Boj Viana ni Moj

રણમેદાનમાં ખાંડાના ખેલ રસ્તામાં ખાડાના ખેલ

By GS Team
11 Aug 20266 mins read
TukuTouch Logo
મુંબઈના રસ્તા પરના ખાડાઓ મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષો ખાડાઓ આસપાસ રંગોળી કરી કે પાણીમાં બેસી ધરણા કરીને સત્તા પક્ષને ઘેરી રહ્યા છે. એક નાગરિક ખાડાવાળા રસ્તા પર પડતા તેને ધોળે દિવસે તારા દેખાયા હતા. રિક્ષાચાલકે વિપક્ષી નેતાઓ સત્તાપક્ષમાં જોડાતા હોવાનું કહી રાજકારણ ખાડે ગયું હોવાનું જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

રણમેદાનમાં ખાંડાના ખેલ રસ્તામાં ખાડાના ખેલ
  • બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

ચંદ્રના ખાડા જોવા ટેલિસ્કોપમાંથી આંખ તાણી તાણીને જોવા કરતાં મુંબઈના રસ્તા પરના ખાડા ટેસ થી ન જોઈએ?'
'ખાડો ખોદે એ પડે, ટૂંકમાં જે ખાડો પાડે એને ખાડો પાડે બરાબરને?' હું અને પથુકાકા હિંચકે બેઠાં બેઠાં ચોમાસામાં ખાડાજનક દશાની વાતો કરતા બેઠા હતા. કાકા બોલ્યા કે મુંબઈમાં ખાડા તો વરસાદ પાડે અને ઈ ખાડા બીજાને પાડે એવી સ્થિતિ છે એવું મને લાગે છે શું કહેવું છે તારૃં?
હજી હું કંઈક કહું ત્યાં તો રસોડામાંથી કાકાની કામવાળી બહારના રૂમમાં આવી અને ભાંગીતૂટી ગુજરાતીમાં ( હો) બાળાકાકીને કહે કે 'કાકી હું શનિ-રવિ ખાડા પાડવાની છું હો? પછી કહેતા નહીં કે પહેલેથી કીધું નહોતું…' કામવાળીનું વ ાક્ય પૂરૃં થયું ત્યાં તો કાકી જાણે ખાડામાં પડયા હોય એવી રાડારાડ કરી બોલ્યા 'ખાડા… ખાડા… ખાડા આ ખાડા પાડવાની તારી આદતથી હું તો ત્રાસી ગઈ છું,એક અઠવાડિયામાં બે-બે ખાડા?'
મેં કાકાને ધીરેકથી પૂછયું કે ચોમાસામાં ઊઘાડ નીકળે ત્યારે મ્યુનિસિપાલિટીવાળા ખાડા પૂરવા માટે કામે લાગી પડે છે, જ્યારે આ તમારી ઘરકામવાળી ખાડા પાડવા ક્યાં જાય છે?' મારો સવાલ સાંભળી ખડખડાટ હસીને બોલ્યા કે 'અ રે ભાઈ એમની ભાષામાં ખાડો પાડવો એટલે રજા લેવી એવો અર્થ થાય છે. એટલે જ તો આ તારી કાકીનું મગજ છટકયું તે જોયું નહીં? મુંબઈની મહાપાલિકામં તો ખાડા-ભરતી થાય છે ખાડા-ભરતી તને ખબર છે?'
મને વધુ નવાઈ લાગી એટલે પૂછ્યું કે રસ્તા ઉપર ખાડા પડે એની ડામર અને કપચીથી મહા પાલિકાવાળા ભરણી કરે છે એ મેં જોયું છે, પણ આ ખાડા-ભરતી એટલે શું એ જરા સમજાવો તો ખરા?' કાકા બોલ્યા કે તહેવારના દિવસોમાં કર્મચારી અઠવાડિયું-પંદર દિવસની રજા ઉપર ઉતરી જાય એ વખતે કામ અટકે નહીં માટે રજા પર ગયેલા કર્મચારીની જગ્યાએ કામચલાઉ કામ ઉપર કોઈને લેવામાં આવે એને કહેવાય ખાડા-ભરતી,હવે સમજાયું?
મેં કહ્યું 'કાકા અગાઉ રાજા શાહીના જમાનામાં રણ મેદાનમાં ખાંડાના ખેલ જોવા મળતા હતા જ્યારે લોકશાહીમાં જાત જાતના ''ખાડાના ખેલ'' જોવા મળે છે બરાબરને? ઘરમાં પણ પડે ખાડા, ગામમાં પણ પડે ખાડા અને એમાં વળી કૈંક પડે આડા…'
કાકા બોલ્યા કે 'મુંબઈમાં તો ખાડાના મુદ્દે રાજકારણ પણ ખેલાય છે હો? સત્તાધારી પાર્ટીવાળાને આડે હાથ લેવા માટે નહી ંપણ ખાડે-હાથ લેવા માટે વિરોધ પક્ષવાળા નીકળી પડે છે. કોઈક જગ્યાએ ઠેરઠેર ખાડા પડયા હોય એની આજુબાજુ રંગોળી કરીને દેખાવો કરવામાં આવે છે તો કોઈક જગ્યાએ ખાડામાં ભરાયેલા વરસાદના પાણીમાં બેસી ધરણાં કરવામાં આવે છે બોલ?'
મેં કહ્યું 'કાકા આને મોનસૂન પોલિટિક્સ કહેવાય, વરસાદ પાડે ખાડા, વિપક્ષો ઉતરે આડા અને સત્તાપક્ષીઓ જોયું ન જોયું કરીને હાથે કરીને બને બાડા…
મારી વાત સાંભળી દાંત કાઢતાં કાકા બોલ્યા કે 'ભાઈ આજનું રાજકારણ જ સાવ ખાડે ગયું છે ખાડે. એટલે જ કહું છું નેતાઓ જાય અ-ખાડે ત્યારે સ્થિતિ જાય સાવ ખાડે…'
અમે અને કાકા ખાડાની વાતોમાં 'પડયા' હતા ત્યાં લેડીસ કલબના ફંકશનમાં જવા માટે (હો) બાળાકાકી મેક-અપના થરથી ભલભલા થર-થરી ઉઠે એવાં ચહેરા સાથે બહાર આવ્યા. એમનો ચહેરો જોઈને જ પથુકાકા લુચ્ચું હસી ગાવા માંડયા: દિલ કો દેખો ચહેરા ના દેખો… આ સાંભળીને કાકીએ દરેક સ્ત્રી પોતાના પતિને પૂછે છે એ સનાતન સવાલ પૂછ્યો કે 'હું કેવી લાગું છું?' મસ્તીના મૂડમાં કાકાએ જવાબ આપ્યો કે તું ચંદ્રમુખી લાગે છે ચંદ્રમુખી.
ચંદ્રમુખી સાંભળીને દુ:ખી થયેલા કાકી તાડૂક્યા 'ખોટા વખાણ કરવાનું રહેવા દો, મુંબઈ જેવાં જ ખાડાખબડા ચંદ્ર ઉપર છે એ શું હું નથી જાણતી? બ્યુટી-પાર્લરમાં જઈ ખીલના ખાડા પૂરાવી આવી તોય તમે મને ચંદ્રમુખી કહો છો? તમે તો પતિ છો કે રોડ-પતિ?' આ સાંભળી કાકાએ કહ્યું બસ આજથી તને ચંદ્રમુખી નહીં જ્વાળામુખી કહીશ બસ?'
તાજેતરમાં જ ભારે વરસાદ ત્રાટક્યા પછી ઉઘાડ નીકળ્યો એટલે હું પણઁ રસ્તાની હાલત જોવા નીકળ્યો. અમારા પાડોશી અને ખગોળશાસ્ત્રના પ્રેમી તારાચંદ ભાઈ પહેલા માળની બાલકનીમાં ટેલિસ્કોપ લઈને બેઠા હતા. ટેલિસ્કોપનું નાળચું આકાશને બદલે જમીન તરફ રાખ્યું હતું એટલે મેં પૂછ્યું કે 'તારાચંદભાઈ ટેલિસ્કોપમાંથી આકાશને બદલે જમીન ઉપર શું જુઓ છો?'
તારાચંદ ભાઈએ જવાબ આપ્યો કે ચંદ્રના ખાડા જોવા ટેલિસ્કોપમાંથી આંખ તાણી તાણીને જોવા કરતાં મુંબઈના રસ્તા પરના ખાડા ટેસ થી ન જોઈએ?' મેં કહ્યું કે 'તમે તો ખાડા જોતાં બેઠા રહો છો, પણ આ ખાડામાં જ એક વાર ખાબકે એને પણ ખગોળવિદ્યાનો પરચો મળી જાય છે, એટલે કે ધોળે દિવસે તારા દેખાઈ જાય છે તારા…'
ચોમાસામાં રસ્તા પર એટલાં બધા ખાડા પડી જાય છે કે સીધે રસ્તે ચાલી જ નથી શકાતું. ખાડામાંથી રસ્તો ગોતી ગોતીને આડાઅવળા આગળ વધવું પડે છે. હવ ે તો એવું થાય છે કે બાપા પોતાના 'પરાક્રમી' દીકરાને ધમકાવે કે 'જોજે ક્યાંક આડે રસ્તે ચડી ગયોને ત્યારે તારી ખેર નથી, સમજી લેજે.' ત્યારે છોકરો બાપાને સામી ચોપડાવે છે કે તમેય વળી ક્યાં સીધે રસ્તે ચાલો છો?' સાંભળ્યુંને? આખી નવી પેઢી જેન-ઝી જ ખાડે ગઈ છે.
ંકાકા બોલી ઉઠયા 'રાજકારણમાં પણ આવેલી નવી પેઢીને કાંઈ બેમોઢે વખાણવા જેવી નથી હો? એ પેઢીમાંના પણ કૈંક સત્તા ભૂખ્યા પાટલી બદલુઓ રાજકારણનું સ્તર સાવ ખાડે ઉતારી દીધું છે.'
તરત મને ગઈકાલની ઘટના યાદ આવી ગઈ. વરસાદે પોરો ખાધા પછી એક આઘેડ ઉંમરના ભાઈ સફેદ દૂધ જેવાં કપડાં પહેરીને લટાર મારવા નીકળ્યા. રોડના જંકશન પાસે મોટા ખાડા પડયા હતા અને એમાં વરસાદનું પાણી ભરાતા રીતસર ખાબોચિયા થઈ ગયા હતા. સફેદ વસ્ત્રધારી ભાઈ રસ્તો ક્રોસ કરવા ગયા ત્યાં પગ લપસતા ખાબોચિયામાં જઈ પડયા. બે-ચાર જણ મદદે દોડી આવ્યા અને હાથ ઝાલી ઊભા કર્યા. બહાર લાવી નજીકની એક હોટેલમાંથી પાણીની બાલદી મંગાવી અને કાદવમાં રગદોળાયેલા કપડાં પર પાણી છાંટવા માંડયા. પણ કાદવવાળા કપડાં કેમ સાફ થાય? એટલે કોઈએ રિક્ષા બોલાવી ભાઈને એમાં બેસાડતાં સલાહ આપી કે ઘરે જઈને કપડાં લોન્ડ્રીમાં મોકલી દેજો, ડાઘ નીકળી જશે. આ સાંભળી સ્માર્ટ રિક્ષાવાળો બોલ્યો કે અરે ભાઈ રૂલીંગ પાર્ટીવાળાની લોન્ડ્રીઓ બધે ધમધમે છે એમં પહોંચી જજો, આ લોન્ડ્રીમાં પહેરેલે કપડે આખેઆખા ડાઘાડૂઘીવાળા માણસનું વોશિંગ થાય છે એટલે જ વિરોધ પક્ષ છોડીને કેટલાય ડાધાડૂઘીવાળા સત્તાપક્ષમાં જાય છેને?'
કાકા બોલ્યા રિક્ષાવાળાએ સાવ સાચી વાત કરી. આમને આમ વિપક્ષો તૂટતા જાય છે, મેમ્બરો છૂટતા જાય છે અને ખાતરીલાયક ગણાતા એવાં સભ્યો પણ ખૂટતા જાય છે આ જોઈને જ ચાર લાઈના કહેવી પડે કે:
ખાડે ગઈ છે
વિપક્ષી એક્તા
એટલે જ પાટલી બદલુઓ
એકમાંથી બીજા ખાડામાં ઠેકતા.
અંત-વાણી
સ:આજુબાજુ રહેતા હોય એને કહેવાય આડોશી પાડોશી. તો રસ્તા પર બાજુ બાજુમાં ખાડા પડયા હોય તેને શું કહેવાય?
જ: એને કહેવાય ખાડોશી.
** ** **
ખાડાંને અંગ્રેજીમાં કહેવાય પોટ હોલ, જ્યારે મરાઠી ભાષામાં પોટ એટલે પેટ. આના પરથી ગોઠવી શકાય કે પેટનો ખાડો (પોટ-હોલ) પૂરવા માટે રોજ કેટલા લોકો મુંબઈ આવે છે.
** ** **
સ: અ-નીતિ, અ-નાચાર અને અ-શક્તિમાં 'એ'નો નકારાત્મક અર્થ નીકળે છે તો ખાડા મુક્ત રસ્તો હોય તેને એક શબ્દમાં શું કહેવાય?
જ: અ-ખાડા.
** ** **
સ: સવારે દોડવા નીકળે એન જોગિંગ કહેવાય તો ચોમાસામાં ખાડાવાળા રસ્તે દેડકાંની જેમ ઠેકતાં ઠેકતાં નીકળે એને શું કહેવાય?
જ: એને કહેવાય ફ્રોગિંગ.