કાનપર ગામે ગમખ્વાર અકસ્માત, કારની ટક્કરે બે વર્ષની બાળકીનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કારચાલક સામે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
કાનપર ગામે બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર - ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામે એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. રોડ પરથી પસાર થઈ રહેલી એક સફેદ રંગની ઈકો કારના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી બે વર્ષની માસૂમ બાળકીને ટક્કર મારતાં બાળકીનું કરુણ મોત નિપજ્યું છે.
મળતી વિગતો અનુસાર, કાનપર ગામે રહેતા અને મૂળ પંચમહાલના વતની શંકરભાઈ ધનજીભાઈ રાઠવાની ૨ વર્ષની પુત્રી રિદ્ધિબેન ગત તારીખ ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સાંજના આશરે પાંચ વાગ્યાના સુમારે ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. પુરઝડપે અને લાપરવાહીથી આવી રહેલી સફેદ કલરની ઈકો કાર (નં. જીજે-૦૪-ડીએન-૧૮૧૧) ના ચાલકે બાળકીને અડફેટે લીધી હતી.અકસ્માત બાદ પરિવારજનો દીકરીની લૌકિક ક્રિયા અને સામાજિક વ્યવહાર માટે વતન ગયા હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. ત્યારબાદ પિતા શંકરભાઈ રાઠવાની ફરિયાદના આધારે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ઈકો કારચાલક સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.




