Bhavnagar

મહુવા અને તળાજા પંથકના રત્નકલાકારોની હડતાલ મામલે કલેક્ટરને મધ્યસ્થી કરવા માંગ

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના મહુવા-તળાજામાં 5,000થી વધુ રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે. મોંઘવારી વધવા છતાં વેતન સ્થિર રહેતા જીવનનિર્વાહ મુશ્કેલ બન્યો છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કલેક્ટરને 8 માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું. તેઓએ વેતનમાં 30% વધારો, સમયસર પગાર અને સમાન કામ-સમાન વેતનની માંગ કરી છે. પ્રશ્ન ન ઉકેલાય તો હીરાઉદ્યોગ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવા અને તળાજા પંથકના રત્નકલાકારોની હડતાલ મામલે કલેક્ટરને મધ્યસ્થી કરવા માંગ

રત્નકલાકારોની વિવિધ ૮ માંગણીઓ સાથે કલેક્ટરને આવેદન

મોંઘવારી વધી પણ વેતન સ્થિર હોવાથી જીવનનિર્વાહ મુશ્કેલ, ૫ાંચ હજારથી વધારે રત્નકલાકારો હડતાલ પર

ભાવનગર -  ભાવનગરના મહુવા અને તળાજામાં હીરાઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોની હડતાલ મામલે કલેક્ટરને મધ્યસ્થી કરવાની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિય ગુજરાત દ્વારા વિવિધ આઠ માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ભાવનગરના મહુવા અને તળાજા પંથકમાં હીરાઉદ્યોગમાં કામ કરીને મોટી સંખ્યામાં રત્નકલાકારો રોજગારી મેળવી રહ્યાં છે. છેલ્લા ત્રણ વર્ષથી હીરાઉદ્યોગમાં મંદી હોવાથી રત્નકલાકારોના વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ મોંઘવારી સતત વધી રહી હોવાથી રત્નકલાકારોને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડયો છે ત્યારે મહુવા અને તળાજા પંથકના આશરે પાંચ હજારથી વધારે રત્નકલાકારો ભાવ વધારા સહિતની માંગણી સાથે હડતાલ પર ઉતર્યાં છે ત્યારે આજે આ મામલે મધ્યસ્થી કરવાની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિય ગુજરાતે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પેટ્રોલ સહિતની જીવન જરૃરી ચીજવસ્તુઓનો સમયાંતરે ભાવ વધે છે પરંતુ રત્નકલાકારોના કામના ભાવમાં તે પ્રમાણેનો વધારો થતો નથી. હાલમાં હીરાઉદ્યોગમાં સારો સમય હોવા છતાં તેનો લાભ કામદારને મળતો નથી અને એક તરફ વિકાસ થઈ રહ્યો છે ત્યારે કલેક્ટર મધ્યસ્થી કરી આ મામલે ઉકેલ લાવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ સાથે પાસ તથા ફીક્સ પગારમાં ૩૦ ટકાનો વધારો, દર મહિનાની તા.૭ સુધીમાં પગાર ચુકવવામાં આવે, મહિલાઓને સમાન કામ સમાન વેતન આપવામાં આવે અને નવા  શ્રમ કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં આવે તે સહિતની કુલ આઠ માંગણીઓ કરવામાં આવી છે અને જો આગામી દિવસોમાં તેમના પ્રશ્નનો ઉકેલ નહી આવે તો લોકશાહી ઢબે મહુવા-તળાજાના હીરાઉદ્યોગને બંધ રાખવાના એલાનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.