Boj Viana ni Moj

હરિનો મારગ છે શૂરાનો, નહીં 'ટાયર'નું કામ જોને

By GS Team
29 Sep 20265 mins read
TukuTouch Logo
રાજસ્થાનના એક ગામમાં લગ્નની જાનમાં ફુવાએ 15 ગાડીઓના ટાયરમાં સોય ભોંકી પંકચર પાડી દીધા. આગળની સીટમાં બેસવા ન મળતા ગુસ્સે થયેલા ફુવાની આ હરકત CCTVમાં કેદ થઈ હતી. પછી હોબાળો થતા ફુવાને આગળ બેસાડી સમાધાન થયું. પથુકાકાએ આ ઘટનાને 'ભૂત ભગાડે ભૂવા અને મૂરત બગાડે ફૂવા' કહી રમૂજ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

હરિનો મારગ છે શૂરાનો, નહીં 'ટાયર'નું કામ જોને
  • બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

હરિનો મારગ છે શૂરનો નહીં 'ટાયર'નું કામ જોને… પથુકાકા કમ્પાઉન્ડમાં જ પાર્ક કરેલી ખડખડપાંચમ જેવી કારના ટાયરમાં પડેલું પંકચર ગેરેજવાળા છોટુ પાસે રિપેર કરાવતા હતા.
મેં કહ્યું કાકા હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને…. એ કવિતાનો કાયર શબ્દ બદલીને તમે ટાયર શબ્દ ગોઠવી દીધો?
કાકા બોલ્યા આ ચોમાસામાં મુંબઈનારસ્તે કેટલા બધા ખાડા પડયા છે? રસ્તામાં ખાડા ગોતવાને બદલે ખાડામાંથી રસ્તો ગોતવાની મથામણ કરવી પડે છે. આવાં રસ્તે કારના ટાયરનું કામ નહીં અવારનવાર પંકચર પડે એટલે પછી આ છોટુ ગેરેજવાળાને બોલાવવો જ પડે. ઘણીવાર તો આપણી સોસાઈટીના તોફાની બારકસ છોકરાઓ પણ અણીદાર સળિયા ભોંકી ટાયર પંકચર કરી નાખે છે, આમાં મારે શું કરવું?
કાકાની વાત સાંભળીને મેં કહ્યું કે તમારી કારના ટાયરમાં ટેણિયાઓ પંકચર પાડે છે, પણ રાજસ્થાનના એક ગામે મોટા ઘરે લગ્ન વખતે ફટકેલ મગજના ફૂવાએ જાનમાં આવેલા જાનૈયાઓની પંદર- પંદર કારમાં પંકચર પાડીને તરખાટ મચાવી દીધો હતો તમને ખબર નથી?
લાભુ આ તો કેવું થયું ખબર છે? ભૂત ભગાડે ભૂવા અને મૂરત બગાડે ફૂવા…. પણ ફૂવાએ શું કામ પંદર પંદર ગાડીઓના ટાયરમાં પંકચર પાડયું એ તો કહે?
અરે પથુકાકા, એમાં એવું થયું કે લગ્નની જાન નીકળવાની તૈયારી હતી અને જાનમાં જોડાનારી મોટરો તૈયાર ઉભી હતી. એમાં ગામમાં પ્રતિષ્ઠા ધરાવતા ફૂવાને કોઈએ એક કારની પાછળની સીટમાં બેસાડયા. એટલે ફૂવાજી ભઠાણા અને આગળ સીટમાં બેસાડવામાં ન આવતા ગુસ્સે થઈને એક પછી એક ૧૫ કારમાં સોયો ભોંકી ભોંકી હવા કાઢી નાખી. ફૂવાને ખબર નહીં, પણ એમની આ અવળી હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. પછી તો રીતસર હોબાળો મચી ગયો. ફટકેલ ફૂવાને પછી એક કારમાં આગલી સીટમાં બેસાડયા ત્યારે તેમનું દિમાગ શાંત થયું.
આ સાંભળી પથુકાકા ટાયરની વાત સાંભળી શાયરના અંદાજમાં બોલ્યા કેઃ
સહુ કરો એવી દુવા
કોઈને ન ભટકાય આવા ફૂવા
મેં ટકોર કરી કે 'સડક પરની ગાડી અને સંસારની લાડી બંનેમાં પંકચર પડે ત્યારે દશા થાય માઠી.'
કાકા કહે તારી વાત સાવ સાચી છે હો? ગાડી અને લાડીને બરાબર મેઈન્ટેન કરતા ન આવડે તો પછી ક્યારેક દગો દઈ દે હો?'
મેં કહ્યું કે 'કાકા તમારે ગાડીમાં કાયમ સ્પેર- વ્હીલ રાખવું સ્પેર વ્હીલ. તો ગાડી અધવચ્ચે અટકે નહીં.'
રંગીલા મીજાજના કાકા લુચ્ચું હસીને બોલ્યા કે સડકની ગાડી સ્પેર- વ્હીલથી ન અટકે અને સંસારની ગાડી સ્પેર- વ્હીલથી અટકે કાં વટકે.'
મેં નવાઈ પામી પૂછયું કે 'કાકા કાંઈક સમજાય એવું તો બોલો સડકની અને સંસારની ગાડીની તમે શું વાત કરો છો?'
કાકા મસ્તીના મૂડમાં બોલ્યા કે આ તારી (હો) બાળાકાકી સાથે લગ્ન થયા પછી અમારી સંસારની ગાડી સડસડાટ ચાલતી હતી. પરંતુ થોડા વર્ષો પછી સંસારની ગાડી ખોટવાવા માંડી બળબળતા મગજવાળી આ તારી કાકી (હો) બાળા અવારનવાર ઝઘડો કરે અને પછી રીસાઈને દસ- દસ પંદર- પંદર દિવસ પિયર ચાલી જાય. એ વખતે પાડોશમાં એક અનમેરીડ માસ્તરાણી (હું એને મસ્ત- રાણી કહેતો) રહેતા એ મારા પ્રત્યે સહાનુભૂતિ દેખાડવા માંડયા. પછી તો અમારી વચ્ચે નિકટતા વધવા માંડી. ઓલું નાટક આવ્યું હતું ને કે પત્ની પિયર તો લાઈન ક્લિયર એ ન્યાયે અમે બંને મારી ખડખડપાંચમ કારમાં હરવા ફરવા જવા માંડયા. એમ સમજો કે ગાડીમાં સ્પેર- વ્હીલ હોય એમ માસ્તરાણી મારી લાડીના બદલામાં સ્પેર- દિલ બની ગઈ.'
કાકાની આ સ્પેર- વ્હીલ અને સ્પેર- દિલની દાસ્તાન સાંભળી મેં ઉત્સુકતાથી પૂછયું કે 'આ લગ્નેતર કે લગ્નેતર- બતર સંબંધ ક્યાં સુધી ચાલ્યો?'
કાકાએ જવાબ આપ્યો કે 'લગભગ બે વર્ષ આ મારી સ્પેર- વ્હીલ સાથેની ગાડી બરાબર ચાલી. પણ કહે છે ને કે ખેતરમાં જેમ ચાડિયા હોય એમ ક્યારેક પાડોશમાં પણ ચાડિયા હોય. એવાં એક ચાડિયા પા-ડોશી ડોશીએ (હો) બાળાકાકીને પિયરે ફોન કરી ચાડી ખાધી કે પથુભાઈ તો વાંઢી માસ્તરાણી સાથે ચમનિયા કરે છે. આ સાંભળી તારી કાકીને ઝાળ લાગી ગઈ મારતી ટેક્સીએ આવી ગઈ અને માસ્તરાણી જેમ છોકરાઓને કલાસમાંથી બહાર કાઢે એમ તારી કાળઝાળ કાકીએ માસ્તરાણીને ચોટલો ઝાલીને બહાર કાઢી. પછી તો મારો પણ કલાસ લીધો અને એ દિવસ અને આજની ઘડી, તારીકાકીએ પિયર જવાનું જ બંધ કરી દીધું બોલ.'
મે નિખાલસ ભાવે કાકાએ કરેલી આ દાસ્તાન સાંભળીને કહ્યું કે 'ગાડીમાં પંકચર પડે ત્યારે સ્પેર- વ્હીલ કામ આવે પણ તમારી સંસારની ગાડીમાં સ્પેર- વ્હીલ (માસ્તરાણી)ને લીધે જ કેવું પંકચર પડયું જોયુંને? આને માટે કહેવું પડે સંસારની ગાડીના પૈંડામાંથી જ્યારે નીકળે હવા ત્યારે એની શું દવા…
પથુકાકા બોલ્યા તું આ સ્પેર- વ્હીલની અને સંસારની ગાડી ચાલે આડી તો ભલભલાને દે પાડી…. આ બધી વાતું તૂં ક્યાંથી શીખ્યો? તેં તો સંસાર માંડયો જ નહીં તો પછી આ અનુભવ ક્યાંથી મેળવ્યો? અને જવાબ આપ કે તું ૬૦ વર્ષનો બુઢ્ઢો થયો છતાં તે કેમ સંસારની ગાડી ન હંકારી?'
મેં હસીને જવાબ આપ્યો કે 'કાકા હું એકલો જ્યારે મારી કારમાં લોંગ ડ્રાઈવમાં જતોને ત્યારે હાઈવે પર વસમા વળાંક ઉપર જે સૂચના લખેલી હોય છે એ સૂચના જીવનમાં ઉતારી કેઃ દુર્ઘટના સે દેર ભલી
ખડખડટા હસીને પથુકાકા બોલ્યા કે તું તો ભાઈ ખરો છે હો? અમારી સંસારની ગાડી અધવચ્ચે ખોટવાય, ક્યારેક પંકચર પડે કે ક્યારેક ધક્કા મારીને પણ કાર ચલાવવી પડે. જ્યારે તને મજા છે હો? ગાડીમાં એકલો એકલો ઘૂમ્યા કરે છે ને ઝૂમ્યા કરે છે…'
મેં કહ્યું કાકા અત્યારની આધુનિક કાર પેટ્રોલ, ડિઝલ, સીએનજી કે પછી ઈથેનોલની મિલાવટ કરેલા ઈંધણથી ચાલે છે. પણ સંસારની સૌથી જોખમી કાર કઈ છે ખબર છે? એ કાર છે વર- વહુનો અહં-કાર અહમના ઈંધણથી બેઉ માણસની કાર ચાલતી હોય ને ત્યારે અથડામણ થયા વિના રહે જ નહીં, બસ બંનેની ટાંકી ઈંધણને બદલે અહં-કારથી ભરેલી હોય અને એ કાર વહેલા- મોડી અથડાયા જ કરે. એટલે જ તો સંસારની કાર અથડામણ વગર હંકારવી હોયને ત્યારે સહુને હું એક જ સલાહ આપું છું કે અહં- કારની કાર ન હંકાર…
અંત- વાણી
સઃ સાવ શુષ્ક મિજાજના વરને ગુજરાતી અને અંગ્રેજીની મિલાવટવાળી ગુજરેજી ભાષામાં શું કહેવાય?
જઃ ડ્રાય- વર.


કાર ચલાવવા માટે લર્નિંગ લાયસન્સ જોઈએ અને સંસારની કાર ચલાવવા માટે પહેલાં અર્નિંગ લાયસન્સ જોઈએ.


અમેરિકાવાસી એનઆરઆઈએ
વટથી કહ્યું મારી પાસે છ કાર છે
આ સાંભળી જૈન સદગૃહસ્થે કહ્યું
અમારી પાસે નવ- કાર છે
જોશી મહારાજ બમણા જોશથી બોલ્યા
અમારી પાસે ઓમ- કાર છે


સઃ કારનો હોર્ન વાગે, પણ
આખી કાર વાગે તેને
શું કહેવાય?
જઃ ફટ-કાર


સઃ જેની પાસે કોઈ પણ
કામ ધંધો નથી છતાં બે- બે
કાર છે એ કોણ છે?
જઃ બે- કાર


ગાડીને ઈંધન વિના ન ચાલે
લાડીને ધન વિના ન ચાલે


કાર બનાવવા માટે કારખાના
અને (કેમ્પર) કારમાં બને ખાના.


લાડી અને ગાડી
બંનેને પ્રેમથી સંભાળો
નહીંતર પછી સંસારની ગાડી
ખોટવાતી ભાળો


લાડી શોભે શૌહર સાથે
ગાડી શોભે શોફર સાથે.