Bhavnagar

ગૌશાળાઓની હડતાલ ઃ ૩૫૦ નિરાધાર અને બીમાર મૂકપશુની સ્થિતિ દયનિય

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં બીમાર ગાયોની સારવાર કરતા ગૌસેવકો સામે પોલીસ ફરિયાદ થતા ગૌશાળાઓએ નવી ગાયો સ્વીકારવાનું બંધ કર્યું છે. પરિણામે, જિલ્લામાં 350થી વધુ નિરાધાર અને બીમાર ગાયોની સ્થિતિ દયનીય બની છે. સરપંચોએ કલેક્ટરને રજૂઆત કરી રોડ પર જ પશુચિકિત્સક ટીમ દ્વારા સારવારની વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૌશાળાઓની હડતાલ ઃ ૩૫૦ નિરાધાર અને બીમાર મૂકપશુની સ્થિતિ દયનિય

ફરિયાદ સામે સ્વબચાવ માટે ગૌશાળાઓ અને ગૌ સેવકોનો નવી ગાયો ન સ્વીકારવા નિર્ણય

પશુચિકિત્સકની ટીમ દ્વારા રોડ પર જ બીમાર ગાયોને સ્થળ પર સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા માંગ

ભાવનગર -  બીમાર ગાયો અને અન્ય પશુઓની સારવારના કારણે થતી પોલીસ ફરિયાદ સામે સ્વબચાવ માટે ગૌશાળાઓ અને ગૌ સેવકો હડતાલ પર ઉતર્યા છે. આ કારણે નવા બીમાર પશુઓને સ્વીકારવાનું બંધ કરાતા ભાવનગર જિલ્લામાં ૩૫૦ નિરાધાર અને બીમાર મૂકપશુની સ્થિતિ દયનિય બની છે.

જિલ્લામાં સર્જાયેલી ગંભીર સમસ્યા અંગે વાવડી, શોભાવડ અને રાજપરા (ઠા.)ના સરપંચોએ કલેક્ટરને લેખિતરમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, જિલ્લામાં નિઃસ્વાર્થ ભાવે બીમાર ગાયોની સેવા કરતી ગૌશાળાઓ અને ગૌ સેવકો પર બીમાર ગાયો તેમજ અન્ય પશુઓની સારવારના કારણે પોલીસ ફરિયાદ થતી હોવાથી ગૌશાળાઓ અને ગૌ સેવકો હડતાલ પર છે. આ કારણે બીમાર કે અકસ્માતનો ભોગ બનેલી ૩૫૦ ગાયોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રસ્તામાં રખડતી બીમાર ગાયોની સમયસર સારવાર થઈ શકતી નથી. તેમને આશ્રય મળતો ન હોવાથી મૂકપશુઓ અસહ્ય પીડા ભોગવી રહ્યા છે. ૧૪ ગૌવંશના મૃત્યુ પણ થયા છે. જેના કારણે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. રસ્તા પર બીમાર પશુઓ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોના જોખમો વધી ગયા છે. આવા સંજોગોમાં સરકાર તરફથી ગૌશાળાના સંચાલકો સાથે સકારાત્મક વાટાઘાટો કરી હડતાલનો સુખદ અંત લવાઈ તેમજ જિલ્લાની પશુચિકિત્સક ટીમ દ્વારા રોડ પર રખડતી બીમાર ગાયોને સ્થળ પર જ સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગણી કરાઈ છે.