Boj Viana ni Moj

કૂદકાની કમાલ : જોગિંગ સાથે કરો ફ્રોગિંગ

By GS Team
4 Aug 20264 mins read
TukuTouch Logo
પથુકાકાએ અક્ષય અંતાણીને જણાવ્યું કે હવે તેઓ જોગિંગ છોડી "ફ્રોગિંગ" (દેડકાની જેમ કૂદવું) કરે છે. તંદુરસ્ત રહેવા કૂદવાની કસરત શ્રેષ્ઠ છે, કારણ કે તે શરીરના દરેક કોષને મજબૂત બનાવે છે અને કેલરી બાળવામાં મદદ કરે છે. આ કસરતથી વજન ઉતારવામાં પણ ફાયદો થાય છે. જોકે, કાકીના કૂદવાથી નીચેના માળે પ્લાસ્ટર તૂટતાં 1000 રૂપિયાનું નુકસાન થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

કૂદકાની કમાલ : જોગિંગ સાથે કરો ફ્રોગિંગ
  • બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
  • હેલ્ધી રહેવું હોય તો કૂદકા મારવા લાગો. કૂદવું એ સૌથી સારી કસરત છે. કારણ કે ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ જ્યારે તમે શરીરને હવામાં ઊછાળો છો ત્યારે શરીરના દરેક કોષ ઉપર તેની અસર થાય છે. એટલે બાળકોને પણ ઊછળકૂદ કરવા દેવાની અને મોટેરાઓએ પણ સંભાળીને કૂદવાની કસરત કરવાની.

યા હોમ કરીને પડો
ખાડા છે આગે
બ્યુગલો વાગે
ટાંટિયા ભાંગે.
વરસતા વરસાદમાં ઠેર ઠેર પડેલા ખાડામાંથી રસ્તો ગોતી કૂદમકૂદ કરતો સવારના પ્હોરમાં પથુકાકાના ઘરે પહોંચ્યો. કાકાના બેડરૂમમાંથી કાકાનો જ અવાજ આવતો હતો સંપ ત્યાં જંપ… ટ્મ્પ ત્યાં નહીં જમ્પ… જમ્પ જમ્પ જમ્પ…
આ સાંભળીને મારા કાન ચમક્યા. બેડરૂમમાં જઈને જોયું તો પહેલી વાર પથુકાકા બર્મ્યુડા અને ટી-શર્ટ પહેરીને દેડકાની જેમ કૂદકા મારતા હતા. ભેગા ભેગા જમ્પ બેબી જમ્પ એવું કાંઈક બોલ્યા કરતા હતા.
પરસેવે રેબઝેબ થઈ ગયેલા કાકાને મેં અધવચ્ચે અટકાવી પૂછ્યું કે અત્યાર સુધી તો જોગિંગ સકરતા હતા અને હવે આમ અચાનક કૂદકા કેમ મારવા માંડયા?' સવાલ સાંભળી કાકા હસીને બોલ્યા કે હવે જોગિંગ બંધ કરીને ફ્રોગિંગ શરૂ કર્યું છે, એટલે દેડકાંની જમ કૂદાકૂદ કરૃં છું. તબિયત ટનાટન રહે માટે કૂદકા મારવાની કસરત સારામાં સારી છે. હમણાં જ છાપામાં લેખ વાંચ્યો કે જે મારે ઠેકડા એની તબિયતના ટેસડા. એટલે કૂદવાની કસરત શરૂ કરીને વજન ઉતારવાની કોશિશ કરૃં છું.
મેં પૂછ્યું કે જરા મને પણ તંદુરસ્તી માટે કૂદવાના ફાયદા વર્ણવતો લેખ તો બતાવો? મનેય ખબર પડે તો હું પણ તમને કૂદવામાં કંપની આપી શકુંને?'
પથુકાકાએ ગાદલા નીચેથી છાપાનું પાનું કાઢ્યું, એમાં લખેલું કે હેલ્ધી રહેવું હોય તો કૂદકા મારવા લાગો. કૂદવું એ સૌથી સારી કસરત છે. કારણ કે ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ જ્યારે તમે શરીરને હવામાં ઊછાળો છો ત્યારે શરીરના દરેક કોષ ઉપર તેની અસર થાય છે. એટલે બાળકોને પણ ઊછળકૂદ કરવા દેવાની અને મોટેરાઓએ પણ સંભાળીને કૂદવાની કસરત કરવાની. કૂદવાથી હાઈટ વધે, કૂદવાથી શરીરમાં સંગ્રહિત ગ્લાયકોજેન (ગ્લુકોઝ) અને ચરબી વપરાય છે. એટલે ધીમી ગતિએ જમ્પ કરવાથી કેલરી બર્ન થાય છે. કૂદવાથી માથાના વાળથી લઈને પગના નખ સુધીના દરેક કોષ ઉપર દબાણ આવે છે. આથી દરેક કોષ મજબૂત બને છે.'
કાકાએ પૂછ્યું કે 'કૂદવાના ફાયદા વાંચ્યાને? કૂદવાથી થતા ફાયદાને લીધે જ હું જમ્પિંગ જેક જીતેન્દ્રની જેમ કૂદકા મારૃં છું. હવે તો કૂદકા મારવામાં કંપની રહે માટે નાના નાના જમ્પિંગ ગુ્રપ રચાવા માંડયા છે ખબર છે? ભવિષ્યમાં ભારતીય કૂદતા પાર્ટી ઊભી થાય તો નવાઈ નહીં.'
કાકાએ કૂદવાના મુદ્દાને જરાક રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો એ તંતુ સાધીને મેેં કહ્યું કે 'લોકો તો તંદુરસ્તી માટે કૂદવા માંડયા છે, પણ આપણાં દેશના કૂદકણા નેતાઓ તો માત્ર તંદુરસ્તી ખાતર નહીં પણ તન-મન-ધન દુરસ્તી માટે કૂદકા મારતા જ રહે છેને? વિપક્ષમાંથી સ ત્તા પક્ષમાં, એક પાર્ટીંમાંથી બીજી પાર્ટીમાં અને એક પોસ્ટ ઉપરથી બીજી પોસ્ટ ઉપર કૂદાકૂદ કરતા જ રહે છે ને? ઠેકાઠેક કરતા આ રાજકારણના બની બેઠેલા ઠેકેદારોની કૂદાકૂદ અને ઠેકાઠેક જોઈને જનતાને કેવી ચીડ ચડતી હશે એની તેં કોઈ દિવસ કલ્પના કરી છે?'
મેં કાકાને કહ્યું કે પહેલાં આપણાં દેશ માટે કહેવાતું કે વિવિધતામાં એકતા, એને બદલે હવેકહેવાનો વારો આવ્યો છે કે વિવિધતામાં ઠેકતા અને મોટી મોટી ફેંકતા…'
પથુકાકા ખડખડાટ હસીને મને દિલથી દાદ દેતા ગાવા માંડયા: એ મેળે મેળે કૂદકણી હેલે ચડી… ગીતનું મુખડું નહીં દુખડું સાંભળીને મેં સવાલ કર્યો કે 'તમે જેમ કૂદવાની કસરત શરૂ કરી છે એવી રીતે (હો) બાળાકાકી કૂદકા મારે છે કે નહીં?'
સવાલ સાંભળી કાકા બોલ્યા કે 'શું વાત કરૃં કાકીની કસરતની? ચાર દિવસ કૂદી કૂદીને ધમાધમ કરી એમાં નીચેના માળે રહેતા ચમન ભાઈની રૂમની છતનું પ્લાસ્ટર તૂટી પડયું. એમાં મારે હજાર રૂપિયા નુકસાનીના આપવા પડયા બોલ.'
મેં કહ્યું 'કાકી કૂદાકૂદ કરીને શરીરનો ભાર ઉતારવા ગયા એમાં તમારા ખીસ્સાનો ભાર હળવો થઈ ગયોને? વ્યવસ્થિત રીતે શરીરની એક સરખી સાઈઝ કરે ઈ સાચી એક્સરસાઈઝ. ગામડામાં અગાઉના વખતમાં ધાબામાં છો પૂરતી વખતે ગામડાની સ્ત્રીઓ ટીપણી પછાડી પછાડીને કેવી ઊમંગભેર ઉછળતી? કુદરતી કસરતને લીધે એમના શરીર કેવવાં પાતળા સોટા જેવાં રહેતા ખબર છે ને?'
પથુકાકા બોલ્યા કે 'કૂદવાના ફાયદા વાંચીને મને સમજાયું કે દોરડા કૂદવાની કસરત સારામાં સારી છે. આપણાં દેશની વર્લ્ડ ચેમ્પિયન મુક્કાબાજ મેરી કોમે થોડા વખત પહેલાં જ ટી.વી.ના ઈન્ટરવ્યુમાં કહેલું કે તે કાયમ દોરડા કૂદવાની કસરત કરે છે.'
મેં તરત જ ટકોર કરી કે મેરી કોમ દોરડા કૂદીને મુક્કાબાજ બની, બાકી આપણાં નેતાઓ વગર દોરડે કૂદાકૂદ કરીને મોકાબાજ બની ગયા છે. મેરી કોમં વર્લ્ડ ચેમ્પિયન બની અને આપણાં મોકાબાજ વાતોના વડા કરી 'વર્ડ'-ચેમ્પિયન બની ગયા છે.
અંત-વાણી
સ: બી.કે.પી. એ વળી કંઈ નવી પાર્ટી છે?
જ: ભારતીય કૂદતા પાર્ટી.
** ** **
હવેથી તારીખ યાદ રાખજો
વીસમી જુલાઈ
જેથી વર્લ્ડ જમ્પ-ડેની
ઉજવણી ન ભૂલાય.
** ** **
સ: આવશ્યક ચીજોના ભાવ ઘટાડવા કરવુંં પડે એ આંદોલન, કાંદાના ભાવ ઘટાડવા કવું પડે એ કાંદાલેન, તો પછી પેટ ઘટાડવા કૂદાકૂદ કરવી પડે એને શું કહેવાય?
જ: ફાંદોલન.
** ** **
જય જય ગરવી ગુજરાત
(જીમમાં) જઈ જઈ કરવી
કસરત ગુજરાત.
** ** **
સ: જાને કહાં મેરા જીગર ગયાજી… એ ગીતના મુખડા પરથી કંઈ પેરડી બની શકે?
જ: જાને કહાં મેરા
ફિગર ગયાજી
અભી અભી અચ્છા થા
બીગડ ગયાજી…
** ** **
સોશ્યલ મિડિયામાં વાઈરલ વિનોદ:
ડોકટરની સલાહ પહેલાં ચાલે
એ મોર્નિંગ વૉક
ડોકટરની ચેતવણી પછી ચાલે
એ વોર્નિંગ વૉક
પતિ કે પત્નીના કહેવાથી ચાલે
એ ડાર્લિંગ વૉક
બીજાની ફિટનેસ જોઈ ઈર્ષાથી
બળી ચાલે એ બર્નિંગ વૉક.
** ** **
માણસનો ભૂતકાળ હોય
ભૂતનો માનવકાળ હોય.
** ** **
તબિયત રાખવી હોય ટનાટન
તો કૂદકા મારો ધનાધન.
** ** **