10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની ચલણી નોટ ક્યારે આવશે? RBI ગવર્નરે જણાવ્યો સમય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RBI On Plastic Currecnt Notes: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બુધવારે એમપીસી (MPC) બેઠકના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં રેપો રેટને સ્થિર રાખવાની સાથે એક નવો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પોલિમર નોટ એટલે કે પ્લાસ્ટિક કરન્સી સાથે જોડાયેલો છે. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ 10 રૂપિયા અને 20 રૂપિયાની પોલિમર કરન્સી નોટ બહાર પાડવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. હવે આ અંગે ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2028 (FY28)ની શરૂઆતમાં આ નોટ બજારમાં સર્ક્યુલેશનમાં લાવી દેવામાં આવશે.
પોલિમર નોટનો પાયલોટ પ્રોજેક્ટ
આરબીઆઈ ગવર્નરે મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે બેંકનું મુખ્ય લક્ષ્ય નાણાકીય વર્ષ 2028ની શરૂઆતમાં આ પ્લાસ્ટિક નોટને બજારમાં ચલણમાં લાવવાની છે. તે માટે અત્યારથી જ તબક્કાવાર તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં આ પોલિમર નોટનો પાયલોટ પ્રોજેક્ટ પ્રક્રિયા હેઠળ છે. તેને સંપૂર્ણ રીતે બજારમાં ઉતારતા પહેલાં તમામ સુરક્ષા પાસાંઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન અને કડક પરીક્ષણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની મંજૂરી અને ફિલ્ડ ટ્રાયલનું આયોજન
નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં જ સંસદમાં આ પ્રસ્તાવ અંગે માહિતી આપતાં મંજૂરી આપાઈ હોવાનું જાહેર કરાયું હતું. પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે 10 રૂપિયા અને 20 રૂપિયાના મૂલ્યની 100-100 કરોડ (એક-એક અબજ) પોલિમર નોટના ફિલ્ડ ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે. જો આ પાયલોટ અને ફિલ્ડ ટ્રાયલ સફળ રહેશે, તો ત્યારબાદ આ નોટને કાયમી ધોરણે બહાર પાડવાની યોજના અમલમાં મુકાશે.
જૂની કાગળની નોટનું શું થશે?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે નવી પ્લાસ્ટિક નોટ આવવાથી હાલમાં ચલણમાં રહેલા 10 અને 20 રૂપિયાના કાગળની નોટ પર કોઈ અસર પડશે નહીં. એટલે કે જૂની કાગળની નોટ બંધ થશે નહીં, પરંતુ તે આ નવા પોલિમર નોટની સાથે જ બજારમાં ચાલુ રહેશે. કાગળની કરન્સીને સંપૂર્ણ રીતે બદલવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ નથી. સામાન્ય કાગળની નોટની સરખામણીએ પોલિમર નોટનું આયુષ્ય વધુ હોય છે અને તે જલ્દી ફાટતી કે ખરાબ થતી નથી.
50થી વધુ દેશોમાં પહેલેથી જ વપરાય છે પ્લાસ્ટિક નોટ
ભારતમાં ભલે આ પ્રયોગ પ્રથમ વખત થઈ રહ્યો હોય, પરંતુ વૈશ્વિક સ્તરે ઓસ્ટ્રેલિયાએ વર્ષ 1988માં સૌથી પહેલાં પ્લાસ્ટિક નોટની શરૂઆત કરી હતી. હાલમાં વિશ્વના 50થી વધુ દેશોમાં આવી પોલિમર કરન્સીનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ નોટની મુખ્ય ખાસિયત એ છે કે તે ટકાઉ હોય છે અને તેના જેવી નકલી નોટ બનાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે.









