બોટાદમાં પતિનો પત્ની પર શંકા રાખી અમાનુષી અત્યાચાર, કમરના પટ્ટાથી માર મારી ધમકી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પતિ સામે બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
ઘરકામ બાબતે મેણાં મારી વાસણો ફેંકી દેતા અને ફોન પર વાત કરવા પર પણ પાબંધી લગાવી દીધી
ભાવનગર - બોટાદ શહેરમાં શંકા-વહેમના કારણે પરિણીતા પર પતિ દ્વારા ગુજારવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ દ્વારા અવારનવાર મારપીટ કરી, કરિયાવરનો સામાન તથા બાળકોને લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આખરે પીડિત મહિલાએ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતા સમાબેન અનીશભાઈ મોદન (ઉં.વ. ૩૨) ના બીજા લગ્ન વર્ષ ૨૦૧૭માં બોટાદની મહમદગફુર સોસાયટીમાં રહેતા અનીશ લતીફભાઈ મોદન સાથે થયા હતા. લગ્નના છ માસ બાદ પતિ અનીશ અવારનવાર નાની-નાની વાતોમાં શંકા-વહેમ રાખી તને રસોઈ બનાવતા નથી આવડતી, કામ સરખું નથી આવડતું તેમ કહી વાસણો ફેંકી દેતો હતો. એટલું જ નહીં, બહેનપણીઓ સાથે વાત કરવા કે શેરીમાં બહાર બેસવા પર પણ પતિએ સખત મનાઈ ફરમાવી દીધી હતી.ગત ફેબ્આરી માસમાં પતિએ પાડોશી સાથે વાત કરવા બાબતે શંકા રાખી ગિન્નાઈ જઈ સમાબેનને કમરના પટ્ટા વડે આખા શરીરે નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટના બાદ પીડિતા સામાન લઈ અલગ રહેવા જતી રહી હતી.ગત ૨૪ સપ્ટેમ્બરના રોજ પતિ અનીશ પીડિતાના ભાડાના મકાને આવી બીજો મોબાઈલ શોધવાના બહાને ઘરમાં તોડફોડ કરી હતી. મોબાઈલ ન મળતા તે બળજબરીથી કરિયાવરનો સામાન તેમજ બંને માસૂમ બાળકો (૮ વર્ષની દીકરી અને ૬ વર્ષનો દીકરો)ને સાથે લઈ ગયો હતો. સાથે જ ધમકી આપી હતી કે જો તું છોકરાઓને લેવા આવીશ તો તને જાનથી મારી નાખીશ.ઘટના બાદ પીડિતાએ ૧૧૨ નંબર પર ફોન કરી મદદ માગી હતી અને ચાર દિવસ સુધી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય લીધો હતો. સામાજિક સ્તરે ઘરમેળે સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે સમાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અનીશભાઈ મોદન સામે ફરિયાદ નોંધાવી છે. બોટાદ મહિલા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




