આજથી શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં ભકિત, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આ વર્ષે શ્રાવણ મહિનો પૂરા ૩૦ દિવસનો રહેશે
શિવમંદિરો હર હર મહાદેવ તેમજ જય જય શિવશંકરના જયઘોષથી ગૂંજી ઉઠશે, અનેકવિધ કાર્યક્રમોના આયોજન
ભાવનગર - ગોહિલવાડમાં આવતીકાલ તા.૧૩ ઓગસ્ટને ગુરૃવારથી દેવાધિદેવ મહાદેવની આરાધનાના મહાપર્વ પાવનકારી શ્રાવણ માસનો શુભારંભ થશે. આ સાથે ભાવનગર શહેર સહિત જિલ્લાભરના તમામ શિવાલયોમાં શિવભકિતનો શંખનાદ ફૂંકાશે અને શ્રધ્ધાળુઓ શિવજીની આરાધનામાં મગ્ન બની જશે.આ વર્ષે શ્રાવણ મહિનો પૂરા ૩૦ દિવસનો રહેશે અને આગામી તા.૧૧-૯ ને શુક્રવારે ૫ૂર્ણાહુતિ થશે.
ગોહિલવાડના તમામ સ્વયંભૂ પ્રાગટય પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં ભોળાનાથજીની ભકિત અને આરાધનાના શ્રાવણ માસની આસ્થાભેર ઉજવણી કરાશે. શહેરના ભીડભંજન, કાશી વિશ્વનાથ, જશોનાથ, તખ્તેશ્વર, બારસો મહાદેવ સહિત ૧૫૦ થી વધુ તેમજ જિલ્લાના માળનાથ, નિષ્કલંક, પડઘલીયા, ગોપનાથ સહિતના શિવાલયોમાં ગુરૃવારે વહેલી સવારથી જ દુગ્ધાભિષેક, જળાભિષેક, મહાપૂજન, અર્ચન અર્થે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. શિવાલયોમાં પ્રતિદિન ચાર પ્રહરની મહાઆરતી, દીપમાળા, હોમાત્મક લઘુરુદ્ર, રૃદ્રાભિષેક, ધ્વજારોહણ, મહામૃત્યુંજય યજ્ઞા, પાલખીયાત્રા, જાપ, અનુષ્ઠાન, સંધ્યા શણગાર, શિવધૂન, ભજન, કિર્તન, સંતવાણી અને લોકડાયરા સહિતના કાર્યક્રમો યોજાશે. આ સાથે શિવાલયોમાં હર હર મહાદેવ અને જય જય મહાદેવનો ગગનભેદી જયઘોષ ગૂંજી ઉઠશે. શિવાલયોમાં મહાદેવજીને ગાયના દૂધ, લીલી દ્રાક્ષ, દાડમના રસ, નાળીયેરના પાણી તેમજ જળથી અભિષેક કરવા,બીલીપત્ર ચડાવવા માટે શિવભકતોની ભીડ દ્રશ્યમાન થશે. શ્રાવણ માસ દરમિયાન મોટા ગોપનાથ સહિતના અનેક શિવાલયોમાં ભકિત, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે.
પૌરાણિક જગદીશ મંદિરે પરંપરાગત ચિરોડી ચિત્ર પ્રદર્શનનું આકર્ષણ
શહેરના ખારગેટ ખાતે આવેલા પૌરાણિક જગદીશ મંદિરમાં સ્થાપનાકાળથી દર શ્રાવણ માસના આરંભથી હિંડોળા દર્શનઅને ચિરોડી ચિત્ર દર્શનનું વિશિષ્ઠ આયોજન કરાય છે. જે પરંપરા મુજબ આવતીકાલ તા.૧૩ ઓગસ્ટને ગુરૃવારથી તા.૪-૯ ને શુક્રવારે જન્માષ્ટમી સુધી દરરોજ સાંજે હિંડોળા દર્શન અને તમામ દેવ દેવીઓના ચિરોડી ચિત્ર દર્શન ખુલ્લા મુકાશે. જેનું ભારે આકર્ષણ હોય આબાલવૃધ્ધ ભાવિક ભકતો બહોળી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડશે.









