જેની દાન-ત ખોરી એ કરે દાનની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ધન ધરવાથી જ પ્રભુ રાજી થાય એવું કોણે કહ્યું? ભગવાન તો ભાવના ભૂખ્યા છે. સાચી શ્રદ્ધાથી કહે છે ને કે પત્રમ્, પુષ્પમ, ફલમ,તોયમ ભગવાનને ચડાવો તો પણ પ્રભુ રાજી
પથુકાકા મંદિરે જઈને એટલે મરાઠા મંદિરમાં જઈને લગભગ અઢી દાયકાથી ચાલતી 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ફિલ્મ પંદરમી વાર જોઈને આવ્યા અ ને હિંચકામાં બેસતાંની સાથે જ બોલ્યા કે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને ડીલવાલે રોકડિયા લે જાયેંગે…'
મેં પૂછ્યું 'કાકા કંઈ ડીલની વાત કરો છો?' કાકા બોલ્યા કે 'ઘણાંખરા ધરમના ધામમાં ધન ખાતર ડીલ જ થાય છે ને? મેં તો સાંભળ્યું છે કે કેટલાય ગુરુઘંટાલો ધનના કાળા ધોળા કરવા માટે મોટી ડીલકરવામાં માહેર હોય છે એટલે જ કાયમ કહું છું ને કે ડીલવાલે રોકડિયા લે જાયેંગે…
પથુકાકાએ હજી તો વાક્ય પૂરૃં કર્યું ત્યાં શેરીમાંથી એક હટ્ટોકટ્ટો માગણ અને એવી જ તંદુરસ્ત 'માગણી' ગાતાં ગાતાં નીકળ્યાઃ ''ચંદા'' કો ઢૂંઢને સભી તારે નીકલ પડે, ગલિયોં મે વો નસીબ કેૈ મોરે નીકલ પડે… ''ચંદા'' કો ઢૂંઢને સભી…
આ ગીત સાંભળતાની સાથે જ પથુકાકા બોલી ઉઠયા કે 'આ માગણ અને એની માગણી ચંદાને ગોતવા નીકળ્યા છે પણ અયોધ્યામાં રામધામની અંદર ચંદાની ચોરી કરનારાઓએ કેવો અનર્થ કર્યો જોયુંને?'
મેં કહ્યું કાકા દાનને માટે હિંદીમાં ચંદા શબ્દ છે એ તમે ટી.વી.માં સતત ચંદા-ચોરી એટલે દાન-ચોરીના સમાચાર જોઈ જોઈને શીખી ગયા લાગો છે, બરાબરને?'
પથુકાકા બોલ્યા કેઃ
દાન-ચોરોએ પાંચસો વર્ષના
સંઘર્ષ પર ફેરવ્યું પાણી
ભોળા ભક્તોએ આપેલું
દાન લઈ ગયા તાણી
બોલ આ પણાં કોઈ શાસ્ત્રમાં લખ્યું છે કે મંદિરોમાં કેટલાં હજાર, લાખ કે કરોડનું દાન આપવું જોઈએ? છતાં ભક્તો શું કામ ગાલાવેલા થઈ દાનરૂપે ધનના ઢગલા કરતા હશે? ધરમ-ધ્યાન વચ્ચે સંબંધ હોય ધરમ-ધન વચ્ચે સંબંધ ન હોય. ધરમ સ્થાનમાં ઠલવાય ધન એટલે પછી થાય ચોરી, લૂંટફાટ અને પછી ધન ખાતર થાય ધનાધન…
મેં કહ્યું ધન ધરવાથી જ પ્રભુ રાજી થાય એવું કોણે કહ્યું? ભગવાન તો ભાવના ભૂખ્યા છે. સાચી શ્રદ્ધાથી કહે છે ને કે પત્રમ્, પુષ્પમ, ફલમ,તોયમ ભગવાનને ચડાવો તો પણ પ્રભુ રાજી થાય.'
'કાકા રામ મંદિરમાં દાન-ચોરીનો દેશભરમાં દેકારો મચ્યો છે ને? એમ બીજા પણ કૈંક મંદિરોના ગોટાળા બહાર આવશ ે જોજો તો ખરા?' પથુકાકા બોલ્યા કે 'ઓલી કહેવત છે ને કે દાને દાને પે લીખા હૈ ખાનેવાલે કા નામ એને ફેરવીને કહેવું પડશે કે દાન દાન પે લીખા હે 'ખાનેવાલે' કા નામ… ભોળા ભક્તો આપે દાન અને જે કેટલાક ખાવાવાળા હોય એ બધું કરે ખે-દાન મે-દાન…'
મેં કહ્યું 'કાકા તમને ખબર છે વીરપુરમાં જલારામ બાપાના મંદિરમાં તો દાન સ્વીકારવાનું જ બંધ કરવામાં આવ્યું છે, કેવું સારૃં કહેવાય?'
પથુકાકા દાદ દેતા બોલ્યા કે 'મને વિચાર આવ્યો કે દેશમાં જેમ કેશલેસ ઈકોનોમી તરફ સહુ વળ્યા છે એવી રીતે ધર્મસ્થાનામાં પણ ''કેશ-લેસ'' દર્શન-પૂજાનો નિયમ અમલ માં મૂકવામાં આવે તો કેવું?
મેં કહ્યું 'કાકા આપણે ત્યાં તો એવાંય મંદિરો છે જ્યાં લાઈનમાં લાંબો સમય ઊભા રહેવું ન હોય તો વીઆઈપી પાસની ઊંચી કિંમત ચૂકવવી પડે છે. બીજું તમે 'કેશ-લેસ' દર્શનનો હમણાં મમરો મૂક્યોને? પણ તમને ખબર છે? દક્ષિણના મંદિરમાં ભક્તજનો કેશ ઉતરાવે છે એ કેશના રીતસર ઢગલા થાય છે. વર્ષ દરમ્યાન જે કેશ (વાળ)ના ઢગલા ભેગા થાય એનું લીલામ કરીને મંદિરવાળા કરોડો રૂપિયાની કમાણી કરે છે એની ખબર છે? એટલે ભક્તો ઉતરાવે કેશ અને મંદિરવાળા એ કેશને કરે એન-કેશ. આને કેશ-લેસ ભક્તિ ન કહેવાય પણ શું કહેવાય ખબર છે? કેશ -ભક્તિ'.
પથુકાકા ભક્તોએ ઉતરાવેલા કેશમાંથી મંદિરવાળા કેવી કરોડોની કમાણી કરે છે એ સાંભળીને બોલ્યા કે 'ભક્તોના ભાગ્યમાં મૂંડાવાનું જ લખ્યું છે, બરાબરને? દેશ એવો વેશ કહેવત બદલીને મૂંડાતા ભક્તોને જોઈ કહેવું પડે કે 'કેશના બદલામાં કેશ અને મંદિરવાળા કરે ટેસ…'
મેં કાકાને યાદ અપાવ્યું કે ગયા વર્ષે આપણે ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં એક નાના મંદિરમાં ગયા હતા યાદ છે? એ મંદિરમાં માત્ર ફૂલ ચડાવવામાં આવતા હતા યાદ છેને?'
માથું ધૂણાવી પથુકાકાએ સિક્સર મારી કે 'મનીલાના મંદિરમાં મ ાત્ર ફૂલ ચડાવવામાં આવતા હતા, જ્યારે આપણાં દેશમાં જે મંદિરમાં જઈએ ત્યાં મન ી-લા (પૈસા લાવ) મની-લાનો જ નાદ સંભળાય છે, સાચું કે નહીં?
અંદરથી કરે 'સાફ'
એના ગુના નહીં માફ
ટેમ્પલનો અર્થ મંદિર પણ થાય અને કપાળ પણ થાય બરાબરને? એટલે મંદિરમાં ભક્તો તરફથી આપવામાં આવતા દાનના પૈસા અંદરના જ માણસો ચોરે ત્યારે કપાળ જ કૂટવું પડે કે નહીં?
હું અને કાકા વડોદરા નજીકના એક મોટા મંદિર કોમ્પ્લેક્સમાં દર્શને ગયા હતા. ચાલુ દિવસ હતો અને વળી બપોરનો સમય હતો એટલે બધું ખાલીખમ્મ હતું. અમે ઝાંખા અજવાળાવાળા ગર્ભગૃહમાં ગયા ત્યારે ઊંચી સીડી પર ચડી હાથમાં લાંબો વાસડો લઈ એક કર્મચારી (કે ધર્મચારી) છત સાફ કરતો હતો. આ દ્રશ્ય જોઈ પરાક્રમી પથુકાકાથી રહેવાયું નહીં એટલે બોલ્યા કે 'કોઈ શ્રદ્ધાળુ મંદિરમાં ફૂલમાળા, ભેટસોગાત કે રોકડ રકમ ચડાવે જ્યારે તું તો આખો સદેહે ચડી ગયો છે, બોલ તને કેટલું પુણ્ય મળશે?'
કાકાની વાત સાંભળીને પેલો કર્મચારી હસી પડયો અને બોલ્યો કે 'કાકા હું તો મંદિરને અંદરથી સાફ કરૃં છું, બીજું કાંઈ નથી કરતો.'
આ સાંભળતાની સાથે જ કાકા બોલી ઉઠયા કે 'અયોધ્યામાં રામ-મંદિરને પણ કેટલાય જણ અંદરથી જ સાફ કરી ગયાને? જો કે તારી સફાઈ અને અયોધ્યાવાળાની સફાઈમાં ફેર છે. તું મંદિરની અંદરથી કચરો કાઢે છે અને અયોધ્યામાં દાન-ચોરો કેશ કાઢી ગયા. એટલે જ મ ારે કહેવું પડે છે ને કેઃ
દાન-પેટીઓ જે કરે સાફ
એનાં ગુના નહીં માફ.
અંત-વાણી
ધરમના કામમાં ઢીલ નહીં
ધરમના ધામમાં 'ડીલ' નહીં.
** ** **
કરમને શરમ નહીં
ને ચોરીને દાન-ધરમ નહીં
** ** **
દહાડે ઊંઘે ને રાતે જાગે
તેને ચોર પાયે લાગે.
** ** **
નાણું દેખી મુનિવર ચળે
પછી એની ભક્તિ ક્યાંથી ફળે?
** ** **
પારકું નાણું છેડો ફાડે
પારકું સોનું કાન તોડે.
** ** **
સુખમાં આવ ે નિદ્રા
અને દુઃખે સાંભરે રામ
રામધામમાં કરે ચોરી
કેવું કહેવાય અધમ કામ.
** ** **
જેની દાનત ખોરી
એ કરે દાનની ચોરી.









