ખોટા અનુભવ પ્રમાણપત્ર પર મેડિકલ સ્ટોર ચલાવવાના કૌભાંડનો પર્દાફાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એસઓજીની ઈનપુટના આધારે તપાસ કરતા ઘટસ્ફોટ
સિહોરની ગુરૃકૃપા એજન્સીના સંચાલકે ભાવનગરના શખ્સને પ્રમાણપત્ર બનાવી આપ્યું, બન્ને શખ્સ સામે કાનૂની કાર્યવાહી
ભાવનગર - ભાવનગર જિલ્લામાં ખોટા અને બોગસ અનુભવ પ્રમાણપત્ર પર મેડિકલ સ્ટોર ચલાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એસઓજીએ ઊંડાણપૂર્વક કરેલી તપાસ બાદ બે શખ્સ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.
ભાવનગર શહેર-જિલ્લામાં અનુભવ સર્ટી. વિના મેડિકલ હોલસેલ અને રિટેઈલર લાયસન્સ કાઢવાનું કૌભાંડ ચાલતું હોવાની એસઓજીને ઈનપુટ મળી હતી. જેમાં આવા તત્ત્વો દ્વારા ગેરકાયદે રીતે કફ સિટરપની બોટલો નશા માટે ઉપયોગ કરતા શખ્સોને વેચી આર્થિક લાભ મેળવવામાં આવતો હોવાની હકીકતના આધારે ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોની તપાસ હાથ ધરી અગાઉ પકડાયેલો ભાવેશ અમોલખભાઈ દૂધેલા (રહે, પ્લોટ નં.બી/૨૩, દેવરાજનગર-૧)એ ચિત્રા-સિદસર રોડ, મારૃતિ આર્કેટ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નં.૩માં તેની મારૃતી મેડીકલ એજન્સીનું રજૂ કરેલું અનુભવ પ્રમાણપત્ર શંકાસ્પદ જણાતાં એસઓજીએ પ્રમાણપત્ર આપનાર ગુરૃકૃપા એજન્સી-૨/૩, એશ્વર્ય કોમ્પલેક્ષ, પોલીસ સ્ટેશન સામે, ભાવનગર-રાજકોટ રોડ, સિહોરના માલિક નરેન્દ્ર અરવિંદભાઈ જોષી (રહે, પ્લોટ નં.૨૧, મહાગૌતમેશ્વરનગર, ઘાંઘળી રોડ)ને બોલાવી આગવીઢબે પૂછતાછ શરૃ કરી હતી. જેમાં શખ્સે એવી હકીકત જણાવી હતી કે, ભાવેશ દુધેલાએ તેની મેડિકલ એજન્સીમાં કોઈ દિવસ કામ કર્યું નથી. માત્ર ઓળખાણના કારણે અનુભવ પ્રમાણપત્ર લખી આપ્યું હતું. જે કબૂલાતના આધારે એસઓજીએ બન્ને શખ્સ સામે સ્થાનિક નિલમબાગ પોલીસમાં ખોટા લાયસન્સના આધારે દવાઓ વેચાણ કરી છેતરપિંડી અને ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી સરકાર સાથે કપટમાં એકબીજાને મદદગારી કરી હોય, બીએનએસની કલમ ૩૧૮ (૨), ૩૩૬ (ર), ૩૩૬ (૩), ૩૪૦ (ર) અને ૫૪ હેઠળ ફરિયાદ દાખલ કરાવી આગળની તપાસ એસઓજી પીઆઈ પી.સી. શીંગરખિયાએ હાથ ધરી છે.




