Business Plus
ભાષણો, સેલ્ફી અને રીલનું સર્જન પણ જીડીપીની ગણતરીમાં સામેલ
By GS Team
6 Sep 20263 mins read
દલા તરવાડી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના અનર્થશાસ્ત્રીઓએ GDP ના સાચા-ખોટા આંકડા પર ચર્ચા કરી. તેમણે રાજકીય પ્રવૃત્તિઓ, ભાષણો, રીલ અને સેલ્ફીઓને GDPમાં સામેલ કરવાનું સૂચવ્યું. એક અનર્થશાસ્ત્રીએ ૩૦% વૃદ્ધિનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ અન્ય લોકોએ ભવિષ્યની સમસ્યાઓ ટાળવા નીચો આંકડો રાખવાની સલાહ આપી. અંતે, કલ્યાણ યોજનાઓ ચાલુ રાખવા 7-8% GDP વૃદ્ધિ પર સહમતિ સધાઈ.
Summarized by AI; it may make mistakes. Check important info
દલા તરવાડી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના અનર્થશાસ્ત્રીઓએ GDP ના સાચા-ખોટા આંકડા પર ચર્ચા કરી. તેમણે રાજકીય પ્રવૃત્તિઓ, ભાષણો, રીલ અને સેલ્ફીઓને GDPમાં સામેલ કરવાનું સૂચવ્યું. એક અનર્થશાસ્ત્રીએ ૩૦% વૃદ્ધિનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ અન્ય લોકોએ ભવિષ્યની સમસ્યાઓ ટાળવા નીચો આંકડો રાખવાની સલાહ આપી. અંતે, કલ્યાણ યોજનાઓ ચાલુ રાખવા 7-8% GDP વૃદ્ધિ પર સહમતિ સધાઈ.
Summarized by AI; it may make mistakes. Check important info

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
દેશનો જીડીપી ખરેખર કેટલો સાચો અને કેટલો ખોટો તે વિશે વિવાદ જાગતાં દલા તરવાડી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ખેરખાં અનર્થશાસ્ત્રીઓની બેઠક મળી.
'ખરેખર કળિયુગ આવી ગયો છે. હજુ થોડાં વર્ષો પહેલાં સરકાર રાત કહેતી તો જનતા રાત કહેતી અને સરકાર દિવસ કહેતી તો જનતા દિવસ કહેતી. અને હવે કેવો ભૂંડો સમય આવ્યો છે, જુઓ. સરકારના આંકડાઓ પર શંકાઓ ઉઠાવવામાં આવે છે.' એક અનર્થશાસ્ત્રીએ ખરખરો કરવા આવ્યા હોય તેવા કરુણ સ્વરે કહ્યું.
બીજા અનર્થશાસ્ત્રી કહે, 'આવા કપરા સમયે આપણું જ્ઞાાન દેશને - સોરી - સરકારને કામ ન આવે તો આપણો તો અનર્થશાસ્ત્રી તરીકેનો અવતાર એળે ગયો કહેવાય.'
જોકે, ત્રીજા અનર્થશાસ્ત્રી કહે, 'આપણે ત્યાંની જનતા તો ભોટ છે. ક્યાં હાકોટો પાડવાનો છે અને ક્યાં જયજયકાર કરવાનો છે તેની એને ખબર જ નથી પડતી. આપણે જ પબ્લિકને જીડીપી વિશે સાચી સમજણ આપવી જોઈએ.'
ચોથા અનર્થશાસ્ત્રી કહે, 'બરાબર છે. દેશે પાછલાં વર્ષોમાં આટલો બધો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે તો પછી જીડીપીની વ્યાખ્યાનો પણ વિકાસ કેમ નહીં. આજથી ૨૦૦ વર્ષ પહેલાં જેની પાસે સૌથી વધારે ગાય, ઘેટાં-બકરાં હોય તે સૌથી શ્રીમંત ગણાતો હતો. આજે જેની પાસે સૌથી વધારે ઘેટાં જેવા પ્રજાજનો હોય એ નેતાઓ ફટાફટ શ્રીમંત બની જાય છે. એક જમાનામાં રાજકારણ સેવા ગણાતું હતું, આજે તે આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. તો પછી રાજકીય પ્રવૃત્તિઓ પણ જીડીપીની ગણતરીમાં સામેલ થવી જ જોઈએ.'
પાંચમા અનર્થશાસ્ત્રી સૂર પુરાવતાં કહે, 'હા, હવે તો રાજકારણમાં ભાષણો, રીલ અને સેલ્ફીઓની જ બોલબાલા છે. જે મંત્રી સાંસદ, વોર્ડ પ્રમુખ સૌથી વધારે સોશિયલ મીડિયા પોસ્ટ કરે, સૌથી વધારે રીલ બનાવે તે જ સૌથી કાર્યકુશળ ગણાય છે. આથી, ભાષણો, રીલ અને સેલ્ફીઓની પ્રવૃત્તિઓનો પણ જીડીપીના માપદંડોમાં સમાવેશ કરવો જોઈએ.'
પહેલા અનર્થશાસ્ત્રી કહે, 'આ હિસાબે આપણે આપણા દેશનો જીડીપી ગ્રોથ એટલીસ્ટ ૩૦ ટકા ગણી નાખીએ શું કહો છો ?'
'અરે ભાઈ, એવો ગજબ ન કરશો. મોટી તકલીફ એ થશે કે અત્યારે જો ૩૦ ટકા જીડીપી ગ્રોથ જાહેર કરી દઈશું તો આવતાં વર્ષે ૪૫-૫૦ રાખવો પડશે, કારણ કે આ વર્ષ કરતાં આવતાં વર્ષનો ગ્રોથ ગણવાનું દેશદ્રોહી કૃત્ય તો આપણાથી નહીં થાય.' બીજાએ ચિંતા વ્યક્ત કરી.
ત્રીજા અનર્થશાસ્ત્રી કહે, 'તો આ વખતે ૧૫ ટકાની આસપાસ રાખીએ. પછી આવતા વખતે ૧૮થી ૨૦ વચ્ચે ગોઠવીશું.'
ચોથા અર્થશાસ્ત્રી કહે, 'લ્યા, ડબલ ડિજિટ ગ્રોથ રાખશો તો પછી કરોડો લોકોને અન્ન સબસિડી કેમ આપવી પડે છે, રાજ્યોમાં બહેનોને લ્હાણી ,ખેડૂતોને દેવા-માફી આપવાની યોજનાઓ કેમ ઘડવી પડે છે તેવા સવાલ કેટલા અર્થ-નક્સલો ઉઠાવશે. એટલે મારી વિનંતી છે કે હજુ થોડોક આંકડો નીચે રાખો એટલે કલ્યાણ યોજનાઓ પણ ચાલુ રહી શકે.'
'છોડો ત્યારે, સાત-આઠ ટકાએ જ ગ્રોથ રાખો. બીજું શું ?' પાંચમા અનર્થશાસ્ત્રીએ નિસાસો કાઢતાં કહ્યું. બાકી બધાએ કચવાતે મને સંમતિ આપી.
સ્માઈલ ટિપ
ઇચ્છિત આંકડાનું ઉત્પાદન કરી આપે તેવાં શાસ્ત્રને કહેવાય સ્વાર્થશાસ્ત્ર!




