Business

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહતના સંકેત! ટ્રમ્પની જાહેરાતથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં કડાકો

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન તણાવ ઘટતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 5%નો ઘટાડો નોંધાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો ટાળી ડિપ્લોમેટિક વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી. આ નિર્ણયથી શાંતિની આશા જાગતા બ્રેન્ટ ક્રૂડ 83 ડોલર અને WTI ક્રૂડ 80 ડોલર આસપાસ પહોંચ્યું. ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહતના સંકેત! ટ્રમ્પની જાહેરાતથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં કડાકો
IMAGE - IANS

Crude Oil Price Drop: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો પર જોવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શાંતિ કે હુમલા અંગે આપવામાં આવતા નિવેદનોથી ક્રૂડ ઓઇલમાં સતત અસ્થિરતા જોવા મળે છે. હાલમાં જ ટ્રમ્પે ઈરાન સાથે ડિપ્લોમેટિક વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી છે. કૂટનીતિ દ્વારા શાંતિની આશા જાગતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે 5%નો મોટો ઘટાડો નોંધાયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું નિવેદન આપ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત હુમલો હાલ પૂરતો ટાળતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જો ઈરાન પર આ હુમલો કરવામાં આવ્યો હોત તો તે બીજા વિશ્વયુદ્ધ બાદનો સૌથી મોટો હુમલો બન્યો હોત. ઈરાનના પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝ સ્ટ્રેટ અને પ્રાદેશિક સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ હજુ પણ ઉકેલાયા નથી, તેમ છતાં વધુ જાનમાલનું નુકસાન અટકાવવા કૂટનીતિ જ શ્રેષ્ઠ માર્ગ છે. એર ફોર્સ વનમાં વાત કરતી વખતે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેહરાન સાથે સોમવાર બપોરથી મંત્રણાનો દોર શરૂ થઈ રહ્યો છે, જોકે આ કરાર પર પહોંચવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નથી.

ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો

ઈરાન સાથે સમજૂતી અંગે ટ્રમ્પના આ નિવેદન બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્રિન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 4.80%થી વધુ ઘટીને પ્રતિ બેરલ 83 ડોલરની આસપાસ આવી ગયો છે. આ ઉપરાંત, WTI ક્રૂડ ઓઇલનો ભાવ પણ 5.30% ઘટીને પ્રતિ બેરલ 80 ડોલરના સ્તરે પહોંચી ગયો છે.

હોર્મુઝ સ્ટ્રેટ પર ટકેલો છે મુખ્ય વિવાદ

અગાઉ પણ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની શક્યતા સર્જાઈ હતી, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ વિવાદને લીધે અંતિમ કરાર થઈ શક્યો ન હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ અને ગેસના પુરવઠા માટે હોર્મુઝ સ્ટ્રેટ એક અત્યંત મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ગણાય છે. વિશ્વની ક્રૂડ ઓઇલ અને ગેસની કુલ જરૂરિયાતમાંથી લગભગ 20% જેટલો જથ્થો આ જ રસ્તેથી મોકલવામાં આવે છે. તેથી, આ માર્ગમાં સર્જાતી કોઈ પણ અડચણ સીધી રીતે ભાવ વધારાનું કારણ બને છે અને મોંઘવારીનું જોખમ ઊભું કરે છે.

શેરબજારમાં તેજીનો માહોલ

ઈરાન સાથે વાટાઘાટોના નિર્ણયો બાદ અમેરિકન શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 276.97 પોઈન્ટ અને S&P 51 પોઈન્ટ વધીને બંધ થયા હતા. આ જ સાનુકૂળ સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી છે. BSE સેન્સેક્સ 789 પોઈન્ટના તોતિંગ ઉછાળા સાથે 78,883 પર ખૂલ્યો હતો, જ્યારે NSE નિફ્ટી પણ 24,500ની મજબૂત સપાટી વટાવીને ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.