર અનુપાલન (Compliance) ને સરળ બનાવવા પર હોઈ શકે છે.

રોજગાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર

વિકસિત ભારતના રોડમેપને ધ્યાનમાં રાખીને સરકાર રોજગાર યોજનાઓ પર મોટું રોકાણ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, 'પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ' નો વિસ્તાર કરવામાં આવી શકે છે, જેમાં વય મર્યાદા 21-24 થી વધારીને 18-30 વર્ષ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મૂડીગત ખર્ચ (Capital Expenditure) માં વધારો કરીને નવા રોજગારના અવસરો ઉભા કરવાનું સરકારનું લક્ષ્ય રહેશે.

ગ્રામીણ વિકાસ અને નવો રોજગાર મોડલ

સરકાર ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે મોટો નિર્ણય લઈ શકે છે. અહેવાલો મુજબ, મનરેગા (MGNREGA) ના સ્થાને નવું 'વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન' લોન્ચ કરવાની તૈયારી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના બજેટમાં બે આંકડામાં (Double Digit) વધારો થઈ શકે છે, જેથી ગ્રામીણ માંગને મજબૂતી આપી શકાય. PMAY-G અને ગ્રામ સડક યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ માટે વધુ ભંડોળ ફાળવવામાં આવી શકે છે.

વૈશ્વિક પડકારો અને શેરબજાર

આ બજેટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે અમેરિકાની ટેરિફ નીતિઓ અને ભૌગોલિક તણાવને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. આજે રવિવાર હોવા છતાં, બજેટને કારણે શેરબજાર (NSE અને BSE) સામાન્ય દિવસની જેમ ખુલ્લું રહેશે અને લાઇવ ટ્રેડિંગ થશે. રોકાણકારોની નજર લોંગ-ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ના નિયમો અને રાજકોષીય ખાધના લક્ષ્યાંક પર રહેશે.