વેફરનું પડીકું બોનેટ પર ફેંકવાની ના પાડતાં યુવકો પર છરી અને પાઇપ વડે હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં ઈદની રોશની જોવા નીકળેલા
આંબાચોક નજીક નજીવી બાબતે બોલાચાલી બાદ વડવા તલાવડી પાસે ૮ શખ્સોએ ઘેરીને જીવલેણ હુમલો કર્યો, ૫ ઈજાગ્રસ્ત
ભાવનગર - ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં આવેલી રિલીફ બેકરી સામે મોડી રાત્રે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ હિંસક સ્વરૃપ ધારણ કર્યું હતું. ઈદ-એ-મિલાદની રોશની જોવા નીકળેલા યુવકોની કાર પર વેફરનું પડીકું ફેંકવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ૮ જેટલા શખ્સોની ટોળકીએ છરી અને પાઇપ વડે હુમલો કરી પાંચ યુવકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.
મળતી વિગતો મુજબ, પ્રભુદાસ તળાવ મફતનગરના રહીશ અને અલંગમાં સ્ક્રેપનો વેપાર કરતા મોહંમદરિઝવાન જાહીદશા બાનવા પોતાના ભાઈ અને મિત્રો સાથે ગાડીમાં નીકળ્યા હતા. આંબાચોક મનિષ પરફ્યુમ પાસે એક અજાણ્યા યુવકે ગાડીના કાચ પર વેફરનું પડીકું પછાડતા યુવકોએ તેને ટપકાર્યો હતો. આ મુદ્દે પ્રાથમિક ઝપાઝપી થયા બાદ રાહદારીઓએ મામલો શાંત પાડયો હતો.પરંતુ, આઠ શખ્સએ ગાડીનો પીછો કરી વડવા તલાવડી પાસે રિલીફ બેકરી સામે રસ્તો રોકી દીધો હતો. ત્યારબાદ શકીલ ઉર્ફે બાબા, ફૈઝાન અને અન્ય ૬ અજાણ્યા ઈસમોએ ગેરકાયદે મંડળી રચી છરીઓ અને લોખંડના પાઈપ વડે યુવકો પર તૂટી પડયા હતા. આ હુમલામાં મોહંમદ રિઝવાન, મોહસીન, અવેશ, રમીઝ અને શાહનવાઝને છાતી, પેટ તથા ગરદનના ભાગે છરીના ગંભીર ઘા વાગ્યા હતા. તેમજ ગાડીના કાચ ફોડી સોનાની ચેઇનની સ્નેચિંગનો પણ પ્રયાસ કરાયો હતો. હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં મોહંમદ રિઝવાનને ગંભીર ઈજા હોવાથી એસ આઈ સી યુ વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ બનાવ અંગે નીલમબાગ પોલીસે બી.એન.એસ. અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી તમામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




