ઓટો કંપનીઓની સપ્ટેમ્બરમાં વાહનોની વેચાણ વૃદ્વિ ધીમી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્રુડના ભાવમાં ભડકો, દુષ્કાળનું જોખમ, મોંઘવારીના પરિબળોની જોવાયેલી અસર
મુંબઈ : ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે કપરાં ચઢાણના એંધાણ મળવા લાગ્યા છે. ઈરાન અને અમેરિકા યુદ્વના પરિણામે હોર્મુઝ માર્ગે ક્રુડ ઓઈલનો પુરવઠો રૂંધાતા વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ વધીને બ્રેન્ટના ૧૦૦ ડોલર પાર અને નાયમેક્ષ ક્રુડના ૯૨ ડોલર પાર થઈ જતાં અને દેશમાં અલનીનોના કારણે દુષ્કાળનું સંકટ સર્જાવા લાગતાં મોંઘવારી કાબૂ બહાર જવાના એંધાણે તહેવારોની સીઝનમાં પણ વાહનોની માંગ મંદ પડતી જોવાઈ રહી છે. જે સપ્ટેમ્બર ૨૦૨૬ મહિનાના ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણના આંકડામાં સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. ઘણી કંપનીઓનું વાહનોનું વેચાણ ઓગસ્ટ ૨૦૨૬ની તુલનાએ સપ્ટેમ્બર ૨૦૨૬માં ઠંડુ પડતું જોવાયું છે. ખાસ ટ્રેકટરનું વેચાણ ઘટયું છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું સપ્ટેમ્બર ૨૦૨૬માં પેસેન્જર વાહનોનું વેચાણ ગત વર્ષના સમાન મહિનાની તુલનાએ ૧૪ ટકા વધુ ૬૪,૦૯૨ વાહનોનું નોંધાયું છે. અલબત ઓગસ્ટ ૨૦૨૬ મહિનાની ૫૦ ટકાની વૃદ્વિની તુલનાએ આ વખતે વેચાણ વૃદ્વિ મંદ પડી છે. ટ્રેકટરનું વેચાણ ૨૧ ટકા ઘટીને ૫૨,૧૦૦ ટ્રેકટરનું થયું છે. પેસેન્જર કારમાં દેશની સૌથી મોટી કંપની મારૂતી સુઝુકી લિમિટેડનું સપ્ટેમ્બરમાં વેચાણ ગત વર્ષના સમાન મહિનાની તુલનાએ ૩૦ ટકા વધીને ૧.૯૨ લાખ વાહનોનું થયું છે. જે વૃદ્વિ ઓગસ્ટ ૨૦૨૬ મહિનામાં ૩૪.૮૧ ટકા રહી હતી. આમ આ વખતે વેચાણ વૃદ્વિ મંદ પડી છે. એસ્કોર્ટ કુબોટાનું વેચાણ ૧૬.૭ ટકા ઘટીને ૧૫,૨૧૪ વાહનોનું થયું છે. જો કે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનું સપ્ટેમ્બરમાં વેચાણ ૧૦.૮ ટકા વધીને ૭૭૯૧૬ વાહનોનું થયું છે.
નિકાસ ૧૦.૪ ટકા વધી છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ ૧૫ ટકા વધીને ૭૦,૨૧૦ વાહનોનું થયું છે. રેનોલ્ટ ઈન્ડિયાનું વેચાણ ઓગસ્ટની તુલનાએ સપ્ટેમ્બરમાં ૨૦ ટકા વધીને ૩૩૯૯ વાહનોનું થયું છે. કિયા ઈન્ડિયાનું વેચાણ ૪૧ ટકા વધીને ૩૨,૦૧૭ વાહનોનું થયું છે. જો કે ઓગસ્ટની ૪૮.૧ ટકાની વૃદ્વિની તુલનાએ આ વખતે વેચાણ વૃદ્વિ ઘટી છે. ટોયોટા કિર્લોસ્કર મોટરનું વેચાણ ૨૮,૨૧૮ વાહનોનું થયું છે. જ્યારે જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાનું વેચાણ ૧૯ ટકા વધીને ૮૦૧૮ વાહનોનું થયું છે.
ટુ-વ્હીલરમાં બજાજ ઓટોનું વેચાણ સપ્ટેમ્બરમાં ગત વર્ષની તુલનાએ પાંચ ટકા વધીને ૫.૩૮ લાખ વાહનોનું થયું છે. જે અપેક્ષાથી ઓછું રહ્યું છે. સ્થાનિકમાં વેચાણ ૯ ટકા ઘટીને ૨.૯૪ લાખ વાહનોનું અને નિકાસ ૩૨ ટકા વધીને ૨.૪૩ લાખ વાહનોની થઈ છે. હીરો મોટોકોર્પનું સપ્ટેમ્બરમાં વેચાણ ૧૨ ટકા વધીને ૭.૬૬ લાખ વાહનોનું થયું છે. હોન્ડા મોટરસાયકલ ઈન્ડિયાનું સપ્ટેમ્બરમાં વેચાણ ગત વર્ષના સમાન મહિનાની તુલનાએ ૨૪ ટકા વદીને ૭,૦૬,૨૬૬ વાહનોનું થયું છે.




