Business

LPG, ટ્રેન ટિકિટથી લઈને ITR સુધી... આજથી દેશભરમાં 8 મોટા ફેરફાર, તમારા ખિસ્સાને થશે અસર

By GS Team
1 Aug 20263 mins read
TukuTouch Logo
1 ઓગસ્ટથી દેશમાં અનેક નાણાકીય નિયમો બદલાયા છે, જે સીધા સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે. કોમર્શિયલ LPG સિલિન્ડર 202 રૂપિયા સસ્તો થયો છે, જ્યારે ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત છે. રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં ટોકન સિસ્ટમ શરૂ થઈ છે. ચા-કપડાં મોંઘા થઈ શકે છે, જ્યારે ITR મોડું ભરવા પર દંડ લાગશે. બેંકોએ ક્રેડિટ કાર્ડ પોલિસી બદલી છે અને CKYC 2.0 રોલઆઉટ થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

LPG, ટ્રેન ટિકિટથી લઈને ITR સુધી... આજથી દેશભરમાં 8 મોટા ફેરફાર, તમારા ખિસ્સાને થશે અસર

Financial Rule Changes August 1: આ મહિને પણ દર વખતની જેમ ઘણા મહત્ત્વના નાણાકીય નિયમોમાં ફેરફાર થયા છે. 1 ઓગસ્ટથી અમલમાં આવેલા આ નવા નિયમો સીધા તમારા ખિસ્સા પર અસર કરશે. જેમાં LPG સિલિન્ડરના ભાવથી લઈને રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ, GST અને ક્રેડિટ કાર્ડ સહિતના નિયમો સામેલ છે. આવો જાણીએ આજથી દેશમાં કયા-કયા મુખ્ય ફેરફારો થયા છે.

  1. કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

દર મહિનાની પહેલી તારીખની જેમ આ વખતે પણ LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે. આજથી 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 202 રૂપિયાનો મોટો ઘટાડો કરાયો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2,728 રૂપિયા અને કોલકાતામાં 2,872.50 રૂપિયા થઈ ગઈ છે. જોકે, ઘરગથ્થુ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

  1. રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં સુધારો

ભારતીય રેલવે દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રિઝર્વેશન કાઉન્ટર પર થતી ભારે ભીડને નિયંત્રિત કરવા માટે હવે તત્કાલ બુકિંગ શરૂ થવાના સમયની સાથે જ મુસાફરોને ટોકન આપવામાં આવશે. પહેલા મુસાફરોને ટોકન અપાશે અને ત્યારબાદ એ ટોકન નંબર મુજબ જ ક્રમશઃ ટિકિટ ઈશ્યૂ કરવામાં આવશે, જેથી કાઉન્ટર પર વ્યવસ્થા જળવાઈ રહે.

  1. ચાથી લઈને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી થવાની શક્યતા

માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચાલુ મહિને ચા, કપડાં, ટીવી, ફ્રિજ અને વૉશિંગ મશીન જેવી જીવનજરૂરી અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી થઈ શકે છે. વૈશ્વિક અને ભૂ-રાજકીય તણાવને કારણે ઈનપુટ કોસ્ટ (કાચા માલનો ખર્ચ) વધી રહ્યો છે. જેને કારણે કારથી લઈને સાબુ સુધીની અનેક પ્રોડક્ટ્સની કિંમતમાં 4થી 6 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.

  1. IT રિટર્ન માટે દંડ

ITR-1 અને ITR-2 ભરવાની સામાન્ય સમયમર્યાદા 31 જુલાઈએ પૂર્ણ થઈ ગઈ છે. તેથી હવે 1 ઓગસ્ટથી લેટ રિટર્ન (બિલેટેડ ITR) દાખલ કરવું પડશે, જેના માટે કરદાતાઓએ 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

  1. ક્રેડિટ કાર્ડ પોલિસીમાં ફેરફાર

1 ઓગસ્ટથી દેશની અગ્રણી બેંકોએ પોતાની ક્રેડિટ કાર્ડ પોલિસીમાં ફેરફારો લાગુ કર્યા છે. આ ફેરફારોમાં રિવોર્ડ પોઈન્ટ પ્રોગ્રામ, વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ અને અન્ય સર્વિસ ચાર્જિસનો સમાવેશ થાય છે. દરેક બેંકના નિયમો અલગ-અલગ હોવાથી ગ્રાહકોએ પોતાના ક્રેડિટ કાર્ડના નવા ચાર્જિસ અને શરતો ચકાસી લેવી જરૂરી છે.

  1. સરળ બેંકિંગ માટે CKYC 2.0 રોલઆઉટ

બેંકિંગ, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રને વધુ સરળ બનાવવા માટે આજથી 'CKYC 2.0' (સેન્ટ્રલ કેવાયસી) રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકની ડિજિટલ મંજૂરી બાદ નાણાકીય સંસ્થાઓ સેન્ટ્રલ ડેટાબેઝમાંથી જ જરૂરી વિગતો મેળવી શકશે. આ સિસ્ટમથી ગ્રાહકોને નવું બેંક ખાતું ખોલાવતી વખતે, વીમો લેતી વખતે કે અન્ય નાણાકીય વ્યવહારો કરતી વખતે વારંવાર એકસરખા KYC દસ્તાવેજો જમા કરાવવામાંથી મુક્તિ મળશે.

  1. GST અને e-Way બિલના નિયમોમાં ફેરફાર

વેપારીઓ અને બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે GSTના નિયમોમાં બદલાવ કરાયો છે. ઈ-ઈનવોઈસ અને ઈ-વે બિલ (e-Way Bill) સિસ્ટમને વધુ પારદર્શક બનાવવાના ભાગરૂપે હવે 'બિલ-ટુ-શિપ-ટુ' (Bill To–Ship To) વ્યવહારોમાં 'શિપ-ટુ' GSTIN આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સાથે સિસ્ટમ દ્વારા GSTIN અને સ્ટેટ કોડ સહિતની માહિતીનું ઓટો-વેરિફિકેશન પણ કરવામાં આવશે.

  1. પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર

સરકારી ઓઇલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. આજે દેશભરમાં ઈંધણની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટર પર સ્થિર છે. જોકે, સ્થાનિક વેટ (VAT)ના કારણે અલગ-અલગ શહેરોમાં ભાવમાં મામૂલી ફેરફાર જોવા મળ્યો છે.