આજે ભાદરવી અમાસના પર્વે કોળીયાકમાં લાખો શ્રધ્ધાળુઓ સમુદ્ર સ્નાન કરી નિષ્કલંક થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચોતરફ પિતૃકાર્યો અને જીવદયા પ્રવૃતિઓ ધમધમશે
ગોહિલવાડમાં ઠેર-ઠેર યોજાનાર ભાતીગળ લોકમેળામાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાશે
ભાવનગર - ગોહિલવાડમાં આવતીકાલે તા.૧૧ સપ્ટેમ્બરે પિતૃઓની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરવાના ભાદરવી અમાસના મહાપર્વે ઠેર-ઠેર પિતૃ મોક્ષાર્થે પુણ્યકાર્યો અને જીવદયા પ્રવૃતિઓનો ધમધમાટ જોવા મળશે. આ સાથે રાજયભરના લાખો શ્રધ્ધાળુઓ આજે કોળીયાકના નિષ્કલંક મહાદેવજીના દરિયામાં ભાદરવી અમાસનું પવિત્ર સ્નાન કરી નિષ્કલંક થશે.
દેવાધિદેવ મહાદેવની આરાધનાના પાવનકારી શ્રાવણ માસના અંતિમ દિવસને અનુલક્ષીને આવતીકાલે શુક્રવારે ભાદરવી અમાસના પર્વે વહેલી સવારથી ગોહિલવાડના શિવાલયોમાં ભાવિકો મહાદેવને રિઝવવા માટે જળાભિષેક, દુગ્ધાભિષેક, બીલીપત્ર અને ચોખા ચઢાવવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડશે.આ સાથે દિવંગત પિતૃઓના તર્પણ અને શ્રાધ્ધ માટેની સર્વોત્તમ તિથિ હોય પિતૃકાર્યો સંપન્ન કરવા માટે વિષ્ણુ ભગવાનનું પુજન અર્ચન કરાશે. શિવાલયોમાં મહાદેવને ફૂલના શણગાર કરાશે,પીપળાના પૂજન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. આ ઉપરાંત શહેરના આખલોલ, સિહોરના બ્રહ્મકુંડ, નાના અને મોટા ગોપનાથ, સિધ્ધનાથ ત્રિવેણી સહિતના અનેક સ્થળોએ પણ ભાતીગળ લોકમેળાની રંગત જામશે. કોળીયાકમાં પવિત્ર સમુદ્ર સ્નાન માટે સવારે રજા મળતાની સાથે જ મોડી રાતથી સમુદ્ર તટે આતુરતાથી રાહ જોતા ભાવિકો હર હર મહાદેવના જયઘોષ સાથે સમુદ્ર ભણી દોટ મુકી નિષ્કલંક મહાદેવના દર્શન, પૂજન કરી સમુદ્ર સ્નાન કરશે. આ દરમિયાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે પોલીસ, આરોગ્યનો સ્ટાફ, તરવૈયાઓની ટીમ વગેરે સરકારી તંત્ર ખડેપગે રહેશે. યાત્રિકો માટે સુસજજ તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૃમ પણ કાર્યરત રહેશે. દરમિયાન ગુરૃવારે મોડી સાંજથી શરૃ થયેલા કોળીયાકના આ બે દિવસીય લોકમેળાનું શુક્રવારે ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સાથે સમાપન થશે.
ધ્વજાજીનું પૂજન અર્ચન કરાયું
કોળીયાકમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે સૌ પ્રથમ ભાવનગરના ગોહિલવંશના રાજવી પરિવાર દ્વારા શાસ્ત્રોકત પૂજનવિધિ સાથે ધ્વજા ચઢાવાતી હોય ગુરુવારે શહેરના નીલમબાગ પેલેસમાં રાજવી પરિવારના હસ્તે ધ્વજાજીનું વિધિવિધાનપુર્વક પુજન અર્ચન કરી નિષ્કલંક મહાદેવજીની ધ્વજાને કોળીયાક તરફ જવા પ્રસ્થાન કરાવાયુ હતુ. આ ધ્વજાને આવતીકાલે શુક્રવારે સવારે મંગલ મુર્હૂતે વાજતે ગાજતે નિષ્કલંક મહાદેવજીને ચઢાવવામાં આવશે. ત્યારબાદ લોકમેળાને ભાવિકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
૫ ટન લાડુની પ્રસાદીનું વિતરણ કરાશે
મેળામાં આવતા ભાવિકોની સેવા માટે મત્સ્યોદ્યોગ મંત્રી અને તેમના પુત્ર દ્વારા આશરે પાંચ ટન જેટલી લાડુની પ્રસાદી તૈયાર કરાઈ છે. આ ઉપરાંત રાત્રીના સમયે દર્શનાર્થીઓ માટે એલ.ઈ.ડી. સ્ક્રિન પર ધાર્મિક ચલચિત્રોના પ્રદર્શનનું પણ આયોજન કરાયેલ છે. આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ભાવિકો માટે ચા પાણી,નાસ્તો અને રહેવાની વ્યવસ્થા કરાઈ છે.




