Boj Viana ni Moj

લાઈવ ઢોકળા અને લાઈવ સસલા

By GS Team
28 Jul 20265 mins read
TukuTouch Logo
અક્ષય અંતાણીએ પથુકાકા અને તેમના પૌત્ર-પૌત્રીઓ સાથે પ્રાણીબાગની મુલાકાત લીધી. ત્યાં વાઘ-સિંહ જેવા પ્રાણીઓની અવદશા જોઈ. પથુકાકાએ સિંહની ડણક અને વાંદરાને માણસ જેવા પોશાકમાં જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું. હરણને બિસ્કિટ ખવડાવતા પ્રવાસીઓને ખખડાવ્યા. મહારાષ્ટ્ર સરકારે જંગલમાં દીપડા-વાઘ માટે લાઈવ સસલા અને હરણ છોડવાનો નિર્ણય કર્યો છે, જેથી માનવ-પ્રાણી સંઘર્ષ ટાળી શકાય.

Summarized by AI; it may make mistakes. Check important info

લાઈવ ઢોકળા અને લાઈવ સસલા
  • બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

વાઘ, સિંહ અને દીપડાને જંગલમાં ખુલ્લા ફરતાં જોવા હોય તો માણસે પીંજરાવાળી એટલે જાળીવાળી જીપ કે મિની બસમાં જવું પડે. આ બધા પ્રાણીને પીંજરામાં પૂરાયેલા જોવા હોય તો માણસે પ્રાણીબાગમાં જવું પડે. વાઘ કે સિંહ ક્યારેક જ માનવભક્ષી બને પણ નોનવેજ ખાવાવાળા માણસો સદીઓથી પ્રાણી, પશુ, પક્ષી ભક્ષી રહ્યા છે. કોઈ 'પેટ'ને પાળે (પ્રાણીને પાળે) અને કોઈ પેટને પેટમાં પધરાવી પેટ પાળે. જંગલી પ્રાણીને જોઈ ભાગે એને કહેવાય પ્રાણી-ભાગ અને જ્યાં પૂરાયેલાં પ્રાણીઓને જોવા જાય એને કહેવાય પ્રાણી-બાગ.
પથુકાકાના અમેરિકાથી આવેલા ઈમ્પોર્ટેડ ગ્રાન્ડસન અને ગ્રાન્ડ ડોટરને લઈને અમે એક રવિવારે પ્રાણીબાગમાં ગયા. અરેરેરે જેને જોતાંની સાથે જ ભલભલાની ફેં ફાટે એવાં પ્રાણીઓની કેવી અવદશા? વાઘ, સિંહ, દીપડા જાણે યુનિયનની ચડામણીથી પરાણે ભૂખ હડતાળ પર ઉતર્યા હોય એમ ટૂટિયું વાળીને પડયા હતા.
સિંહ તો બેઠો બેઠો માખી ઉડાડતો હતો. કાકાથી ન રહેવાયું એટલે રખેવાળને પૂછયું કે આ સિંહની ડણક કેમ નથી સંભળાતી? સવાલ સાંભળીને રખેવાળે સાવ જૂના ઠોબારા જેવાં ટેપ રેકોર્ડરની ચાંપ દાબી એટલે ઉ…હું…હું…હું કરતી ડણક સંભળાઈ. આ સાંભળી પથુકાકા બોલ્યા કે ફિલ્મના પડદે તો પ્લ ેબેક ગીત સંભળાય છે પણ સિંહને ડણક માટે પણ પ્લેબેકની જરૂર પડે એ કેવી કમબખ્તી કહેવાય?
ફરતાં ફરતાં અમે વાંદરાના એન્કલોઝર પાસે ગયા. ત્યાં પહોંચતાની સાથે પથુકાકાના ગ્રાન્ડસન અને ગ્રાન્ડડોટર એકસાથે ચિલ્લાયા સી…સી… સી… ઈન્ડિયન મન્કીઝ ડ્રેસ લાઈક એ મેન… (ફેશન શો માંઆવો જ દેખાવ હોય છેને?) આ સાંભળી કાકાએ પોતાના વંશજોને ટપાર્યા કે મન્કી મેનના ડ્રેસમાં નથી એ મેન એટલે માણસો જ છે. વાંદરાને અંદરના પીંજરામાં પૂરી બહારના એન્કલોઝરમાં રિપેરિંગ અને કલરકામ કરે છે.' કાકાની આ 'મન્કી-બાત' સાંભળીને અ મે સહુ ખડખડાટ હસી પડયા.
ફરતાં ફરતાં હરણના પાંજરા પાસે પહોંચ્યા. પાંજરાની ઉપર સ્પષ્ટ ચેતવણી લખેલી કે 'પ્રાણીને બહારનું ખાવાનું આપવું નહીં, છતાં કેટલાય ટુરિસ્ટો હરણને બિસ્કિટ અને બીજો બહારનો કચરો ખવડાવતા હતા. આ જોઈને પથુકાકાએ પિત્તો ગુમાવ્યો અને એક ગુજરાતી લાગતા ટુરિસ્ટને ઉંચા અવાજે ખખડાવ્યો કે 'પ્રાણીઓને બહારનું ન ખવડાવવું એવી સૂચના લખી છે છતાં કેમ ખવડાવો છો?' ટુરિસ્ટ માથાનો નીકળ્યો એણે કાકાને કહ્યું કે 'કાકા આ પણે બધાં ખાઉગલ્લીઓમાં જઈને બહારનેો કચરો પેટમાં પધરાવીએ છીએ એમ આ પ્રાણીઓને પણ બહારનું ખાવાનું મ ન થાય કે નહીં?' પથુકાકા બોલ્યા શહેરમાં અને ગામડામાં આ જ તો ફેર છેને? શહેરવાળા બહારનું ખાઈ ઘરમાં (ટોઈલેટ) જાય અને ગામડાવાળા ઘરનું ખાઈને બહાર જાય…'
પ્રાણીબાગમાંથી પાછા ફર્યા ત્યારે સહુને કકડીને ભૂખ લાગી હતી. પથુકાકાના ગ્રાન્ડસને તરત જ મોબાઈલથી ઓનલાઈન ઓર્ડર આપી દીધો. ગણતરીની મિનિટોમાં જ 'ચીઝ બર્ગર, પાસ્તા, નુડલ્સ અને ઓલું ઉષ્ણ-શ્વાન એટલે હોટ-ડોગ આવી ગયા અને બંને ટેણિયા બે હાથે ફાસ્ટ-ફૂડ ઝાપટવા માંડયા.
મેં પથુકાકાને કહ્યું કે આપણને તો આવું બધું પરદેશી ખાણું નહીં ફાવે. આપણને તો અસ્સલ દેશી ગાંઠિયા કે ખમણબમણ હોય તો જ ફાવે. કાકા 'બોલ્યા 'અરે એમાં શું મોટી વાત છે? અબઘડી તને લાઈવ ઢોકળા મગાવી દઊં.' ખરેખર ૩૦ મિનિટમાં જ ગરમાગરમ ઢોકળાનું બોક્સ આવી ગયું. મેં અને કાકાએ ટેસથી ઢોકળા ખાધા. પછી જરા પોરસાતાં પોરસાતાં કાકાએ પૂછ્યું 'બોલ… ઘરે બેઠાં લાઈવ ઢોકળા ખાવાની મજા આવી કે નહીં? આ તારી (હો) બાળાકાકીને આગલે દિવસે ફરમાઈશ કરીએ ત્યારે બીજે દિવસે લાઈવ ઢોકળા બનાવે. એ ક વાર તો કાકીએ પાંચ જ ઢોકળા પીરસ્યા. મેં પૂછ્યું કે પાંચ જ ઢોકળા કેમ? ત્યારે તારી કાકી બોલી તમે જ કીધેલું ને કે ફાઈવ ઢોકળા બનાવજે? બોલ લાઈવને બદલે ફાઈવ સાંભળે એનું શું કરવું? એનાં કરતાં ઓનલાઈન લાઈવ ઢોકળા શું ખોટા?'
મેં કાકાને કહ્યું કે 'તમે તત્કાળ ઘરપહોંચ લાઈવ ઢોકળાની વાત કરો છો, પણ મહારાષ્ટ્રમમાં તો વાઘ-દીપડાને જંગલ પહોંચ લાઈવ સસલા પૂરા પાડવામાં આવશે સસલા ખબર છે?'
મારી વાત સાંભળી કાકાએ નવાઈભેર પૂછયું કે 'લાઈવ સસલા એટલે શું વળી? જરા સમજાવ તો ખરો?'મેં કહ્યું કાકા તમને ખબર છેને? મહારાષ્ટ્રના કેટલાય ગામો અને શહેરોમાં દીપડાનો કેવો ત્રાસ છે? જંગલમાં શિકાર મળતો ન હોવાથી (આ તમારા ગ્રાન્ડ-ચિલ્ડ્ર હમણાં હોટ-ડોગ ખાઈ ગયા એ મ) સાચા હોટ-ડોગ એટલે કૂતરાના શિકાર માટે માનવવસ્તીમાં પગ પેસારો કરે છે. આને લીધે માનવ-પ્રાણી સંઘર્ષ જામે છે. એટલે માંસભક્ષી પ્રાણીઓને જંગલમાં બેઠાં બેઠાં આસાનીથી શિકાર મળી રહે માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી સસલા અને હરણ ઉછેરીને જંગલમાં છૂટા મૂકવામાં આવશે. આને માટે પોલ્ટ્રી-ફાર્મની જેમ રેબીટ-ફાર્મ અને ડીઅર ફાર્મ શરૂ કરીને સસલા અને હરણ ઊછેરવામાં આવશે બોલો!'
આ સાંભળતાની સાથે જ કાકા કપાળ પર હાથ દઈ બોલ્યા 'હે ભગવાન… સરકાર ઊઠીને આવી જીવહિંસાની જોગવાઈ કરશે? મારી જેવાં કૈક જીવદયાપ્રેમીઓના હૈયાં હચમચી ઊઠશે હો?'
મેં કહ્યું 'કાકા, માસભક્ષી પ્રાણીઓનો ખોરાક જ તૃણભક્ષી પ્રાણીઓ છે. એટલે એમને જંગલમાં તૃણભક્ષી પ્રાણીઓ જ પૂરા પાડવાની વ્યવસ્થા કરવી પડેને? એ પ્રાણીઓને કાંઈ વડા-પાઉં, ભેળપુરી, પાઉં-ભાજી કે પછી તમારા આ લાઈવ ઢોકળા થોડા જ મોકલી શકાય? ત્યાં તો લાઈવ સસલા જ મોકલવા પડેને?'
પથુકાકા નિસાસો નાખીને બોલ્યા હે પ્રભુ… કેવાં દિવસો આવ્યા છે? હવે જંગલમાં વાઘ-દીપડા માટે પણ ઓફ લાઈન લાઈવ સસલા અને હરણ મોકલાશે. તૈયાર ભાણે શેકેલા સસલા, હોટ હરણ, બાફેલા બકરા કે પછી વઘારેલા વાંદરા જેવી રેડી ટુ ઈટ આઈટમો ખાઈ ખાઈને પ્રાણીઓ શિકાર કરવાનું ભૂલી આળસુ બની જશે આળસું. પછી તો વાઘ કે દીપડાના છૂટાછેડાના કેસ આવશે ત્યારે ભરણપોષણમાં પણ તૈયાર અને લાઈવ પ્રાણીઓ જ અપાશેને?
મેં નવાઈ પામી પૂછ્યું કે પ્રાણીઓના છૂટાછેડામાં ભરણ પોષણમાં શું અપાશે?' કાકા બોલ્યા સ્ત્રી પુરૂષ વચ્ચે છૂટાછેડા થાય તો પુરૂષે સ્ત્રીને ભરણપોષણ આપવું પડે છે બરાબર? હવે ધારો કે દીપડો અને દીપડી છૂટા પડશે ત્યારે દીપડાએ દીપડીને શું આપવું પડશે ખબર છે? હરણ-પોષણ.
અંત-વાણી
જંગલમાં દીપડો
રાજકારણના જંગલમાં
કૂ-દીપડો
** ** **
સઃ વાઘને ઈંગ્લિશમાં શું કહેવાય?
જઃ ટાઈગર
સઃ ટ્રમ્પ જેવાં ગળામાં ટાઈ પહેરીને નીકળે અને નકટાઈ કરતા રહે તેને શું કહેવાય?
જઃ નક-ટાઈગર.
** ** **
સ ઃ નાગરોમાં પ્રાણીના નામની કંઈ અટક હોય છે?
જઃ હાથી અને ઘોડા.
** ** **
આદિવાસીઓને જંગલમાં રસ
ગાદીવાસીઓને મંગલમાં રસ
તોફાનીઓને દંગલમાં રસ .
** ** **
કીડીને કણ
હાથીને મણ
વિદ્યાર્થીને ભણ
કબૂતરને ચણ
માણસને ચણ-ભણ.