વડોદરા: માતા પિતાનું સ્વપ્ન સાકાર કર્યું, વીજ કરંટ લાગવાથી બે હાથ ગુમાવ્યા છતાં પહેલા પ્રયત્ને જીપીએસસીની પરીક્ષા પાસ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વીજ કરંટ લાગવાથી બે હાથ ગુમાવ્યા હોવા છતાં દ્રઢ સંકલ્પ અને મક્કમ મનોબળના સહારે હાલોલની સ્નેહા રાઠવા એ જીપીએસસી દ્વારા લેવાતી ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષામાં 14મો ક્રમ મેળવીને ઇતિહાસ સર્જ્યો છે.
સ્નેહાએ વડોદરામાં આરએસએસ ના ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક કોચિંગ આપતા સંકલ્પ ગુરુકુલમ માંથી તાલીમ લીધી હતી.
તેણે એક વાતચીતમાં કહ્યું હતું કે હું હાલોલ ની રહેવાસી છું. મારા પિતા પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક છે. હું ધોરણ બે માં હતી ત્યારે પતંગ ચગાવતી વખતે વીજ કરંટ લાગ્યો હતો.જેના કારણે મારા બે હાથ કાપી નાખવા પડ્યા હતા.
મારા અને મારા પરિવાર માટે આ સમય ઘણો કપરો હતો. આમ છતાં મારા માતા પિતાએ મને હિંમત આપી હતી.તેમણે મને હાથ વગર લખતા શીખવાડ્યું હતું. મેં ધોરણ આઠ સુધીનો અભ્યાસ હાલોલમાં કર્યો હતો.
સ્નેહાએ આગળ કહ્યું હતું કે સુરતમાં દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં હું ધોરણ 8 થી 12 સુધી ભણી હતી. ધોરણ 12 માં મને 91 ટકા માર્કસ મળ્યા હતા.ત્યાર બાદ મેં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન લીધું હતું અને ત્યાં અભ્યાસ કરતી વખતે સંકલ્પ ગુરુકુલમ અંગે મને જાણકારી મળી હતી. એ પછી મેં પ્રવેશ પરીક્ષા આપીને સરકારી નોકરી કરવાનો નિર્ધાર કર્યો હતો. સંકલ્પ ગુરુકુલમમાં મેં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. જ્યાં રેગ્યુલર મોક ટેસ્ટ થી માંડીને જવાબો લખવાની તાલીમ તથા લાઇબ્રેરી સહિત ની સુવિધાઓ મળી હતી. બીકોમ માં પણ મેં 81 ટકા માર્કસ સાથે ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
સ્નેહા નું કહેવું છે કે મારા માતા પિતાએ મને કહ્યું હતું કે તારે સરકારી અધિકારી બનવાનું જ છે તેમની તથા મને દરેક સ્ટેજ પર મદદ કરનારા લોકોની પ્રેરણા ના કારણે પહેલા પ્રયત્નમાં મેં ડેપ્યુટી સેક્શન ઓફિસર ની પરીક્ષા પાસ કરી છે.
તેણે બીજા દિવ્યાંગોને સંદેશો આપતા કહ્યું હતું કે તમારું જો કોઈ સ્વપ્ન હોય તો તેને પૂરું કરવા માટે તમારી ક્ષમતા પર ફોકસ કરો. હિંમતના ગુમાવો અને અધવચ્ચેથી સંઘર્ષ છોડી ના દો તો તમને સફળતા ચોક્કસ મળશે.









