ભાવનગરમાં ૫૩૦૦ આસામી પાસે વાહન કર પેટે ૮૫ કરોડ બાકી ઃ આરટીઓ તંત્ર કડક બન્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સાત દિવસમાં બાકી વેરો નહીં ભરાય તો કાર્યવાહી કડક કરાશે
૫૧૦૦ વાહનોને બ્લેક લીસ્ટ કર્યાં, પ્રારંભીક તબક્કે ૫૦૦ બાકીદારોને બોજો નાખવા મહેસુલી નોટિસ પાઠવાઇ, કાર્યવાહી શરૃ
ભાવનગર - ભાવનગર આરટીઓ કચેરી દ્વારા ૫૪૪૫ મોટા વાહન ધારકો પાસે ૮૫ કરોડ જેટલો બાકી વેરો વસુલવા નોટિસો અપાઇ હતી અને ૫૩૦૦ વાહનોને બ્લેક લીસ્ટમાં પણ નાખી દેવાયા છે. છતાં વેરો ભરપાઇ નહીં કરનારા સામે હવે સ્થાવર-જંગમ મિલ્કત પર બોજો નાખવાના ચક્રો ગતિમાન થયા છે અને હાલ ૫૦૦ મહેસુલ નોટિસ પાઠવાઇ છે. જ્યારે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે.
મોટર વાહન વેરાની નિયમિત અને સમયસર ભરપાઈ સુનિશ્ચિત કરવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા અગાઉ ૫૪૪૫ નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં વાહન માલિકો તરફથી લાંબા સમયથી બાકી રહેલો મોટર વાહન વેરો હજુ સુધી ભરપાઈ કરવામાં આવ્યો નથી. જેનો આંકડો ૮૫ કરોડને આંબવા જાય છે. સરકારના બાકી લેણાંની વસૂલાતની વહીવટી પ્રક્રિયાના ભાગરૃપે આવા તમામ વાહન માલિકોને અપીલ કરવામાં આવે છે કે, સાત દિવસની અંદર ટેક્સ, દંડ તથા વ્યાજ સહિતની સંપૂર્ણ બાકી રકમ સ્વૈચ્છિક રીતે ભરપાઈ કરી આપે. અગાઉ જો નિયત સમયમર્યાદામાં બાકી રકમની ભરપાઈ નહીં કરનાર ૫૩૦૦ સંબંધિત વાહનને વાહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે. જેના વાહન ટ્રાન્સફર, ફિટનેસ, પરમિટ, એન.ઓ.સી., હાઇપોથેકેશન સહિતની તમામ ઓનલાઈન સેવાઓ સ્થગિત થયેલ છે. આ કાર્યવાહી બાદ પણ કર નહીં ભરનારામાંથી ૫૦૦ જેટલા આસામીને મહેસુલ નોટિસ પાઠવાઇ છે અને કાર્યવાહી શરૃ છે જેમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ની જોગવાઈઓ અનુસાર સરકારી લેણાંની વસૂલાત માટે બાકીદાર વાહન માલિકોની સ્થાવર મિલકત (જમીન, મકાન, દુકાન વગેરે)ના સરકારી દસ્તાવેજો (૭/૧૨, ૮-અ અથવા પ્રોપર્ટી કાર્ડ) પર 'સરકારી બોજો' નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જરૃરી જણાય તો બાકીદાર વાહન માલિકોના વાહન તથા અન્ય જંગમ મિલકતો ટાંચમાં (જપ્ત) લઈ જાહેર હરાજી દ્વારા વસૂલાત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી શકશે.









