બોટાદના સમઢીયાળામાં દુર્ઘટના,વાડીમાં ટ્રેક્ટર પલટી જતાં ખેડૂતનું નિપજ્યું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોતાના જ ટ્રેક્ટર નીચે દબાતાં ખેડૂતે ગંભીર ઈજાઓને કારણે દમ તોડયો
લીંબુડીની વાડીમાં ખેતીકામ દરમિયાન ધોરિયામાં ટાયર ખાબકતાં ટ્રેક્ટર ઊંચું થઈને આડું પડયું
ભાવનગર - બોટાદ રૃરલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા સમઢીયાળા નં-૦૧ ગામે ખેતીકામ કરતી વખતે એક અત્યંત કરૃણ અકસ્માત સર્જાયો છે. વાડીમાં કામ કરી રહેલા ૬૭ વર્ષીય વૃદ્ધ ખેડૂતનું પોતાના જ ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી મોત થયું છે.
મળતી માહિતી મુજબ, સમઢીયાળા નં-૦૧ ગામે આવેલી વાડીમાં રહેતા કનૈયાલાલ ભીખાલાલ સાબવા (ઉં.વ. ૬૭) રવિવારે સાંજે આશરે છ વાગ્યાના સુમારે પોતાની મોટા કરાળની સીમ તરીકે ઓળખાતી વાડીમાં લાલ રંગનું મીની ટ્રેક્ટર (જીજે-૩૩-બી-૬૬૫૮) લઈને લીંબુડીના પાકમાં ખેતીકામ કરી રહ્યા હતા. તે દરમિયાન ધોરિયા પાસે પહોંચતા ટ્રેક્ટરનું એક ટાયર અચાનક ધોરિયામાં જતું રહ્યું હતું. ટાયર ખાબકતાં ટ્રેક્ટર આગળથી ઊંચું થઈને ઊથલી પડયું હતું, જેના કારણે કનૈયાલાલ ટ્રેક્ટરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી બેઠા હતા અને ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા.આ ઘટના બની ત્યારે નજીકમાં જ કામ કરી રહેલા તેમના નાના ભાઈ નટવરલાલ સાબવા તુરંત દોડી આવ્યા હતા અને કનૈયાલાલને ટ્રેક્ટર નીચેથી બહાર કાઢયા હતા. માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બોટાદની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે મૃતકના ભાઈ નટવરલાલ સાબવાની ફરિયાદના આધારે બોટાદ રૃરલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ પોલીસ સબ ઈન્સપેક્ટર એમ. પી. જાંબુચા ચલાવી રહ્યા છે.




