Baroda

શાળા-કોલેજ નજીક તમાકુના વેચાણ સામે વડોદરા કોર્પોરેશનની કડકાઈ : બે દુકાન સીલ

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં કોર્પોરેશન દ્વારા શાળા-કોલેજો નજીક તમાકુ, ગુટખા વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાઈ છે. ખોડિયારનગર અને ફતેગંજમાં એમ.એસ. યુનિવર્સિટી નજીકથી 3 લારીઓ જપ્ત કરાઈ, 5 વેપારીઓને દંડ ફટકારાયો. સંગમ ચાર રસ્તા પાસે ગંદકી બદલ 2 દુકાનો સીલ કરી 10,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. ભૂતડી ઝાંપા બાળ રિમાન્ડ હોમ પાસે પણ તમાકુ વેચાણ સામે સવાલ ઉઠ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાળા-કોલેજ નજીક તમાકુના વેચાણ સામે વડોદરા કોર્પોરેશનની કડકાઈ : બે દુકાન સીલ

Vadodara Corporation : વડોદરા શહેરમાં શાળા અને કોલેજોની આસપાસ તમાકુ, ગુટખા અને પાન-પડીકીનું વેચાણ કરતા વેપારીઓ સામે વડોદરા મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે ખોડિયારનગર ચાર રસ્તા પાસે શાળાની નજીક પાન-પડીકી અને તમાકુનું વેચાણ કરતા પાંચ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કર્યા બાદ આજે ફતેગંજ વિસ્તારમાં એમ.એસ. યુનિવર્સિટીની નજીક બુલ્સ સર્કલ પાસેથી તમાકુ અને ગુટખાનું વેચાણ કરતી ત્રણ લારીઓ જપ્ત કરવામાં આવી હતી.
મનપાની બાણ શાખાની ટીમે આ લારીઓ જપ્ત કરી હતી. સેનેટરી વિભાગ અને ખોરાક શાખા દ્વારા પણ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વચ્છતા અંગે બેદરકારી દાખવનારા વેપારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. શાળા-કોલેજોની આસપાસ તમાકુ અને ગુટખાના વેચાણ પર નિયંત્રણ લાવવા માટે મનપા દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી વચ્ચે શહેરમાં અન્ય સ્થળોએ પણ આવા ધંધા ધમધમી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
ખાસ કરીને ભુતડી ઝાંપા વિસ્તારમાં આવેલા બાળ રિમાન્ડ હોમની કમ્પાઉન્ડ વોલને અડીને જ પાન-પડીકી અને ગુટખાનું વેચાણ થઈ રહ્યું છે. બાળકોના સુધારણા અને સંભાળ માટે બનાવવામાં આવેલી સંસ્થાની દીવાલ પાસે જ તમાકુની પડીકીઓનું વેચાણ થતું હોવા છતાં આ ધંધા સામે કાર્યવાહી કેમ થતી નથી તેવો સવાલ ઊભો થયો છે.
સંગમ ચાર રસ્તા પાસે બે દુકાનો સીલ, રૂ.10 હજારનો દંડ
શહેરના વોર્ડ નંબર 6માં સંગમ ચાર રસ્તા પાસે આવેલી રજવાડી ચા અને ડીલક્ષ પાનના સંચાલકોને સ્વચ્છતામાં બેદરકારી બદલ મનપાએ દંડ ફટકાર્યો છે. બંને દુકાનોની બહાર પાન-પડીકીનો કચરો અને ચાના ખાલી કપ જોવા મળતાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરના માર્ગદર્શન હેઠળ સેનેટરી વિભાગની ટીમે કાર્યવાહી કરી હતી. બંને દુકાનદારોને રૂ.5-5 હજારનો દંડ ફટકારી બંને દુકાનો સીલ કરવામાં આવી હતી.