Business Plus

શનિની વક્રી ચાલ માટે પણ ખાસ વીમો લઈ લ્યો

By GS Team
19 Jul 20263 mins read
TukuTouch Logo
'મિસ્ટર લકી નસીબવાલા' નામના જ્યોતિષી-કમ-રોકાણ સલાહકારે ભ્રમિતલાલને "વક્રી શનિ વીમા"નું પ્રલોભન આપ્યું. આ વીમો શનિની વક્રી ચાલથી થતા નુકસાન સામે 10 લાખ રુપિયાનું કવચ આપવાનો દાવો કરતો હતો. ભ્રમિતલાલે KYC વિગતો આપતા જ, તેમના બેંક ખાતા ખાલી થયા અને ક્રેડિટ કાર્ડ પર વ્યવહારો થયા. તેમને સંદેશ મળ્યો કે તેમનો શનિ વીમો લેતા પહેલા જ વક્રી થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શનિની વક્રી ચાલ માટે પણ ખાસ વીમો લઈ લ્યો
  • સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

'મિસ્ટર લકી નસીબવાલા, ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર કમ એસ્ટ્રોલોજર' - આવું વિઝિટિંગ કાર્ડ જોઈને ભ્રમિતલાલ પ્રભાવિત થઈ ગયા. તેમણે આગંતુકને કહ્યું, 'આવો સંગમ તો મેં કદાચ પહેલીવાર જોયો.'
'એ જ તો…હું જાતકની કુંડળી જોઈને, હસ્તરેખાઓ તપાસીને, અંકશાસ્ત્ર પ્રમાણે ગણતરી કરીને અને વાસ્તુ ચેક કરીને કહી દઉં છું કે તમારે બેન્કિંગ શેરોમાં રોકાણ કરવાનું છ ેકે મેટલમાં? તમારે શોર્ટ ટર્મ રમવાનું છે કે લોંગ ટર્મ? તમારે શોર્ટ સેલિંગ કરીને કમાવાનું છે કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં પડવાનું છે? મ્યુચ્યુઅલ ફંડમાં પણ હું તમારી કુંડળી, હાલની ગ્રહોની ચાલ અને મ્યુચ્યુઅલ ફંડના તમારા પોર્ટફોલિયોના આંકડાઓના સરવાળા પરથી કહી દઈશ કે તમારે ઈક્વિટી ફંડ લેવાનું છે કે પછી ડેટ ફંડ કે પછી તમારું નસીબ બેલેન્સ્ડ ફંડથી ચમકી ઉઠશે.'
ભ્રમિત લાલને તો બત્રીસે કોઠે દીવા થઈ ગયા. 'વાહ… આ કિસ્સામાં તો ખોટ જવાના ચાન્સ બહુ ઓછા…'
'સર….ચાન્સ? વ્હોટ ચાન્સ? પહેલાં તો હું તમારી કુંડળીનું ફોરેન્સિક ઓડિટ કરીને કહી દઈશ કે તમારે શેરબજાર સાથે એક રુપિયાની પણ લેણાદેણી છે કે નહિ. જો મને લાગશે કે તમે તો બ્લૂચિપ શેરમાં પણ પછડાવ તેમ છો તો બોસ, હું તમારી પાસે એક રુપિયો પણ નહીં રોકાવું અને તમે જે રોક્યા હશે તે પણ પાછા ખેંચાવીને બેન્કની એફડીમાં મૂકાવી દઈશ. અલબત્ત એ એફડી કઈ બેન્કમાં કરવી એ પણ હુ ંજ્યોતિષ, ન્યુમરોલોજી, વાસ્તુશાસ્ત્ર, ફેંગશૂઈથી ચેક કરીને કહી દઈશ.'
'બોસ, એફડીમાં પણ કાંઈ રિસ્ક જેવું હોય તો કહી દેજો. કાલ ઉઠીને ખબર પડે કે અમારા જેવાના ડિપોઝિટના પૈસા લઈને કોઈ માલ્યા કે નિરવ મોદી ફોરેન જતો રહ્યો છે.'
'બોસ, ત્યારે હજુ તો મેં તમને મારી સુપર પ્રોડક્ટ તો બતાવી જ નથી. એકદમ રક્ષાકવચ જેવી.'
'હેં? શેર, મ્યુચ્યુલ ફંડ, એફડીથી પણ સુપર?' ભ્રમિત લાલને નવી આશા જાગી.
'અરે બોસ, સાવ ઈનોવેટિવ પ્રોડક્ટ છે. તમને ખબર છે કે શનિ હવે પાંચ મહિના સુધી વક્રી થવાનો છે. આ પાંચ મહિના દરમિયાન, તમારાથી રોકાણ બાબતે કોઈપણ ખોટો નિર્ણય લેવાઈ શકે છે, બીમારીમાં ખર્ચો આવી શકે છે, તમારી સાથે સાયબર ફ્રોડ પણ થઈ શકે છે. મારી પાસે એક વક્રી શનિ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ છે. તમે ધારો કે ૧૦ લાખનો આ વીમો લો તો તમને શનિ વક્રી હોવાને કારણે કોઈપણ નુકસાન થાય તો ૧૦ લાખ રુપિયા કંપની આપી દેશે. કોઈ વિધિ નહીં, નંગ કે મંત્રજાપ નહીં. સીધેસીધું નાણાંકીય રક્ષણ જ. બોલો, આ વીમો લેવો છે ને.'
'હેં? ઓહ… જોરદાર! શનિની વક્રી ચાલ સામે જ વીમો, એમ? હા. લઈ પાડીએ.' ભ્રમિત લાલ તો એકદમ શનિને બતાવી દેવાના મૂડમાં આવી ગયા.
'લાવો. કેવાયસી માટે તમારાં બેન્ક ખાતાંની વિગત, આધાર-પાન, મોબાઈલ નંબર બધું આપી દો.'
ભ્રમિત લાલે બધી ડિટેઈલ આપી દીધી. મિસ્ટર લકી રવાના થયા. થોડા કલાકોમાં જ ભ્રમિત લાલનાં બધાં બેન્ક ખાતાના બેલેન્સ પણ સાફ થઈ ગયાં અને ક્રેડિટ કાર્ડમાંથી પણ વ્યવહારો થઈ ગયા. ભ્રમિત લાલને સીધો મેસેજ મળ્યો. 'સોરી… તમે વીમો લ્યો તે પહેલાં જ તમારો શનિ એડવાન્સમાં વક્રી થઈ ગયો છે.'
સ્માઈલ ટિપ
યુદ્ધ, મોંઘવારી, કુદરતી આફતો, પેપરો ફૂટવાથી ત્રસ્ત આમ આદમીનું વક્રી શનિ કશું વધારે બગાડી લેવાનો નથી.