IPOની તેજીને બ્રેક: જાહેર ભરણાં થકી નાણાં ઊભા કરવાની માત્રામાં ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

છેલ્લા બે વર્ષમાં આઈપીઓ થકી જંગી રકમ ઊભી કરાઈ હતી
મુંબઈ : વર્તમાન કેલેન્ડર વર્ષમાં દેશમાં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ)ની તેજી ઠંડી પડી ગયાનું અત્યારસુધીના ડેટા પરથી કહી શકાય એમ છે.
૨૦૨૬માં કંપનીઓએ અત્યારસુધી આઈપીઓ મારફત ૫.૭૮ અબજ ડોલર ઊભા કર્યા છે જે ગયા વર્ષના સમાનગાળા સુધીમાં ૭.૩૨ અબજ ડોલર ઊભા કરાયા હતા. કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં આઈપીઓ મારફત ૨૦.૬૫ અબજ ડોલર અને ૨૦૨૫માં ૨૨.૩૬ અબજ ડોલર ઊભા કરાયા હતા. પોતાના ભરણાંને સફળ બનાવવા કંપનીઓ દ્વારા ભરણાંના કદમાં ઘટાડો, મૂલ્યાંકનોમાં કાપ તથા લિસ્ટિંગ્સમાં ઢીલને કારણે ભંડોળ ઊભા કરવાની માત્રા પર અસર પડી હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો જેઓ પ્રભાવશાળી ખરીદદાર રહે છે તેમના દ્વારા પ્રાઈસિંગ મોરચે આક્રમક વાટાઘાટને કારણે કંપનીઓએ પોતાના ભરણાંના કદ ઘટાડવાની ફરજ પડી રહી છે. નીચા કદના ભરણાંને પરિણામે વર્તમાન વર્ષમાં જાહેર ભરણાં મારફત નાણાં ઊભા કરવાની માત્રા ઘણી નીચી જોવા મળવાની એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કરે શકયતા વ્યકત કરી હતી. જોખમ લેવાની રુચી ઘટી જતા રોકાણકારો પણ આઈપીઓમાં નાણાં નાખતા પહેલા સાવચેતી ધરાવતા થયા છે. સેકન્ડરી બજારમાં વોલેટિલિટી તથા તાજેતરમાં કેટલાક ભરણાંમાં નબળા વળતરને પરિણામે રોકાણકારો સાવચેત બની ગયા છે. દેશમાં હવે સિક્યુરિટીઝ માર્કેટમાં લગભગ ૧૪.૫ કરોડ રોકાણકારો છે અને તેમના સ્તરમાં વાર્ષિક ૨૦ ટકાથી વધુના દરે વધારો થઈ રહ્યો છે. ભારતીય ઈક્વિટીમાં સતત વોલેટિલિટી ઉપરાંત ભૌગોલિક રાજકીય તાણને કારણે રોકાણકારોનું મૂડી બજાર તરફ આકર્ષણ ઓછું થઈ રહ્યું છે, એમ એક વિશ્લેષકે તાજેતરમાં જણાવ્યું હતું.
હજુ થોડાક સમય સુધી આવી જ સ્થિતિ જોવા મળશે. રોજગારને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાને પરિણામે પણ નવા યુવાવર્ગનું મૂડી બજાર પ્રત્યે આકર્ષણ ઓછું થયું છે.









