Baroda

રસોઇ કરવા આવતી મહિલાએ ૨.૮૯૦ કિલો ચાંદીના વાસણો ચોરી કર્યા

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ખાનપુરમાંથી 3.80 લાખની કિંમતના 2 કિલો 809 ગ્રામ ચાંદીના વાસણો ચોરાયા હતા. રસોઈ બનાવવા આવતી સમીયાલાની અરુણા વાડકરે 22 ચાંદીના વાસણો ચોરી માંડવીના જવેલર્સને વેચી દીધા હતા. સીસીટીવી ફૂટેજથી ચોરી પકડાઈ હતી. પોલીસે અરુણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રસોઇ કરવા આવતી મહિલાએ ૨.૮૯૦ કિલો ચાંદીના વાસણો ચોરી કર્યા

વડોદરા શહેર નજીક ખાનપુરના એક મકાનમાં રસોઇ માટે આવતી સમીયાલાની મહિલાએ ઘરમાંથી ૨ કિલો ૮૦૯ ગ્રામ ચાંદીના વાસણો ઉઠાવી ગયા બાદ માંડવી પાસે એક જવેલર્સને વેચી દીધા હતાં.
સેવાસીરોડ પર ખાનપુરમાં સ્પેન્સર એક્ષ ખાતે રહેતા કાનનબેન પ્રણવભાઇ પટેલે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમારા ઘેર અરુણા અશોકભાઇ વાડકર (રહે.સમીયાલા) છેલ્લા દોઢ વર્ષથી સવારે અને સાંજે રસોઇ બનાવવા આવતી હતી. તા.૨૧ મેના રોજ મારા પિયર પક્ષના મહેમાન આવવાના હોવાથી મારા પતિએ ઘરમાં કામ કરતા કૈલાસબેન રાજને પાણી પીવા માટે ચાંદીના ગ્લાસ કાઢવા કહ્યું હતું.
થોડા સમય બાદ કૈલાસબેને જણાવેલ કે ચાંદીના વાસણોના સેટમાં કેટલાંક વાસણો ઓછા છે જેથી ઘરમાં મૂકેલા સીસીટીવી કેમેરા ચેક કરતા રસોઇ માટે આવતા અરુણા છુપાઇને ચાંદીના વાસણો લઇ જતી જણાઇ હતી. અરુણા પોતે પહેરેલા કપડાંમાં વાસણો છુપાવીને લઇ જતા હતાં અને તેણે નાના-મોટા થઇ કુલ ૨૨ નંગ વાસણોની ચોરી કરી હતી જેમાં ચાંદીની ડીસ, વાટકી, ચમચી, સૂપ બાઉલ, જ્યૂસ ગ્લાસ, ટ્રેનો સમાવેશ થાય છે.
કુલ ૨ કિલો ૮૦૯ ગ્રામ વજનના ૩.૮૦ લાખ કિંમતના ચાંદીના વાસણોની ચોરી થઇ હતી. અને આ વાસણો મને મારા લગ્નમાં માતા-પિતાએ ગિફ્ટ આપ્યા હતાં. આ ઘટના બાદ મેં પોલીસને જાણ કરતા પોલીસ ઘેર આવી હતી અને અરુણાની પૂછપરછ કરતા તેણે વાસણોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તેમજ માંડવી ખાતે ઇમરાન સોનીને વાસણો વેચ્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં અમે સોનીની દુકાને જઇ પૂછપરછ કરતા સોનીએ ચાંદીના વાસણો ઓગાળી નાંખ્યા હોવાનું જણાવ્યું હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.