કુંભારવાડામાં ગાળો બોલવાની ના પાડતા કાકા-પૌત્રી સહિત ત્રણ પર છરીથી હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોરતળાવ પોલીસે ગુનો નોંધી બન્ને શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ હોસ્પિટલમાં સારવાર હેઠળ,કુંભારવાડા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ
ભાવનગર - ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અસામાજિક અને માથાભારે તત્વોનો ઉપદ્રવ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે વધુ એક સરેઆમ હિંસક હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. કુંભારવાડા સર્કલ નજીક આવેલા મારુતિનગરમાં મોડી રાત્રે જાહેર સરેઆમ ગાળો બોલવાની ના પાડવા જેવી બાબતે ઉશ્કેરાઈ જઈને બે માથાભારે શખ્સોએ વૃદ્ધ, તેમની પૌત્રી અને એક મહિલા પાડોશી પર છરી વડે પ્રાણઘાતક હુમલો કરી દીધો હતો. આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કુંભારવાડા વિસ્તારના મારુતિનગરમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા ૬૬ વર્ષીય વૃદ્ધ રમેશભાઈ કાનજીભાઈ રાત્રિના સમયે પોતાના ઘરની ઓસરીમાં આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના ઘર નજીક જ રહેતા ગૌરાંગ ભનુભાઈ ભિમાણી તથા નવીન ભરતભાઈ ગોહેલ નામના બે શખ્સો જાહેર રસ્તા પર મોટે મોટેથી બીભત્સ ગાળો બોલી રહ્યા હતા.રાત્રિના સમયે વાતાવરણ ખરાબ થતું અટકાવવા અને શાંતિ જાળવવા માટે વૃદ્ધ રમેશભાઈએ બંને શખ્સોને ગાળો ન બોલવા માટે ઠપકો આપ્યો હતો. ગાળો બોલવાની ના પાડતા જ ગિન્નાયેલા ગૌરાંગ ભિમાણીએ પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી રમેશભાઈ પર સીધો હુમલો કરી દીધો હતો.માથાભારે ગૌરાંગે રમેશભાઈ પર હુમલો કરતા જ તેમને છાતીના ડાબા ભાગે છરી ઊંડી ઉતારી દીધી હતી. દાદા પર હુમલો થતો જોઈ તેમને બચાવવા માટે વચ્ચે પડેલી તેમની પૌત્રી રિંકલબેન પર પણ બન્ને ઈસમે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ જોઈ આસપાસમાંથી દોડી આવેલા પાડોશી મહિલા હંસાબેન માંડલિયા વચ્ચે પડતાં તેમને પણ છરી વડે લોહીલુહાણ કરી મૂક્યા હતા.ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડયા બાદ બંને શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટનાસ્થળેથી ભાગી છૂટયા હતા.ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં રમેશભાઈ સહિતના ઘાયલોને ત્વરિત ૧૦૮ મારફતે સરકારી (સર તખ્તસિંહજી) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી રમેશભાઈની હાલત નાજુક જણાતાં તબીબો દ્વારા ઈમરજન્સી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.આ બનાવ અંગે બોરતળાવ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તુરંત હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા રમેશભાઈની ફરિયાદના આધારે આરોપી ગૌરાંગ ભનુભાઈ ભિમાણી અને નવીન ભરતભાઈ ગોહેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૮(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




