ભાવનગર લઠ્ઠાકાંડના માસ્ટર માઈન્ડ 'રઈસ' સહિત ૧૪ શખ્સ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વરતેજમાં બનેલા નકલી દારૃની તપાસ મધ્યપ્રદેશ, દિલ્લી સુધી લંબાઈ
લઠ્ઠાકાંડના કેસમાં પુરાવાના નાશ કરવાની કલમનો ઉમેરો કરવામાં આવશે ઃ ૧૩ આરોપીઓના દસ દિવસના રીમાન્ડ મંજુર
ભાવનગર - ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. વરતેજ પોલીસ મથકમાં ૨૧ શખ્સ સામે નોંધાયેલી ફરિયાદ પૈકી માસ્ટર માઈન્ડ રઈસ સહિત ૧૪ શખ્સને ઝડપી લઈ તેમના રિમાન્ડની તજવીજ ચાલી રહી છે. ભાવનગરમાં બનેલા નકલી દારૃની તપાસ મધ્યપ્રદેશ અને દિલ્લી સુધી લંબાઈ છે. બીજી તરફ આ કેસમાં સંડોવાયેલા આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાથી કેસમાં પુરાવાનો નાશ કરવાની કલમ પણ ઉમેરવામાં આવશે તેમ સ્ટેટ મોનિટરિંગ સેલના એસપીએ જાણકારી આપી છે.
ભાવનગરમાં રોયલ સ્ટેગ બ્રાંડનો નકલી દારૃ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડે ભાવનગર પોલીસની નિષ્ફળતા ઉજાગર કરી છે. વરતેજ પોલીસ મથકમાં આ મામલે ૨૧ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ઉપરાંત રાજ્યના પોલીસવડાંએ આ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપતા એસએમસીની ટીમો ભાવનગરમાં તપાસ કરી રહી છે. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપીએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, ભાવનગરમાં નકલી વિદેશી દારૃ બનાવનાર અને તેની સપ્લાઈ ચેઈનમાં રહેલા કુલ ૧૪ શખ્સને પોલીસે ઝડપી લીધાં છે. જેમાં લઠ્ઠાકાંડના માસ્ટર માઈન્ડ રઈસને સ્ટેટ મોનિટરિંગ સેલે ગતમોડી રાત્રે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ડીટેઈન કરી ભાવનગર લાવવામાં આવ્યો છે. નકલી દારૃ બનાવવવા માટેનું રો-મટિરિયલ મધ્યપ્રદેશ અને દિલ્લીથી આવ્યું હોવાથી અમારી ટીમોએ ત્યાં પણ તપાસ હાથ ધરી છે. રઈસ છેલ્લા દોઢ-બે મહિનાથી ભાવનગર અને ગુજરાતના અન્ય સ્થળોએ સક્રિય હોવાનું અને નકલી દારૃ બનાવવાના રો-મટિરિયલથી ભાવનગરના વરતેજમાં ગૌતમ સોલંકીના ઘરે દારૃ બનાવ્યો હતો. દારૃ બનાવનાર તથા તેની સપ્લાઈ ચેઈનમાં જોડાયેલા ૧૪ શખ્સના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તપાસમાં સામે આવ્યુ છે કે, કેટલાંક આરોપીઓ અને તેના સગાસંબંધીઓએ પુરાવા સળગાવી દઈ નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાથી આ કેસમાં પુરાવાના નાશ કરવાની કલમનો ઉમેરો કરવામાં આવશે. રઈસે ગુજરાતમાં કેટલા સ્થળોએ દારૃ બનાવી સપ્લાઈ કર્યો હતો તથા મોટી માત્રામાં મેથાઈલ આલ્કોહોલ આ લોકોએ ક્યાંથી મેળવ્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે. તેમજ તેમણે જણાવ્યું કે, છેલ્લા બે દિવસ દરમિયાન તેમની ટીમે સપ્લાય થયેલો નકલી વિદેશી દારૃ, બોટલો, ઢાંકણા, સ્ટીકર, રોલ, પેકિંગ કરવાની મશીનરી તથા લૂઝ નકલી દારૃ સહિતનો મોટાભાગનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે અને હજુ પણ જુદી-જુદી ટીમો દ્વારા તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ મામલે માસ્ટર માઈન્ડ રઈસ સિવાયના અન્ય ત્રણ આરોપીઓના ૧૪ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ ૧૩ આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ગૌતમ અને રઈસનો મધ્યપ્રદેશમાં સંપર્ક થયો, ઘરને જ બનાવી ફેક્ટરી
લઠ્ઠાકાંડના માસ્ટર માઈન્ડ રઈસ અને ગૌતમ સોલંકી વચ્ચે મધ્યપ્રદેશમાં મુલાકાત થઈ હતી. રઈસ દારૃ બનાવવાનું જાણતો હતો. જેથી બન્નેએ નકલી દારૃ બનાવી વેચવાનું નક્કી કર્યું. રઈસ, ગૌતમ અને સારસે મળી વરતેજ ખાતે ગૌતમના ઘરે જ નકલી વિદેશી દારૃ બનાવવાનું શરૃ કર્યું. આમ, ગૌતમના ઘરને જ આ લોકોએ પ્રોડક્શન યુનિટ બનાવી દીધું હતું.
...તો શિક્ષકનો જીવ બચી ગયો હોત
વિદ્યાનગરમાં રહેતા રાજપરા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેષભાઈ દિલિપભાઈ પરમાર નામના શિક્ષકનો તેના ફ્લેટમાંથી ગત મોડી રાત્રે મૃતદેહ મળી આવ્યો હતો. તેમણે દારૃનું સેવન કર્યું હતું અને તેમના ફ્લેટમાંથી અડધી ભરેલી દારૃની બોટલ પણ મળી આવી હતી. વહીવટી તંત્ર દારૃની સપ્લાઈ ચેઈનની કડીઓ મેળવી રહી હતી પરંતુ તેમના સુધી પહોંચે તે પહેલાં જ શિક્ષકનું મોત થયું હતું.
લઠ્ઠો બનાવનારા નરેન્દ્ર ઉર્ફે ડોક્ટરનું મોત ભાવનગરમાં, પીએમ મધ્યપ્રદેશમાં થયું
નકલી દારૃ બનાવવા માટે નરેન્દ્ર ઉર્ફે ડોક્ટરને મધ્યપ્રદેશથી ભાવનગર બોલાવાયો હતો. જેનું દારૃ પીવાથી મોત નિપજ્યા બાદ તેના મૃતદેહનું પીએ કરાવ્યા વિના જ તેના પરિવારજનો મધ્યપ્રદેશ લઈ ગયા હતા. જે વાત પોલીસના ધ્યાને આવતા મધ્યપ્રદેશમાં તેનું પીએમ કરાવ્યું હોવાનું તથા આ મામલે બેદરકારી દાખવનારા પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
લઠ્ઠાકાંડમાં ૭ના મોત, ૮ લોકો સારવાર હેઠળ, ૭ ડિસ્ચાર્જ
ભાવનગર લઠ્ઠાકાંડના અસરગ્રસ્ત દર્દીઓ સર ટી.હોસ્પિટલ અને શહેરની જુદી-જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે. ગત મોડી રાત્રે જય ભટ્ટી નામના યુવકનું મોત નિપજતા અત્યાર સુધીમાં કુલ મૃતકઆંક સાત થયો છે. તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાત દર્દીને રજા આપવામાં આવી છે. તેમજ ત્રણ નવા દર્દીઓ જયદીપ પરમાર, ભાવિન વિંધાણી અને અવિનાશ પરમારને સારવાર માટે સર ટી.હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.
એલસીબી તથા વરતેજ પીઆઈ અને મહિલા પોલીસકર્મી સસ્પેન્ડ
એક તરફ લઠ્ઠાકાંડની તપાસ ચાલી રહી છે બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. ગતરોજ વરતેજ પોલીસ મથકના ચાર પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યાં બાદ આજે એલસીપી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને, વરતેજ પીઆઈ એસ.બી.પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી માટે નિલમબાગ પોલીસ મથકા મહિલા પોલીસકર્મી ઉષાબેન ભીમાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.









