બોટાદમાં જૂની અદાવતમાં ખેડૂત યુવક પર લોખંડના પાઇપ વડે આઠ શખ્સનો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોશિયલ મીડિયાની જૂની ફરિયાદનો ખાર રાખી
આઠ શખ્સના ટોળાએ કરી ઘેરાબંધી કરી, માર્કેટ યાર્ડથી ડીવાયએસપી ઓફિસ સુધી ત્રણ સ્થળે હુમલો, ૧૧૨ પોલીસની ગાડી આવતા હુમલાખોરો ભાગ્યા
ભાવનગર - બોટાદના પાળીયાદ રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા યુવક પર સાતથી આઠ શખ્સોના ટોળાએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
પાળીયાદ રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા બાબુભાઇ કેશુભાઇ પરમાર (ઉ.વ. ૪૨)ના જણાવ્યા અનુસાર, ગઇકાલે સાંજે આશરે ૮ -૩૦ વાગ્યે તેઓ માર્કેટ યાર્ડ ખાતે મિત્ર સાથે બેઠા હતા, ત્યારે અજાણ્યા નંબર પરથી મેસેજ મળ્યો હતો કે કાંતિ અને વિપુલ તમને મારવા નીકળ્યા છે, ત્યાંથી નીકળી જાવ.મેસેજ વાંચી બાબુભાઇ મોટરસાઇકલ લઇને નીકળતા જ કાંતિ ભુપતભાઈ ચૌહાણ અને તેના સાગરીતે ચાલુ બાઇકે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.ત્રણ અલગ-અલગ જગ્યાએ ઘેરાબંધી પ્રાથમિક હુમલા બાદ ફરિયાદી ભાગવાનો પ્રયાસ કરતા માર્કેટ યાર્ડના ગેટ પાસે અન્ય ચાર શખ્સોએ તેમને નીચે પાડી પાઇપ વડે ફટકાર્યા હતા. ત્યાંથી ભાગીને ડીવાયએસપી ઓફિસ પાસે પહોંચતા ત્યાં પણ બાઇક સાથે ઉભેલા બે શખ્સોએ હુમલો ચાલુ રાખ્યો હતો. સદનસીબે તે જ સમયે ૧૧૨ ની પોલીસ પેટ્રોલીંગ ગાડી આવી પહોંચતા તમામ હુમલાખોરો નાસી છૂટયા હતા.આ હુમલા પાછળ છ મહિના પહેલાં સોશિયલ મીડિયામાં થયેલી અભદ્ર ટિપ્પણી અંગે નોંધાવેલી ફરિયાદની જૂની અદાવત જવાબદાર હોવાનું ખૂલ્યું છે. ઇજાગ્રસ્ત બાબુભાઇને ડાબા હાથે, ખભાના ભાગે તથા બંને પગે ગંભીર ઇજાઓ પહોંચતા બોટાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




