મિક્સર મશીન પલટી મારતાં ગંભીર રીતે ઘવાયેલા મધ્યપ્રદેશના શ્રમિકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ધોલેરા નજીક ગફલતભરી ડ્રાઇવિંગે લીધો યુવકનો ભોગ
જેટકો કંપની પાસેથી રૃમ પર પરત ફરી રહેલા શ્રમિકો અકસ્માતનો ભોગ બન્યા,સારવાર દરમિયાન ૧૨ દિવસે ઈજાગ્રસ્ત યુવકે હોસ્પિટલમાં દમ તોડયો
ભાવનગર - ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મહાદેવપુરા ગામ નજીક એક અનિયંત્રિત મિક્સર મશીન (એજેક્સ મિલર) પલટી મારી જતાં ગંભીર રીતે ઘવાયેલા ૨૩ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય બે શ્રમિકોને પણ ઈજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે ધોલેરા પોલીસે મિક્સર મશીનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મધ્યપ્રદેશના છીંદવાડા જિલ્લાના ખેરાજીગામના વતની અને શ્રમજીવી દુર્ગ રામલાલ પાલ (ઉં.વ. ૨૩) પોતાના સાથીદારો સાથે ધોલેરાના મહાદેવપુરા સ્થિત જેટકો પાવર કંપની ખાતે કામ પતાવીને પરત રૃમ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે રસ્તામાંથી પસાર થઈ રહેલા એક એજેક્સ મિલર મિક્સર મશીન (રજિસ્ટ્રેશન નં. જીજે-૩૯-સી-૧૭૫૦) માં બેસવા માટે લિફ્ટ લીધી હતી.જેટકો કંપનીથી આશરે ૬૦૦ મીટર દૂર મહાદેવપુરા ગામ પાસે પહોંચતા જ મિક્સર મશીનના ડ્રાઇવરે વાહન પૂર્ણ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે મશીન રોડ પર પલટી મારી ગયું હતું. આ ઘટનામાં દુર્ગ પાલના ડાબા પગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે તેના સાથીદારો ભાગલાલ ગોઈ અને મયંક કહકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્ત દુર્ગને તાત્કાલિક ધોલેરા બાદ અમદાવાદની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનો ડાબો પગ કાપવો પડયો હતો. સતત ૧૨ દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.મૃતકના ભાઈ દુર્ગેશ રામલાલ પાલની ફરિયાદના આધારે ધોલેરા પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા મિક્સર મશીનના અજાણ્યા ચાલક સામે બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(ચ), ૧૦૬(૧) તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




