Bhavnagar

ભાવનગરમાં લઠ્ઠાકાંડની આશંકા: નકલી દારૂથી 4ના મોત, SPની અપીલ- દારૂ પીધો હોય તો હોસ્પિટલ જાઓ

By GS Team
19 Aug 20263 mins read
TukuTouch Logo
ભાવનગરના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ 4 યુવકોની તબિયત લથડી હતી. 35 વર્ષીય ઉપેન્દ્રસિંહ ગોહિલનું નિધન થયું છે, જ્યારે અન્ય 3 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લા પોલીસવડાએ સ્પષ્ટતા કરી કે આ લઠ્ઠાકાંડ નથી, પરંતુ રોયલ સ્ટેગ બ્રાન્ડનો ડુપ્લિકેટ દારૂ પીવાથી આ દુર્ઘટના બની છે. પોલીસે ગુનો નોંધી ડુપ્લિકેટ દારૂના સપ્લાયરની તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં લઠ્ઠાકાંડની આશંકા: નકલી દારૂથી 4ના મોત, SPની અપીલ- દારૂ પીધો હોય તો હોસ્પિટલ જાઓ

Bhavnagar Liquor Party Death : ભાવનગર જિલ્લામાં બનાવટી 'રોયલ સ્ટેગ' દારૂ પીવાથી સર્જાયેલી કરૂણાંતિકા વધુ ઘેરી બની છે. ઝેરી દારૂના સેવનથી વધુ 3 વ્યક્તિઓના મોત નિપજતાં કુલ મૃત્યુઆંક વધીને 4 થયો છે. મૃતકોમાં કાર્તિક અશ્વિનભાઈ મકવાણા (ઉ.વ. 40, રહેવાસી- તળાજા રોડ, ભાવનગર), ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (ઉ.વ. 25, રહેવાસી- ખરકડી, ઘોઘા) અને ઈન્દોર (મધ્યપ્રદેશ) ના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ, હાલ સિવિલ હોસ્પિટલમાં 8 અને વિવિધ ખાનગી હોસ્પિટલોમાં 9 મળીને કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે, જે તમામની સ્થિતિ હાલ નોર્મલ છે.

અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, SMCને તપાસ સોંપાઈ

આ ગંભીર બનાવના પગલે રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ 18 ઓગસ્ટે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા જી. એસ. મલિક, આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, SMC ના એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલીને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

4 બુટલેગરો ડિટેઈન, કલેકટરની નાગરિકોને ખાસ અપીલ

તપાસમાં સામે આવ્યું છે કે ઘોઘાના ખરકડી ગામમાં 16 ઓગસ્ટની રાત્રે 7 મિત્રોએ દારૂ પાર્ટી કરી હતી, જે બાદ આ કરૂણાંતિકા ઘટી હતી. મૃતકના ભાઈએ દારૂમાં પોઈઝન હોવાની શક્યતા વ્યક્ત કરી છે. પોલીસે ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરતા 4 બુટલેગરોને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કલેકટરે લોકોને અપીલ કરી છે કે રવિવાર અને સોમવારે જે લોકોએ આ ડુપ્લીકેટ દારૂનું સેવન કર્યું હોય તેમણે તાત્કાલિક તબીબી તપાસ કરાવવી અત્યંત મહત્ત્વનું છે.

જે લોકોએ દારૂનું સેવન કર્યું હોય તેમને તબીબી તપાસની અપીલ

ડુપ્લિકેટ દારૂ મામલે જિલ્લા પોલીસવડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પીડિત અને હ્યુમન સોર્સના આધારે ડુપ્લિકેટ દારૂ સપ્લાય કરનારા ગૌતમ સોલંકી સહિત ચાર બુટલેગરને ઝડપી લેવાયા છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન તેમણે આ દારૂની સપ્લાય વરતેજ પોલીસ મથક તથા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કરી હતી. જે પૈકી 90 ટકા દારૂ રિકવર કરી લેવાયો છે. બાકીનો જથ્થો જેમને છૂટક વેચ્યો છે તેમને ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે. ડુપ્લિકેટ દારૂ તેઓ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ ચાલી રહી છે. તેમજ જે લોકોએ આવા દારૂનું સેવન કર્યું હોય તેમણે તબિયત સારી હોય તો પણ એકવાર ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવા તેમણે અપીલ કરી છે.

શ્વાસ લેવામાં તકલીફ અને ઊલટી-ઉબકા થતાં ટપોટપ હોસ્પિટલ ખસેડાયા

મળતી માહિતી મુજબ, ખરકડી ગામના વાડી વિસ્તારમાં યોજાયેલી પાર્ટીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ ગોહિલ (ઉં.વ. 24), ઘનશ્યામસિંહ જાડેજા અને અન્ય એક યુવકે ભાગ લીધો હતો. દારૂનું સેવન કર્યા બાદ ઉપેન્દ્રસિંહને અચાનક શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવા લાગી હતી અને ઊલટી-ઉબકા શરૂ થઈ ગયા હતા. તબિયત વધુ બગાડતાં તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું.

3 યુવકો ભાવનગર અને જામનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ

દારૂના સેવન બાદ તબિયત લથડતાં અન્ય ત્રણ મિત્રોને પણ ત્વરિત તબીબી સારવાર અર્થે અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં વિશ્વરાજસિંહ ગોહિલ ભાવનગરની અર્હમ હોસ્પિટલમાં અને ઘનશ્યામસિંહ જાડેજા સદ્ વિચાર હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે અન્ય એક યુવકની હાલત વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે જામનગર ખાતે મોકલવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પરિવરાજનોએ પણ તબીબો સમક્ષ કબૂલાત કરી હતી કે યુવકોએ બે દિવસ પહેલાં દારૂ પીધો હતો.

પોલીસે ગુનો નોંધી ડુપ્લિકેટ દારૂનો સપ્લાય કરનારની તપાસ હાથ ધરી

પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને મૃતકના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યું છે. પીએમ રિપોર્ટ બાદ મોાતનું સાચું કારણ વધુ સ્પષ્ટ થશે. સમગ્ર ઘટના અંગે ભાવનગર જિલ્લા પોલીસવડાએ સ્પષ્ટ કર્યું છે કે બનાવ ડુપ્લિકેટ દારૂના સેવનથી બન્યો છે. આથી આ બનાવટી દારૂ ક્યાંથી આવ્યો અને કોણે સપ્લાય કર્યો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..