રક્ષાબંધનનો તહેવાર હોઇ પિયરમાં આવેલી મહિલાની ૬ વર્ષની દીકરીનું અકસ્માતમાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માણેજા વનરાજ કોમ્પલેક્સ પાસે રોડ પાસે ઊભેલા માતા અને બે દીકરીઓને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. જે પૈકી ૬ વર્ષની દીકરીનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી બાઇક ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.
શહેર નજીકના દુમાડ ગામે મોટા ફળિયામાં રહેતા જીગરકુમાર ખુશાલભાઇ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રક્ષાબંધનનો તહેવાર હોઇ તેમના પત્ની જૈમીનાબેન, મોટી દીકરી ધ્વનિ (ઉં.વ.૬) તથા નાની દીકરી મિસ્ટી (ઉં.વ.૨) ગઇકાલે પિયર માણેજા ખાતે આવ્યા હતા. જૈમીનાબેનના દાદા રસિકભાઇ પટેલ વનરાજ કોમ્પલેક્સ માણેજા ખાતે રહે છે. ત્યાંથી જમીને જૈમીનાબેન તેમની બે દીકરીઓને લઇને ઘરની બહાર નીકળ્યા હતા.રોડની સાઇડ પર તેઓ ઊભા હતા. તે દરમિયાન પૂરઝડપે આવેલા બાઇકચાલક યુવકે ત્રણેયને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. જૈમીનાબેનને ડાબા હાથે, પગે તથા શરીરના અન્ય ભાગે ઇજાઓ થઇ હતી. ૬ વર્ષની ધ્વનિને માથા તથા ગળા પર તથા ૨ વર્ષની મિસ્ટીને પણ ઇજા થઇ હતી.
ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધ્વનિની હાલત વધુ નાજુક હોઇ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. રાત્રે ૧૧ વાગ્યે તેનું મોત થયું હતું. પી.એસ.આઇ. પ્રકાશ ભેડાએ બાઇક ચાલક મોહિત જીતેન્દ્રભાઇ પટેલ (રહે. લાલજી મંદિર પાછળ, મકરપુરા ગામ) ની સામે ગુનો દાખલ કર્યો છે. ૧૯ વર્ષનો મોહિત ફાર્મસીના થર્ડ યરમાં અભ્યાસ કરે છે, તેને પણ અકસ્માતમાં ઇજા થઇ છે.




