Business Plus

ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ ચાર વર્ષ બાદ દૂર થતાં વિદેશી વેપારનો ધમધમાટ શરૂ

By GS Team
30 Aug 20263 mins read
TukuTouch Logo
ગત સપ્તાહે એગ્રી કોમોડિટી બજારમાં મિશ્ર વલણ રહ્યું. તહેવારોની માંગથી ખાંડ અને તેલ-તેલીબીયાંમાં તેજી જોવા મળી, જ્યારે મસાલા અને કપાસ સુસ્ત રહ્યા. સરકારે ખાંડના ભાવ નિયંત્રણમાં લેવા 10 લાખ ટન આયાત શરૂ કરતાં 20-25% ઘટાડો થયો. મકાઈ અને ચોખાના ભાવ પણ વધ્યા, સરકારે ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો. જીરાના ભાવ પ્રીમિયમ માલોની ઓછી સપ્લાયને કારણે તેજી તરફી રહ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ ચાર વર્ષ બાદ દૂર થતાં વિદેશી વેપારનો ધમધમાટ શરૂ
  • કોમોડિટી કરંટ
    ગત સપ્તાહમાં એગ્રી કોમોડિટી માર્કેટમાં મિશ્ર વલણ રહ્યું હતું. તહેવારોની સીઝનમાં વધેલી માંગને કારણે ખાંડ તથા તેલ-તેલીબીયાં બજારમાં તેજીનો વાયરો અને મસાલા તથા કપાસ જેવી ચીજોમાં માંગના અભાવે સુસ્તી ભર્યો માહોલ રહ્યો છે. ખાંડમાં તેજીના ભારે હોબાળાને કારણે સરકાર આક્રમક રીતે હરકતમાં આવી જઈને તાબડતોબ સ્ટોક લિમીટથી માંડીને આયાત સુધીના પગલાં લેવાને કારણે ભાવોમાં સરેરાશ ૨૦ થી ૨૫ ટકા સુધીનો ઘટાડો થયો હોવાના અહેવાલો છે. છેલ્લા અઠવાડિયામાં ખાંડ સૌથી વધુ ચર્ચામાં રહી છે. તહેવારો સમયે મીઠાઈ ઉદ્યોગની મોટી માત્રામાં ખરીદી સામે મિલો પાસે ઓછો સ્ટોક સાથે સાથે સરકારી વેચાણ ક્વોટામાં ઘટાડો રહેવાની અપેક્ષાને કારણે તેજીને સપોર્ટ રહ્યો છે. જો કે ભાવોને નિયંત્રણમાં લેવા સરકારે દશેક લાખ ટન ખાંડની આયાત તાત્કાલિક શરૂ કરાતાં તેજીને બ્રેક મારવામાં સફળતા મળી છે.
    તેલીબીયાંમા સરસવ, મગફળી, સોયાબીન જેવી ચીજોમાં વધેલી માંગને કારણે તેજી ધીમી ગતિએ રહી છે. ખાંડની સમાંતર આજકાલ ઈથેનોલમાં મકાઈની પણ જરૂર પડતી હોવાથી મકાઈ બજારમાં પણ તેજી પકડાઈ રહી છે. થોડા સમય અગાઉ લગભગ ચૌદ હજાર પ્રતિ ક્વિન્ટલની આસપાસની ચોખા બજાર ઉછળીને લગભગ ડબલ જેવી ૨૬૫૦૦/- સપાટી સુધી તેજ થઈ છે. છેલ્લા પાંચ મહિનામાં ભાવો નોંધપાત્ર વધ્યાં છે. મકાઈના કુલ ઉત્પાદન પૈકી ૬૦ ટકા માલ પોલ્ટ્રી ઉદ્યોગ અને ૩૫ ટકા માલ ઈથેનોલની બનાવટમાં વપરાતો હોવાથી બંને ઉપર અસર વર્તાઈ રહી છે. વર્ષે દહાડે લગભગ ૪૩૦ લાખ ટન જેટલું મકાઈ ઉત્પાદન સામે આ વર્ષે ૨૦૨૬માં મકાઈની નિકાસ પણ રેકોર્ડ સ્તરે રહ્યું છે. વર્ષ ૨૦૨૬ દરમ્યાન મકાઈ નિકાસ ૧૮ લાખ ટનને પાર કરે તેવી શક્યતા છે. વર્ષના પ્રથમ પાંચ મહિનામાં દશેક લાખ ટન મકાઈ નિકાસ થઈ ચૂકી હોવાના અહેવાલો વાણિજ્ય મંત્રાલયના છે.
    દેશમાં મકાઈ, ચોખાની સાથે સાથે આ વર્ષે સરકારે ઘઉં તથા તેની તમામ બનાવટોની નિકાસ ઉપરના પ્રતિબંધો હટાવી લેતાં ચાર વર્ષ પછી ઘઉંનો વિદેશી વેપારનો ધમધમાટ શરૂ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્તરે દેશમાં ઘઉંનો સપ્લાય જરૂરિયાત પ્રમાણે સુનિશ્ચિત રહે અને મોંઘવારી ઉછળે નહિ તે હેતુથી વર્ષ ૨૦૨૨માં ઘઉં તથા ઘઉંની તમામ બનાવટોની નિકાસ ઉપર પ્રતિબંધ લાદ્યો હતો. રશિયા-યુક્રેન યુધ્ધ બાદ જે તે સમયે વિશ્વમાં ભારતીય ઘઉંની જબરજસ્ત ડિમાન્ડ ખુલી હતી તે સમયે સ્થાનિક ઘઉંના પુરવઠાની પરિસ્થિતિની સમીક્ષા કરીને નિકાસ પ્રતિબંધનો નિર્ણય સરકારે જે તે સમયે કર્યો હતો. જો કે ઘઉંની કેટલીક ચોક્કસ બનાવટોની નિકાસ ઉપર ક્યારેક છુટછાટ પણ આપવામાં આવી હતી. પરંતુ આ વર્ષે ઘઉંના સ્ટોકની સમીક્ષા બાદ ફેબુ્રઆરીમાં લગભગ ૨૫ લાખ ટન ઘઉં અને પાંચેક લાખ ટન ઘઉંની બનાવટોની નિકાસ માટે લીલી ઝંડી આપી હતી. જો કે હવે નિકાસ નીતિમાં ફેરફાર કરીને ગયા અઠવાડિયે ઘઉં નિકાસ ઉપરનો પ્રતિબંધ સંપૂર્ણ હટાવી લેતાં ઘઉં તથા તેમાંથી બનતો આટો, મેદો, સોજી જેવી બનાવટોનો વિદેશી વેપાર માટે સરકારે દરવાજા ખોલી નાખ્યા છે. દરમ્યાન ગત સપ્તાહમાં રજાના માહોલ વચ્ચે મસાલા બજારમાં મોટે ભાગે સુસ્તી વર્તાઈ છે. આ સંદર્ભે કોમોડિટીના જાણકાર જયવદનભાઈ ગાંધી વધુ માહિતી આપતાં જણાવે છે કે સારી ગુણવત્તા ધરાવતા જીરાના પ્રિમીયમ માલોની ઓછી થતી સપ્લાયને કારણે વાયદાના ભાવો પ્રતિ ક્વિન્ટલે રૂા. ૨૦૮૦૦/- ની આસપાસ તેજી તરફી રહ્યાં છે. જો કે મધ્યમ માલોના બજારમાં ખાસ મોટી મુવમેન્ટનો અભાવ રહ્યો છે. ખેડૂત વર્ગ ખરીફ વાવેતર માટે નાણાંની જરૂરિયાત મુજબના માલોના વેચાણ અર્થે આવતો હોવાથી વેપારો પણ નોંધપાત્ર રહ્યાં નથી. શભઘઈઠ એક્સચેન્જમાં સ્ટોક સતત વધી રહ્યો છે. જરૂરિયાતમંદ વેપારી વર્ગ હાલમાં વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. જીરા ઉત્પાદિત તુર્કી તથા સિરીયામાં સારા પ્રમાણમાં ઉત્પાદન થવાની સંભાવનાઓને લીધે ભારતીય એક્સપોર્ટ પ્રિમીયમ ઉપર અસર વર્તાઈ રહી છે.
    જો કે સિંગાપુર, ઓમાન તથા આર્જેન્ટીના જેવા દેશોની સારી માંગને કારણે નિકાસમાં વધારો નોંધાયો હોવાના અહેવાલો છે.