Baroda

દરરોજ ૩.૦૮ લાખ કિલો શાકભાજી આરોગી જતા વડોદરાવાસીઓ ! બટાકા, ડુંગળી, ટામેટાનો વધુ ઉપયોગ

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાના લોકો દરરોજ 3.08 લાખ કિલો શાકભાજી આરોગે છે, જે સયાજીપુરા APMC યાર્ડમાં નોંધાયેલી આવક દર્શાવે છે. વડોદરામાં 78 પ્રકારના શાકભાજી ઉપલબ્ધ છે, જેમાં દેશી બટાકાથી બ્રોકલીનો સમાવેશ થાય છે. છેલ્લા એક વર્ષમાં કુલ 37.54 લાખ ક્વિન્ટલ શાકભાજીની આવક નોંધાઈ છે, જેમાં 11.26 લાખ ક્વિન્ટલ વડોદરામાં જ વપરાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દરરોજ ૩.૦૮ લાખ કિલો શાકભાજી આરોગી જતા વડોદરાવાસીઓ ! બટાકા, ડુંગળી, ટામેટાનો વધુ ઉપયોગ

આજે જમવામાં કયું શાક બનાવવું ? આ જ સવાલથી રોજ ગૃહિણીઓના દિવસની શરૃઆત થાય છે. સાવ સામાન્ય લાગતો આ પ્રશ્ન નોંધપાત્ર બાબત તરફ દોરી જાય છે. એક વ્યક્તિ રોજ માંડ ૧૦૦ થી ૧૫૦ ગ્રામ શાકભાજી ખાય છે ત્યારે ૨૪ લાખ જેટલા વડોદરાવાસીઓ દરરોજ કેટલી શાકભાજી આરોગી જતા હશે? આ વાતનો જવાબ અચરજ પમાડે તેવો છે.

તાલુકાના મુખ્ય મથક સયાજીપુરા એપીએમસી યાર્ડમાં નોંધાયેલી આવક પ્રમાણે રોજ ૩૦૮ ટન એટલે કે ૩.૦૮ લાખ કિલો શાકભાજી વાડીમાંથી સ્વાદપ્રિય વડોદરાવાસીઓની થાળીમાં પહોંચે છે, જ્યારે દર વર્ષે શહેરીજનો ૧૧.૨૬ લાખ ક્વિન્ટલ શાકભાજી આરોગી જાય છે.

કોઈ શાકભાજી ના નામ પૂછે ત્યારે ડુંગળી, બટાકા, ટામેટા, રીંગણા, ભીંડા, મરચા વગેરે દસ- પંદર શાકભાજીના નામ જ યાદ આવે છે, જ્યારે વડોદરાની બજારોમાં રોજ દેશી બટાકાથી લઈને વિદેશી વાનગીઓમાં વપરાતી બ્રોકલી  સહિત ૭૮  પ્રકારના શાકભાજી ઠલવાઈ રહ્યા છે. ક્યારેક તો એક જ શાકભાજીના ત્રણ થી ચાર જુદા જુદા પ્રકાર જોવા મળે છે.

સત્તાવાર આંકડા મુજબ માર્કેટયાર્ડમાં છેલ્લા એક વર્ષમાં ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી ૩૭.૫૪ લાખ ક્વિન્ટલ શાકભાજીની આવક નોંધાઈ છે.  જાણકારોના મતે કુલ આવકમાંથી  ૩૫ ટકા શાકભાજી વડોદરાની બહાર આસપાસના ગામોમાં તેમજ ૩૫ ટકા અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. જ્યારે ૩૦ ટકા એટલે કે આશરે ૧૧.૨૬ લાખ ક્વિન્ટલ શાકભાજી વડોદરામાં જ વપરાઈ જાય છે. માત્ર ઘરોમાં જ નહીં શહેરમાં પણ ધમધમતા ખાણીપીણી બજારમાં પણ રોજ મોટી સંખ્યામાં શાકભાજીનો વપરાશ થાય છે. વર્ષ ૨૦૨૪ -'૨૫ કરતા વર્ષ ૨૦૨૫-'૨૬ માં શાકભાજીની આવક ૧.૫૨ લાખ ક્વિન્ટલ વધારે થઈ હોવા છતાં વાર તહેવારે તેમજ બદલાતા વાતાવરણના કારણે ભાવમાં પણ વારંવાર વધારો ઘટાડો જોવા મળે છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ ,મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતના રાજ્યોમાંથી શાકભાજીની આવક - જાવક રહે છે

શિયાળાની તુમાં ભરૃચ, છોટાઉદેપુર, જેતપુર પાવી, ગોધરા, પાટણ, બોરસદ, આંકલાવ, આણંદ સહિતના તાલુકા અને જિલ્લાઓમાંથી શાકભાજીની આવક થાય છે, જ્યારે ઉનાળાની તુમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક સહિતના રાજ્યોમાંથી વડોદરામાં શાકભાજીની આવક થાય છે. આદુની આવક  મુખ્યત્વે કર્ણાટક અને બેંગલોરથી થાય છે. આ ઉપરાંત વડોદરાની આસપાસના તાલુકા અને જિલ્લા ઉપરાંત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના  રાજ્યોમાં પણ શાકભાજી મોકલવામાં આવે છે.

એક વર્ષમાં શાકભાજીની આવક

શાકભાજી - આવક (ક્વિન્ટલમાં)

બટાકા- ૫.૬૩ લાખ

ડુંગળી- ૬.૦૬ લાખ

સુરણ- ૨ હજાર

ટામેટા- ૩.૦૫ લાખ

શક્કરિયા- ૧૨ હજાર

અન્ય શાક અને વિવિધ ભાજી -૨૨.૬૪ લાખ

આ વર્ષે બટાકા-ટામેટાની આવક ઘટી, ડુંગળી અને ભાજીપાલવની આવકમાં વધારો

વર્ષ ૨૦૨૪- '૨૫ ની સરખામણીએ વર્ષ ૨૦૨૫ -'૨૬ માં૧૬ હજાર ક્વિન્ટલ બટાકા તથા ૩૭ હજાર ક્વિન્ટલ ટામેટાની આવક ઘટી  છે, જ્યારે ૮૪ હજાર ક્વિન્ટલ ડુંગળી તથા ૧.૨૩ લાખ ક્વિન્ટલ અન્ય શાક તથા વિવિધ ભાજીની આવકમાં વધારો થયો છે. આમ, ગત વર્ષે ૩૬.૦૧ લાખ ક્વિન્ટલ શાકભાજીની આવક સામે આ વર્ષે ૩૭.૫૪ લાખ ક્વિન્ટલ આવક થતા ૧.૫૨ લાખ ક્વિન્ટલનો વધારો નોંધાયો છે.