Business Plus
દેશમાં ચોમાસાની વિદાય વચ્ચે સ્ટીલ- સિમેન્ટ બજારમાં બાયર્સ ફરી દાખલ થયા
By GS Team
27 Sep 20263 mins read
દેશમાં ચોમાસું પૂરું થતાં બાંધકામ ક્ષેત્રે ગતિવિધિ વધતા સ્ટીલ અને સિમેન્ટની માંગ વધી છે. અમેરિકાની આકરી ટેરિફની ચેતવણી છતાં, સ્થાનિક માંગને કારણે સ્ટીલ ઉદ્યોગ મજબૂત રહ્યો છે. એપ્રિલ-જુલાઈમાં ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ 7-8% વધી 560 લાખ ટન થયો છે. 2030-31 સુધીમાં ઉત્પાદન ક્ષમતા 30 કરોડ ટન થવાનો અંદાજ છે.
Summarized by AI; it may make mistakes. Check important info
દેશમાં ચોમાસું પૂરું થતાં બાંધકામ ક્ષેત્રે ગતિવિધિ વધતા સ્ટીલ અને સિમેન્ટની માંગ વધી છે. અમેરિકાની આકરી ટેરિફની ચેતવણી છતાં, સ્થાનિક માંગને કારણે સ્ટીલ ઉદ્યોગ મજબૂત રહ્યો છે. એપ્રિલ-જુલાઈમાં ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ 7-8% વધી 560 લાખ ટન થયો છે. 2030-31 સુધીમાં ઉત્પાદન ક્ષમતા 30 કરોડ ટન થવાનો અંદાજ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ઊભી બજારે - દિલીપ શાહ
દેશમાં આયર્ન એન્ડ સ્ટીલ (લોખંડ પોલાદ) બજારમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા હતા. ચોમાસાની મોસમ પૂરી થવા આવતા હવે દેશમાં બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રે ચહલપહલ ફરી વધતી જોવા મળી છે અને તેના પગલે સ્ટીલ બજાર તથા સિમેન્ટ બજારમાં માગ તથા પૂછપરછો ફરી દેખાતી થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. સામાન્યપણે ચોમાસા દરમિયાન દેશમાં બાંધકામ ક્ષેત્રે ગતીવિધી ધીમી પડી જતી હોય છે અને ચોમાસા દરમ્યાન આના પગલે સ્ટીલ તથા સિમેન્ટ બજારમાં માગ ધીમી પડતી હોય છે અને ચોમાસા પછી બજારમાં બાયર્સ ફરી વધતા હોય છે એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, સ્ટીલની માગ ઘરઆંગણે ઉંચી રહેતાં અમેરિકા તરફ નિકાસ પર હવે સ્થાનિક સ્ટીલ ઉદ્યોગનો આધાર ઓછો રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ભારત દ્વારા રશિયાના ક્રૂડતેલની ખરીદી સામે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં નારાજગી દર્શાવી હતી અને ભારત પર આકરી ટેરીફની ચેતવણી પણ ટ્રમ્પે તાજેતરમાં આપી હતી. જોકે ટ્રમ્પના આવા નિવેદન છતાં સ્થાનિક સ્ટીલ ઉદ્યોગમાં ઘરઆંગણાની માગનો આશાવાદ જળવાઈ રહેતાં સ્ટીલ બજારના તથા ઉદ્યોગમાં બજારના આંતરપ્રવાહો મક્કમ રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. ભારતના સ્ટીલ પર આ પૂર્વે પણ છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકા દ્વારા આકરી ટેરીફ વસુલવામાં આવતી રહી છે અને આવા માહોલમાં ભારતથી અમેરિકા તરફ સ્ટીલની નિકાસ નહિવત રહી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ભારતમાં સ્ટીલનો વાર્ષિક સરેરાશ માથાદીઠ વપરાશ ૧૦૭ કિલો રહ્યો છે જ્યારે વિશ્વબજારમાં આવી સરેરાશ વૈશ્વિક સ્તરે ૨૨૦થી ૨૨૫ કિલોની નોંધાઈ છે એ જોતાં ભારતમાં ઘરઆંગણે સ્ટીલની માગ આગળ ઉપર વધવાની ઉંચી શક્યતા જણાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ભારતમાં આ વર્ષે એપ્રિલથી જુલાઈ દરમિયાન ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ ૭થી ૮ ટકા વધી આશરે ૫૬૦ લાખ ટન નોંધાયો છે. આ ગાળામાં દેશમાં કાચા સ્ટીલનું ઉત્પાદન આશરે ૫૬૨ લાખ ટન નોંધાયું હોવાનું સ્ટીલ મિનિસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં ૨૦૩૦-૩૧ સુધીમાં કાચા સ્ટીલની ઉત્પાદન ક્ષમતા વધી વાર્ષિક ૩૦ કરોડ ટન સુધી તથા વાર્ષિક ઉત્પાદન વધી આ ગાળામાં ૨૫થી ૨૭ કરોડ ટન સુધી પહોંચી જવાની ગણતરી જાણકારો દર્શાવી રહ્યા હતા. ભારતના સ્ટીલ પર યુરોપના દેશોમાં કાર્બન સંબંધિત કડક નિયમો લાદવામાં આવ્યા છે. આને પગલે યુરોપ તરફ નિકાસને અસર પડવાની શક્યતા પણ બજારમાં ચર્ચાતી સંભાળી છે. ભારતમાં સ્ટીલના ઉત્પાદનમાં આયાતી નેચરલ ગેસ પર આધાર વધ્યો છે અને આવો આધાર ઘટાડવા હવે સરકાર ઘરઆંગણે કોલસાના ગેસીફીકેશનની પ્રક્રિયા પર વધુ લક્ષ અપાતું થયું છે. દેશમાં કોલસાના ગેસીફીકેશનની ક્ષમતા વધી વાર્ષિક ૨૨૫થી ૨૩૦ લાખ ટન સુધી પહોંચી છે. આના પગલે આયાતી નેચરલ ગેસ પર આધાર ઘટવાની ગણતરી બજારના જાણકારો દર્શાવી રહ્યા હતા.
દરમિયાન, દેશમાં સ્ટીલના ઉત્પાદનમાં સર્જાતા પ્રદૂષણને ઘટાડવા પણ નોંધપાત્ર પગલાઓ ભરાઈ રહ્યા છે અને આવા માહોલમાં પ્રદુષણ ઘટાડવા ગ્રીન સ્ટીલ ઉત્પાદનને પ્રક્રિયાને પણ વેગ અપાતો થયો હોવાનું સ્ટીલ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. ભારતથી યુરોપ તરફ સ્ટીલની નિકાસ વાર્ષિક ૨૮ લાખ ટન થવાનો અંદાજ જાણકારો બતાવતા હતા. ફ્રી- ટ્રેડ એગ્રીમેન્ટ (કરાર) હેઠળ આ નિકાસ થવાની ગણતરી બતાવાઈ રહી છે. ભારતમાં સ્ટીલ બજારમાં તાજેતરમાં હોટ- વોલ્ડ કોઈલ સ્ટીલના ભાવ વધી ચાર વર્ષની ટોચે પહોંચ્યા હતા.




