Bhavnagar

ભાવનગર લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાય કરનાર મુખ્ય ખેલાડી ઉમેદ આગ્રાથી ઝબ્બે

By GS Team
1 Sep 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી 13 લોકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 37 આરોપીઓની ધરપકડ કરી હતી. ઉત્તરપ્રદેશના આગ્રાથી મુખ્ય આરોપી ઉમેદ ઝડપાયો, જે વિદેશી દારૂમાં ઝેરી મિથેનોલ ભેળવતો હતો. કોર્ટે ઉમેદના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કૌભાંડનું નેટવર્ક સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાય કરનાર મુખ્ય ખેલાડી ઉમેદ આગ્રાથી ઝબ્બે

ગુજરાતમાં દારૃબંધીના ચીથડા ઉડયા, વિદેશી દારૃ બન્યો 'કાળમુખો' ઝેરી દારૃ

સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, ઉમેદના ૭ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર ,૧૩ નિર્દોષોનો ભોગ લેનાર ઝેરી કેમિકલ નેટવર્કનો થયો પર્દાફાશ

ભાવનગર -  સંસ્કારી નગરી ભાવનગરમાં ઝેરી દારૃના ઝેરથી ૧૩ નિર્દોષ લોકોના કરુણ મોત નીપજતાં સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી સાથે હાહાકાર મચી ગયો છે. કાયદાના રક્ષકોને ખુલ્લો પડકાર ફેંકતા આ કાળમુખા લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આક્રમક કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં ૩૭ જેટલા અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. દરમિયાન, આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને ઝેરના સપ્લાયરને ઝડપી પાડવામાં એસએમસીને મોટી સફળતા સાંપડી છે.

ભાવનગર લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા માટે એસએમસીની ટીમે રાત-દિવસ એક કર્યાં હતા. આ તપાસ દરમિયાન મળેલા ચોક્કસ સુરાગના આધારે એસએમસીની વિશેષ ટીમે ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે દરોડો પાડીને સમગ્ર નેટવર્કનો ૩૮મો અને મુખ્ય આરોપી ઉમેદની ધરપકડ કરી છે. ઉમેદને અત્યંત ગુપ્તતા અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુજરાત લાવી ભાવનગરમાં કાયદાકીય શિકંજામાં લેવામાં આવ્યો છે. તપાસ અધિકારીઓ અને સામાન્ય જનતા માટે સૌથી વધુ ધુ્રજાવી દેનારી બાબત એ સામે આવી છે કે, ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ એવો કાળો કિસ્સો છે જેમાં ઝેરી મિથેનોલ કેમિકલ દેશી દારૃમાં નહીં, પરંતુ અંગ્રેજી દારૃમાં ભેળવવામાં આવ્યું હતું. વધુ નફો કમાવવાની હવસમાં બુટલેગરોએ વિદેશી દારૃની બોટલોમાં મિથેનોલ જેવું આત્યંતિક ઝેરી કેમિકલ મિશ્રિત કરી દીધું હતું. આ ઝેરી મિશ્રણને લીધે જ ૧૩ લોકોએ ક્ષણભરમાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતા અને અનેક લોકો હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝઝુમતા કરી દીધાં હતા. ધરપકડ કરાયેલા ઉમેદની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારા અને સનસનાટી ભર્યાં ઘટસ્ફોટ થયા છે. ઉમેદ માત્ર ભાવનગરમાં જ ઝેરી મિથેનોલ સપ્લાય કરતો હતો એવું નથી, પરંતુ તે સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચાલતી ગેરકાયદેસર બનાવટી દારૃની ફેક્ટરીઓમાં તેમજ રાજ્ય બહાર પણ મોટા પાયે આ ઝેરી કેમિકલ પહોંચાડતો હતો. એસએમસી દ્વારા મુખ્ય આરોપી ઉમેદને ભારે સુરક્ષા વચ્ચે સ્થાનિક અદાલતમાં રજૂ કરી ગહન પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉમેદના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. એસએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ, ઉમેદની રિમાન્ડ દરમિયાન થનારી પૂછપરછના આધારે તપાસનો વ્યાપ માત્ર ભાવનગર પૂરતો સીમિત ન રહેતાં સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા બનાવટી અને ઝેરી દારૃના સમગ્ર સિન્ડિકેટ અને કાળો કારોબાર કરનારાઓ સુધી લંબાવાશે.

લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઈન્ડ સહિત ૧૪ મોતના સદાગરો જેલમાં ધકેલાયા

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ૧૩ લોકો મોતને ભેટી ચૂક્યા છે, તદ્ઉપરાંત ૬૦થી વધુ લોકો અસરગ્રસ્ત ગયા હતા અને મોતના સોદાગર સામે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનાચક્રમાં પ્રથમ એસએમસીએ મુખ્ય આરોપીઓ ગૌતમ સોલંકી, રઈશ અન્સારી, જતીન કાંબડ, સારસ સોલંકી, પારસ ઉર્ફે પપ્પુ ચુડાસમા, મનદીપસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ગોહિલ, જયદીપ મકવાણા, હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ, વિવેક અલગોતર, ભાર્ગવ ભટ્ટ, કેવલ ઉર્ફે સાંગો સોલંકી, સુખદેવ સલાટ અને હાદક ઉર્ફે ટોંચો બારૈયાના રિમાન્ડની અવધિ પૂર્ણ થતા એસએમસી દ્વારા વધુ રિમાન્ડ ન મંગાતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.