Bhavnagar

કુંભારવાડાના ખાતરવાડીમાં વેરો નહીં ભરતા ૪૦૦ મિલકતનો પાણી પુરવઠો અટકાવ્યો

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગર મહાનગરપાલિકાએ મિલકત વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. સોમવારે 262 કરદાતાઓએ 25 લાખનો વેરો ભરતા કુલ આવક 133.58 કરોડ થઈ. વેરો ન ભરનાર 250 મિલકતો ટાંચમાં લેવાઈ અને 400 મિલકતોનો પાણી પુરવઠો અટકાવવામાં આવ્યો. બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુંભારવાડાના ખાતરવાડીમાં વેરો નહીં ભરતા ૪૦૦ મિલકતનો પાણી પુરવઠો અટકાવ્યો

મહાપાલિકાની મિલકત વેરાની કુલ આવક રૃા. ૧૩૩.પ૮ કરોડ થઇ

સોમવારે ર૬ર કરદાતાએ રૃા. રપ લાખનો મિલકત વેરો ભર્યો, વેરો નહીં ભરનાર રપ૦ મિલકત ટાંચમાં લેવાઇ

ભાવનગર -  ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગે મિલકત વેરો વસુલવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે અને મિલકત વેરો નહીં ભરનાર ઘણી મિલકતનો પાણી પુરવઠો અટકાવવામાં આવ્યો છે, જયારે કેટલીક મિલકત ટાંચમાં લેવામાં આવી છે.

ભાવનગર મહાનગરપાલિકામાં આજે સોમવારના રોજ કુલ ૨૬૨ કરદાતાઓ દ્વારા કુલ ૨૫ લાખનો મિલકત વેરો ભરપાઇ કરવામાં આવ્યો હતો તેથી મહાનગરપાલિકાના મિલકત કર વિભાગની નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ ની કાર્પેટ એરિયા કર પધ્ધતીની કુલ આવક રૃા. ૧૩૩.૫૮ કરોડ થઈ છે. ઘરવેરા વિભાગ દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં વેરો ભરપાઇ ન કરનાર કુલ ૨૫૦ મિલકતને ટાંચમાં લીધી છે તથા શહેરના નારી રોડ, કુંભારવાડામાં સ્થિતિ ખાતરવાડી વિસ્તારની કુલ ૪૦૦ રહેણાંકીય મિલકતના બાકીદારોની મિલકતમાં પાણી પુરવઠો અટકાવવામાં આવેલ છે. મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં સઘન રીકવરી વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે તેથી મિલકતને ટાંચ-જપ્તીની દંડનીય કાર્યવાહીથી બચવા બાકી મિલકત વેરો ભરપાઇ કરવાનો રહેશે.

કરદાતાઓ ઘરવેરો ભાવનગર ભાવનગર મહાનગરપાલિકાની વેબ સાઇટ, મોબાઇલ એપ્લિકેશન પરથી તથા રૃબરૃ વેરો ભાવનગર મહાપાલિકાની મુખ્ય કચેરી, પૂર્વ ઝોનલ કચેરી-તરસમિયા રીંગ રોડ અને પશ્ચિમ ઝોનલ કચેરી-આખલોલ જકાતનાકા ખાતેની કેશ બારીઓ પર રોકડા, ચેકથી તથા પીઓએસ મશિન પર ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડના ના માધ્યમથી ભરપાઇ કરી શકે છે તેમ મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે.

મહાપાલિકાની કાર્યવાહીના પગલે બાકીદારોમાં ફફડાટ

ભાવનગર મહાનગરપાલિકાએ બાકી મિલકત વેરો વસુલવા માટે અત્યારથી જ કડક કામગીરી હાથ ધરી છે, જેના પગલે બાકીદારોમાં ફફડાટ ફેલાયો હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી શરૃ રહેશે અને મિલકત વેરો નહીં ભરનારની મિલકત સીલ કરાશે ત્યારે બાકીદારોએ વેરો ભરવો પડશે.