Baroda

વડોદરા: હાઇવે પર રિફ્લેક્ટર વિના ટ્રક પાર્ક કરનારા ચાલકો માટે કોર્ટનો લાલબત્તી સમાન ચુકાદો, રૂ. 67.59 લાખ વળતર ચૂકવવા આદેશ

By GS Team
1 Jul 20263 mins read
TukuTouch Logo
વડોદરામાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રકથી થયેલા જીવલેણ અકસ્માતમાં કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. 2018માં વડોદરા-કરજણ હાઇવે પર રિફ્લેક્ટર વિના ઉભેલા ટ્રક પાછળ કાર અથડાતા ડોક્ટરનું મોત થયું હતું. કોર્ટે ટ્રક ચાલકને 40% જવાબદાર ઠેરવી મૃતકના પરિવારને 67.59 લાખ વળતર 9% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ચૂકાદો હાઇવે પર બેદરકારીથી પાર્કિંગ કરનારાઓ માટે ચેતવણીરૂપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: હાઇવે પર રિફ્લેક્ટર વિના ટ્રક પાર્ક કરનારા ચાલકો માટે કોર્ટનો લાલબત્તી સમાન ચુકાદો, રૂ. 67.59 લાખ વળતર ચૂકવવા આદેશ

હાઇવે પર રાત્રિના સમયે પાર્કિંગ લાઇટ કે રિફ્લેક્ટર રાખ્યા વિના રોડ પર ટ્રક પાર્ક કરી દેતા ચાલકો માટે વડોદરાની કોર્ટે એક ચેતવણીરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે એક જીવલેણ અકસ્માત માટે ટ્રક ચાલકને 40 ટકા કસૂરવાર ઠેરવી મૃતક તબીબના પરિવારને 9 ટકા વ્યાજ સાથે રૂ. 67.59 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

શું છે સમગ્ર મામલો?

20 ફેબ્રુઆરી 2018ના રોજ રાત્રે સાડા બાર વાગ્યે વડોદરા-કરજણ હાઇવે પર 'આઇ માતા હોટેલ' નજીક નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ લાઇટ કે રિફ્લેક્ટર વિના એક ટ્રક ઊભો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલી ડૉ. મનિષકુમાર પટેલની ક્રેટા કાર આ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં તબીબને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આથી મૃતક તબીબના પત્ની, બાળકો અને માતા-પિતાએ ટ્રક ચાલક, ટ્રક માલિક અને વીમા કંપની સામે રૂ. 2.50 કરોડના વળતરની માંગણી કરી હતી.

અદાલતમાં બંને પક્ષની દલીલો
સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે રજૂઆત કરી હતી કે, મૃતક માત્ર 32 વર્ષના હતા અને ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરીને માસિક રૂ. 2.50 લાખ કમાતા હતા. તેમની આવકના પુરાવા તરીકે અલગ-અલગ વર્ષના આઇટી રિટર્ન (IT Returns) રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મૃતક પર પત્ની, બે સગીર બાળકો અને માતા-પિતા મળી કુલ પાંચ આશ્રિતો હોવાની રજૂઆત કરાઈ હતી. બીજી તરફ, બચાવ પક્ષે વીમા કંપનીએ દલીલ કરી હતી કે અકસ્માત માટે મૃતક પોતે જ જવાબદાર છે. શરૂઆતમાં ફરિયાદ મૃતક સામે જ નોંધાઈ હતી અને પોલીસે તપાસ બાદ 'એબેટેડ સમરી' ફાઇલ કરી હતી, જેને અરજદારોએ પડકારી નથી. મૃતકે ડ્રાઇવિંગ કરતી વખતે પૂરતી સાવચેતી રાખી ન હોવાથી તેઓ કોઈ વળતર મેળવવા પાત્ર નથી.

અદાલતે ચુકાદામાં આકરી ટકોર કરી

ટ્રિબ્યુનલે બંને પક્ષની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને રાખીને ચુકાદો આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે ટ્રકની પાછળ કોઈ રિફ્લેક્ટર કે બેરિયર નહોતા, આ સંજોગોમાં અકસ્માત માટે મૃતકની 60 ટકા અને ટ્રક ચાલકની 40 ટકા બેદરકારી જણાય છે. મૃતકની વાર્ષિક આવકમાં 40 ટકા 'ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ' ઉમેરીને ગણતરી કરતા કુલ રકમ રૂ. 1.68 કરોડ થાય છે. તેના 40 ટકા લેખે રૂ. 67,59,183 થતા હોવાથી, કોર્ટે આ રકમ 9 ટકા વ્યાજ સાથે એક મહિનાની અંદર ચૂકવવાનો આદેશ કર્યો હતો. અદાલતે ચુકાદામાં આકરી ટકોર કરી હતી કે, હાઇવે કિનારે કોઈપણ ચેતવણી વગર પાર્ક કરેલા વાહનો લોકો માટે મોતનું કારણ બને છે.

અકસ્માત સર્જાયો ત્યારે ડ્રાઇવર-ક્લીનર ટ્રકમાં જ સુતા હતા
કેસની સુનાવણી દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે અકસ્માત સમયે ટ્રકનો ડ્રાઇવર અને ક્લીનર બંને ટ્રકની અંદર જ ઊંઘતા હતા. પોલીસે દાખલ કરેલી એબેટેડ સમરીમાં ડ્રાઇવરે પોતે કબૂલ્યું હતું કે તેણે હાઇવે કિનારે વાહન પાર્ક કરીને ઊંઘી જવાની ભૂલ કરી હતી. કોર્ટે નોંધ્યું કે, રાત્રે 12:30 કલાકે નો-પાર્કિંગ ઝોનમાં રિફ્લેક્ટર વિના ઊભેલું વાહન જીવલેણ સાબિત થઈ શકે છે. અદાલતે આ ગંભીર બેદરકારી બદલ ટ્રક ચાલક પક્ષને 40 ટકા જવાબદાર ગણી વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.