બોટાદમાં કૌટુંબિક ઝઘડાની અદાવતમાં યુવકનું અપહરણ કરી માર માર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચાર સામે બોટાદ ટાઉન પોલીસમાં ફરિયાદ દાખલ
બસ સ્ટેન્ડ પાસેથી યુવકને ફોર-વ્હીલરમાં બેસાડી અપહરણ કરાયું,લાકડી-પાઈપ વડે મરણતોલ હુમલો કરી ધમકી આપી
ભાવનગર - બોટાદ શહેરના શંકરપરા ખાતે રહેતા ૨૩ વર્ષીય યુવક પર કૌટુંબિક ઝઘડાની જૂની અદાવતમાં ચાર શખસો દ્વારા હુમલો કરી અપહરણ કરવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
બોટાદ શહેરના શંકરપરા ખાતે રહેતા શંકર એન્ટરપ્રાઈઝમાં ઓનલાઈન વસ્તુઓની ડિલિવરી કરવાનું કામ કરતા જયભાઈ રાજેશભાઈ વાઘેલા ગત ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજે સાતેક વાગ્યે તેઓ ડિલિવરી પતાવી બોટાદ બસ સ્ટેન્ડ પાસે પોતાની સ્વિફ્ટ કાર પાસે ઉભા હતા, ત્યારે રાજકોટ તરફથી એક સફેદ કલરની ફોર-વ્હીલર કાર આવી હતી. તેમાંથી મયૂર અશોકભાઈ વાળા ઉતરીને આવ્યા હતા. અને જયભાઈને બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હતા.અંતરિયાળ રસ્તે લઈ જઈ ઢોરમાર માર્યો ગાડીમાં વિરાજ, કરણ અને પીન્ટુભાઈ પણ હાજર હતા. ચારેય ઈસમોએ યુવકને બોટાદ-રાણપુર રોડ પર આવેલા ઉંભડા ગામ પાસેના એક ખુલ્લા કપાસના ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં તેને ગાડીમાંથી નીચે ઉતારી મયૂર પાસે રહેલા લોખંડના પાઈપ, પીન્ટુ પાસે રહેલા લાકડાના ધોકા તથા અન્ય શખ્સોએ ગાળો આપી ઢોરમાર માર્યો હતો. તેમજ જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.હુમલા બાદ ચારેય શખ્સ યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાં છોડીને નાસી છૂટયા હતા. યુવકે પોતાના પિતાને ફોન કરી જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બોટાદ પોલીસે બી.એન.એસ. ની કલમ ૧૪૦(૩), ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩), ૫ તથા જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









