ઉમણિયાવદર ગામ પાસે બ્રિજની માંગ સાથે ગ્રામજનોનું ચક્કાજામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રશ્નનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચલાવવા લોકો મક્કમ
રસ્તો બંધ થતાં વાહન વ્યવહારને અસર, પોલીસે અટકાયતી પગલા લીધા
મહુવા - મહુવા તાલુકાના ઉમણિયાવદર ગામ પાસે બ્રિજ બનાવવાની માંગણીને તંત્ર ધ્યાન પર લેતું ન હોય, પ્રજાનો પરચો દેખાડવા માટે ગ્રામજનોએ રસ્તા રોકી ચક્કાજામ કર્યો હતો. જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી.
ભાવનગર-સોમનાથ હાઈવે પર આવેલા ઉમણિયાવદર ગામ પાસે બ્રિજના અભાવે હાઈવે ઓળંગવા અને અવરજવરમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં છાશવારે ગંભીર અને જીવલેણ અકસ્માતો સર્જાતા હોવાથી ઘણાં નિર્દોષ વાહનચાલકો-લોકોને જીવ ગુમાવવા પડયા છે. જેથી ગ્રામજનો દ્વારા ઘણાં લાંબા સમયથી પુલ બનાવવાની માંગણી થઈ રહી હોવા છતાં પણ નપાણિયા તંત્રના પેટનું પાણી હલતું ન હોય, આજે શુક્રવારે વીર માંધાતા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ સોલંકીના નેતૃત્વમાં રસ્તા રોકો આંદોલન છેડવામાં આવ્યું હતું. ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાઈ ચક્કાજામ કરી ઉમણિયાવદર અને આસપાસના ૨૫ ગામના લોકોની સુરક્ષિત અવરજવર માટે બ્રિજ બનાવવાની માંગ દોહરાવી હતી. ચક્કાજામના પગલે હાઈવે પર વાહન વ્યવહારને વિપરીત અસર પહોંચી હતી. પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી રાજુ સોલંકી સહિત ગ્રામજનોની સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ જ્યાં સુધી પ્રશ્નનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચલાવવા અને આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
ચૂંટણી બહિષ્કાર બાદ હવે લોકો રસ્તા પર ઉતર્યા
ઉમણિયાવદર અને આજુબાજુના ૨૫ જેટલા ગામના લોકોને સુરક્ષિત અવરજવર માટે બ્રિજની સુવિધા મળી રહે તે માટે ગ્રામજનોની માંગણીને ગણકારવામાં આવતી નથી. અગાઉ બ્રિજના પ્રશ્ને લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેમ છતાં કોઈ જ પગલા ભરવામાં ન આવતા ગ્રામજનોમાં અસંતોષ વધુ ઉગ્ર બન્યો છે અને તેના પરિણામ સ્વરૃપે લોકો રસ્તા પર ઉતર્યા હતા.









