Bhavnagar

પાલિતાણાના ગરાજીયા ગામે સિંહે યુવાન પર હુમલો કર્યાં બાદ ૧૫ મિનીટે છુટકારો

By GS Team
7 Jul 20263 mins read
TukuTouch Logo
પાલિતાણાના ગરાજીયા ગામે સિંહે ભેંસ પર હુમલો કરતા, પોતાના ઢોર બચાવવા ગયેલા કાળુભાઈ પરમાર પર સિંહે હુમલો કર્યો. સિંહ 15 મિનિટ સુધી તેમના પગ પર બેસી રહ્યો, છતાં કાળુભાઈએ હિંમત અને ધૈર્ય દાખવી સિંહનો વિશ્વાસ જીત્યો. ગ્રામજનોના દેકારા છતાં, યુવાને સિંહને પંપાળી સ્નેહ આપતા સિંહ તેને છોડી ડુંગર તરફ જતો રહ્યો. ઇજાગ્રસ્ત કાળુભાઈને ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાલિતાણાના ગરાજીયા ગામે સિંહે યુવાન પર હુમલો કર્યાં બાદ ૧૫ મિનીટે છુટકારો

પોતાના માલઢોર બચાવવા ગયેલ યુવાનની હિંમત રંગ લાવી

હુમલા પૂર્વે બે સિંહે ઢોરનું મારણ કર્યું અને એક ભેંસ ઉપર પણ હુમલો કર્યો હતો

ભાવનગર - પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે સિંહ આવી ચડયા હતા અને એક ભેંસ પર હુમલો કર્યાં બાદ પોતાના માલઢોરને બચાવવા દોડી આવેલ માલધારી યુવાનનો ભેટો સિંહ સાથે થતા પ્રથમ સિંહે આ યુવાન પર હુમલો કર્યો હતો અને પછડાઇ પડેલા યુવાનના પગ ઉપર આ સિંહ બેસી ગયો હતો. જો કે, ગ્રામજનો દ્વારા દેકારા પડકારા બાદ પણ સિંહ ૧૫ મીનીટ સુધી બેસી રહેલ જ્યારે ઇજાગ્રસ્ત માલધારી પણ હિંમત-ધૈર્ય દાખવી સિંહનો વિશ્વાસ જીતી જાણે સિંહે તેને છોડી ડુંગર તરફ નાસી છૂટયા હતાં.

મળતી વિગતો મુજબ પાલિતાણા પંથકમાં લાંબા સમયથી સિંહ પરિવારના આટાફેરા રહેવા પામે છે અને આ સિંહ ઘણીવાર ડુંગર પર પણ આવી ચડયા છે. જ્યારે આજે સવારે ૮ વાગ્યાના અરસામાં ગરાજીયા ગામે બે પાઠડા સિંહ આવી ચડયા હતાં. જેઓએ અગાઉ હસ્તગીરી બીટમાં આવેલ સોનપરી ગામે રેઢીયાળ ઢોરનું મારણ કર્યું હતું. જ્યારે ગામમાં હેમુભાઇ ગઢવીની ભેંસ ઉપર હુમલો કરતા સ્થાનિક માલધારીઓ સચેત બન્યા હતા અને સિંહને ખદેડવા હાકલાઓ કર્યાં હતાં. દરમિયાન ઢોરને નિરણ નાખવા અને સિંહ આવ્યાના સમાચારથી પોતાના માલઢોર પાસે જઇ રહેલા કાળુભાઇ બોઘાભાઇ પરમાર નામના યુવાન પર ઉશ્કેરાયેલા સિંહે હુમલો કરી ગળા, છાતી, હાથ અને પગના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. આ યુવાન નીચે ફસડાઇ પડયો હતો અને આ સિંહ તેના પગ પર ચડી બેઠો હતો. જો કે, ફરતા ગ્રામજનો દ્વારા સિંહને ભગાડવા દેકારો કર્યો હતો અને કેટલાક લોકોએ પથ્થરો પણ ફેંક્યા હતાં. જો કે, અત્તંગ વાતાવરણ વચ્ચે યુવાને હિંમતભેર સિંહને સ્નેહ આપી પંપાળતા વિશ્વાસ જીતી અન્ય ઇજાઓ ન પહોંચાડી ડુંગર વિસ્તાર તરફ ચાલ્યો ગયો હતો. પરંતુ આ ૧૫ મિનીટ માલધારી યુવાન માટે જીંદગીની મહત્વની ક્ષણો સાબિત થઇ હતી. જો કે, જંગલી પશુઓ છેક રહેણાક વિસ્તાર સુધી આવી ચડતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ ફેલાવા પામ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચોમેર યુવાનની હિંમતની ચર્ચા ચાલી હતી. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ સ્થાનિક સરકારી હોસ્પિટલે અને વધુ સારવાર માટે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે રીફર કરાયા હોવાનું જણાયું છે.

હુમલાખોર સિંહને પકડી પાડવા વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૃ

ગરાજીયા ગામે સિંહનો માનવ હુમલાની ઘટના બાદ વન વિભાગની ટીમો, રેવીડ એકશન ટીમ, રેન્જ વેટરનીટીની ટીમ દ્વારા આ સિંહને પકડવા સમગ્ર પંથકમાં અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરશન હાથ ધરી સ્કેનિંગ કામગીરી આરંભી છે અને બેભાન કરી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. વધુમાં ઉમેરતા આર.એફ.ઓ. ગઢવીએ જણાવ્યું હતું કે, ગ્રામજનોએ પણ સિંહ ઉશ્કેરાય તેવી પ્રવૃત્તિ ન કરવા અને જે-તે વિસ્તારમાં વન્ય પ્રાણી જોવા મળે તો સત્વરે લાગુ વન વિભાગના સ્ટાફને જાણ કરવા તથા મારણ ઉપર હોય ત્યારે તેને ખાસ ડિસ્ટર્બ ન કરવા અપીલ કરી હતી.

ગ્રામજનોના દેકારા પડકારા વચ્ચે

માલધારી યુવાનની સમજદારી, ધૈર્ય અને હિંમતથી સિંહને પંપાળી વિશ્વાસ જીત્યો

હાથ ફેરવતા વધારે ઇજા પહોંચાડયા વગર જતો રહેતા સહ અસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ

માનવી સિંહથી ડરતા હોય જ્યારે સિંહ માનવીથી ગભરાતુ પ્રાણી છે. પાલિતાણાના ગરાજીયા ગામે માલધારી કાળુભાઇ પર સિંહે હુમલો કર્યાં બાદ ૫૦-૬૦ લોકોના ટોળા દ્વારા તેમના બચાવ માટે હાકલા-પડકારા અને દેકારો કરી મુક્યો હતો. જ્યારે કાળુભાઇએ વન્ય પ્રાણીની વર્તણૂક સમજી મન સ્થિર રાખી, સમય સુચકતા વાપરી કોઇપણ જાતનું હલન ચલન કર્યાં વગર પોતાની સુઝબુઝ વાપરી સિંહ પર પુરો વિશ્વાસ દાખવી સિંહના ગળા ઉપર હાથ ફેરવવા લાગેલ અને તે જોઇ સિંહે તેને વધુ કોઇ જાતનું નુકસાન કે ઇજા પહોંચાડયા વિના માલધારીને યથાસ્થિતિમાં છોડી જતો રહેલ. આમ માલધારી અનેસ સિંહ વચ્ચે આત્મિયતા અને સહઅસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ પુરૃ પાડેલ છે અને માલધારીની આ સિંહ પ્રત્યેની આ સહાનુભૂતિ જ તેનું જીવનદાન છે.