ગોલ્ડ સ્કીમમાં મહિને 5 ટકા સુધી વળતર મળશે..તેમ કહી વડોદરાના ઇન્વેસ્ટર સાથે 1.70કરોડની ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના એક ઇન્વેસ્ટરને ગોલ્ડ સ્કીમમાં ઊંચુ વળતર અપાવવાની લોભામણી વાતોમાં ફસાવી રૃ.૧.૭૦ કરોડનો ચૂનો ચોપડનાર ફીનો પેમેન્ટ બેન્કના સંચાલક, અધિકારીઓ અને કર્મચારીઓ સામે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
સુભાનપુરાની પરિશ્રમ સોસાયટીમાં રહેતા અને દશરથ ખાતે ઓટો ડ્રાઇવ એલએલપી નામની કંપની તેમજ અમદાવાદમાં ઇ સુઝુકી ફોરવ્હીલરનો શો રૃમ ધરાવતા કુરેન મનીષકુમાર અમીને પોલીસને કહ્યું છે કે,જાન્યુઆરી-૨૦૨૨માં મારા ઇવેન્ટ કોન્ટ્રાક્ટર અભિનક રાવતે મને વડોદરાના સમા-સાવલી રોડ પર ફિનિક્સ કોમ્પ્લેક્સમાં આવેલી ફીનો પેમેન્ટ બેન્કમાં રોકાણ કરવાથી સારું વળતર મળે છે તેવી વાત કરતાં બેન્કના સેલ્સ હેડ કલ્પિત અશોક સોની(ઉમા કોલોની, વાઘોડિયારોડ),કર્મચારી સુરેન્દ્ર કિશોર લાલ શર્મા(નાંગલબોરા,અલવર,રાજસ્થાન),બીલાલ
શાહી એહમદ સૈયદ(અમદાવાદ),એકાઉન્ટન્ટ કુંજલસિંહ વિક્રમસિંહ સોલંકી(કોસંબા, વલસાડ)ની સાથે સંપર્ક થયો હતો.
ત્યારબાદ બેન્કની મુલાકાત લેતાં તેના પેપર્સ અને પેંમ્ફલેટ જોઇને વિશ્વાસ બેસતાં કુલ રૃ.૩.૩૦ કરોડનું રોકાણ કર્યું હતું. આરોપીઓએ કહ્યું હતું કે તેમની બેન્કને ગોલ્ડ લોન નહિ ભરનારાઓનું સોનું છોડાવનારાઓ પાસે ૨થી ૩ ટકા કમિશન મળે છે અને અમારે ત્યાં રોકાણ કરનારાઓને મહિને પાંચ ટકા સુધીનું વળતર મળે છે.
ઇન્વેસ્ટરે કહ્યું છે કે,મોટી રકમ રોકી હોવા છતાં મને વળતર મળતું નહતું અને વારંવાર માગણી કર્યા બાદ રૃ.૧.૬૦ કરોડ પરત મળ્યા હતા.પરંતુ હજી રૃ.૧.૭૦ કરોડ મળ્યા નથી.તપાસ કરતાં બેન્કના કર્મચારીઓ સામે અગાઉ પણ ફરિયાદ થઇ હોવાની માહિતી મળી છે.પોલીસે ઉપરોક્ત કર્મચારીઓ ઉપરાંત કંપની સેક્રેટરી બશ્વરાજ લોની,સિનિયર ડિવિઝનલ હેડ હિમાંશુ મિશ્રા અને અન્ય કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો છે.









