ભાવનગરમાં નકલી દારૂ પીવાથી કુલ 4ના મોત: 18 લોકો સારવાર હેઠળ, 4 ICUમાં અને 2 દર્દીઓની હાલત નાજુક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhavnagar Liquor Party Death Case: ભાવનગર જિલ્લામાં બનાવટી દારૂ પીવાથી 4 લોકોના મોતની કલેક્ટરે પુષ્ટિ કરી છે. ઝેરી દારૂના સેવનના લીધે હાલ 18થી વધુ લોકો સિવિલ અને ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર કેસ મામલે 4 બુટલેગરો ડિટેઈન કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન ઘટનાની ગંભીરતાને પગલે કલેકટરે નિવેદન આપ્યું છે.
કલેકટરે શું કહ્યું?
ભાવનગરમાં નકલી દારૂના લીધે થયેલા મોત મામલે જિલ્લા કલેકટરે જણાવ્યું છે કે, 'ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં કાર્તિક મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહીલ, ઘનશ્યામસિંહ, અને નરેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે. જો કે, નરેન્દ્ર યાદવ શંકાસ્પદ છે. હાલ 18 વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. જેમાંથી 2 દર્દીઓની હાલત ગંભીર અને 4 વ્યક્તિ આઇસીયુમાં દાખલ છે. જ્યારે 2 વેન્ટિલેટર પર અને 10 લોકો નોર્મલ સ્થિતિમાં સારવાર લઈ રહ્યાં છે.'
શું હતી સમગ્ર ઘટના?
પોલીસ તપાસ અનુસાર, ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 16 ઑગસ્ટની રાત્રે 7 મિત્રોએ દારૂ પાર્ટી કરી હતી, જે બાદ આ કરૂણાંતિકા ઘટી હતી. મૃતકના ભાઈએ દારૂમાં પોઇઝન હોવાની શક્યતા વ્યક્ત કરી છે. પોલીસે ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરતાં 4 બુટલેગરોને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કલેકટરે લોકોને અપીલ કરી છે કે રવિવાર અને સોમવારે જે લોકોએ આ ડુપ્લીકેટ દારૂનું સેવન કર્યું હોય તેમણે તાત્કાલિક તબીબી તપાસ કરાવવી અત્યંત મહત્ત્વનું છે.
ડુપ્લીકેટ દારૂ મામલે જિલ્લા પોલીસવડાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પીડિત અને હ્યુમન સોર્સના આધારે ડુપ્લીકેટ દારૂ સપ્લાય કરનારા ગૌતમ સોલંકી સહિત ચાર બુટલેગરને ઝડપી લેવાયા છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન તેમણે આ દારૂની સપ્લાય વરતેજ પોલીસ મથક તથા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કરી હતી. જે પૈકી 90 ટકા દારૂ રિકવર કરી લેવાયો છે. બાકીનો જથ્થો જેમને છૂટક વેચ્યો છે તેમને ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે. ડુપ્લીકેટ દારૂ તેઓ ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
ભાવનગર દારૂકાંડ બાદ અમદાવાદ પોલીસ દોડતી થઈ
ભાવનગરમાં ઝેરી દારૂથી થયેલા મોત બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે બુટલેગરો સામે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. મંગળવારે(18 ઑગસ્ટ) રાતથી 800 પોલીસકર્મીઓએ 500થી વધુ ગામો અને સંવેદનશીલ રૂટ પર ચેકિંગ કર્યું હતું. રાતભરમાં દારૂ અંગેના 177 કેસ નોંધી પોલીસે બુટલેગરોમાં ફફડાટ મચાવ્યો છે.









