સપ્ટે.ના પ્રથમ પખવાડિયા માટે નવી નીતિ હેઠળ ૧૩ લાખ ટન ખાંડ કવોટા જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફાળવણીમાંથી મિલોએે ૪૦ ટકા ખાંડ પ્રથમ સપ્તાહમાં વેચી દેવાની રહેશે
મુંબઈ : ખુલ્લા બજારમાં ખાંડનો પૂરવઠો કરવા માટે સરકાર દ્વારા મિલો માટે હવે દર મહિનાને બદલે દર પખવાડિયે ખાંડ કવોટા બહાર પાડવાની નવી નીતિ અનવયે સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયા માટે ૧૩ લાખ ટન ખાંડ કવોટા જાહેર કરાયો છે.
આ કવોટા ૧લી સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. નવા ધોરણ પ્રમાણે મિલોએ તેમને ફાળવાયેલા પખવાડિક કવોટામાંથી ઓછામાં ઓછી ૪૦ ટકા ખાંડ પખવાડિયાના પ્રથમ સપ્તાહમાં અને બાકીની ખાંડ બીજા સપ્તાહમાં નિકાલ કરી દેવાની રહેશે.
વર્તમાન વર્ષના ઓગસ્ટમાં ૨૨.૫૦ લાખ ટન કવોટા જાહેર કરાયો હતો.
હાલમાં તહેવારો ટાંકણે ખાંડના ભાવમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખી સરકારે પખવાડિક કવોટાનો નવો નિયમ જાહેર કર્યો છે. દર પખવાડિયે કવોટા જારી કરવાથી ખાંડની સંગ્રહખોરી અટકાવવામાં મદદ મળશે એમ અન્ન મંત્રાલયના સુત્રોએ અગાઉ જણાવ્યું હતું.
મન્થલી કવોટાના કિસ્સામાં મિલો દ્વારા મહિનાના પ્રારંભમાં વેચાયેલી ખાંડની ડિલિવરી અથવા તો ખરીદદાર તરફથી તેનો ઉપાડ મહિનાના અંતે થતો હોવાના દાખલા જોવા મળ્યા હતા એમ પણ સુત્રો દ્વારા દાવો કરાયો હતો.
હાલમાં તહેવારો ટાંકણે ખાંડના ભાવમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
નવી મોસમના પ્રારંભમાં ઓકટોબરમાં ૧૦ લાખ ટનથી વધુ ખાંડ ઉત્પન્ન થવાની અપેક્ષા છે જ્યારે નવેમ્બરમાં ઉત્પાદન ૪૫ લાખ ટન રહેવા અપેક્ષા છે.
સપ્ટેમ્બરમાં સમાપ્ત થનારી વર્તમાન ંમોસમમાં દેશનું ખાંડ ઉત્પાદન ૩૦૬ લાખ ટન રહેવાનો અંદાજ છે, જે પ્રારંભિક અંદાજ કરતા ૧૧ ટકા જેટલુ ઓછું છે.




