Baroda

ચોમાસાની નબળી શરૂઆત: આજવાની સપાટી 207.85 ફૂટે, નર્મદાનું પાણી ફરી લેવું પડશે

By GS Team
16 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લામાં નબળા ચોમાસાને કારણે વરસાદની ભારે ખેંચ વર્તાઈ રહી છે. અત્યાર સુધી માત્ર 7-8 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતો અને નાગરિકો ચિંતિત છે. આજવા સરોવર પણ માત્ર 207.85 ફૂટ ભરાયું છે, જે શહેરને 20 દિવસ પાણી પૂરું પાડી શકે. જો સારો વરસાદ નહીં થાય તો ફરી નર્મદામાંથી પાણી ખરીદવું પડશે, જેથી લોકો વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસાની નબળી શરૂઆત: આજવાની સપાટી 207.85 ફૂટે, નર્મદાનું પાણી ફરી લેવું પડશે

Vadodra: વડોદરા જિલ્લામાં ચોમાસું નબળું રહેતાં વરસાદની ભારે ખેંચ વર્તાઈ રહી છે. ચોમાસાની સિઝન આગળ વધી રહી હોવા છતાં જિલ્લામાં અત્યાર સુધી માત્ર અંદાજે 7થી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અપેક્ષા કરતાં ઓછા વરસાદના કારણે ખેડૂતોની સાથે શહેરવાસીઓમાં પણ ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જિલ્લામાં હજુ પણ ગરમી અને ઉકળાટ યથાવત છે. છેલ્લા કેટલાક દિવસોથી માત્ર છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે, પરંતુ સારો અને સતત વરસાદ નોંધાતો નથી. તેના કારણે જિલ્લાના મોટા ભાગના જળાશયો હજુ પણ ખાલીખમ જેવી સ્થિતિમાં છે.

વડોદરા શહેર માટે જીવનદોરી સમાન આજવા સરોવર પણ પૂરતા પ્રમાણમાં ભરાઈ શક્યું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવતાં આજવા સરોવરની જળસપાટી માંડ 207.85 ફૂટ સુધી પહોંચી છે. આ જથ્થો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને અંદાજે 20 દિવસ સુધી પાણી પૂરું પાડી શકે તેટલો હોવાનું જાણવા મળે છે.

જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો શહેરની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે ફરી એકવાર નર્મદા કેનાલમાંથી પાણી ખરીદવાની ફરજ પડી શકે છે. આ સ્થિતિને પગલે શહેર અને જિલ્લાના લોકો સારા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો પાણીની સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા છે.