વડોદરા: માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, સતીષ પટેલને ટિકિટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે સતીષ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપી છે. જેઓ વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.

કોણ છે સતીષ ગોવિંદભાઈ પટેલ?
- કારોબારી સભ્ય, ગુજરાત પ્રદેશ ભાજપ
- પૂર્વ ચેરમેન, સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી), વડોદરા મહાનગરપાલિકા
- છાણી નાગરિક સહકારી બેંકના ચેરમેન
- ડિરેક્ટર, ગુજરાત અર્બન બેંક્સ ફેડરેશન
- ગંગામાં હાઇસ્કુલના પ્રમુખ, છાણી ધમાકા ટ્રસ્ટના ટ્રસ્ટી
સેન્સ પ્રક્રિયામાં કુલ 104 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી
શહેરની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આ બેઠક માટે પાર્ટીમાં કુલ 104 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેના કારણે ઉમેદવાર કોણ બનશે તે અંગે કાર્યકરો અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા હતી. સતીશ પટેલ ભાજપના વરિષ્ઠ અને સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા કાર્યકર તરીકે ઓળખાય છે. તેઓ વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. ઉપરાંત, વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ એમણે જવાબદારી સંભાળી હતી.
ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ સતીશ પટેલે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે-
હું છેલ્લા 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે સેવા આપી રહ્યો છું. પક્ષે અગાઉ પણ મને અનેક મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી છે, જે નિષ્ઠાપૂર્વક નિભાવી છે. હવે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી વિધાનસભાની ચૂંટણી લડવાની જવાબદારી સોંપી છે. હું પક્ષનો હૃદયપૂર્વક આભારી છું. એક સામાન્ય કાર્યકરને આટલી મોટી જવાબદારી સોંપવી એ પાર્ટીની કાર્યકરપ્રધાન પરંપરાનું ઉદાહરણ છે. હું તન, મન અને ધનથી પક્ષની મર્યાદામાં રહીને આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ.
આવું રહેશે પેટાચૂંટણીનું શિડ્યુલ
ચૂંટણી પંચના જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 14મી જુલાઈએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે, જ્યારે 16મી જુલાઈ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે. ત્યારબાદ ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે અને ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થશે.

નોંધનીય છે કે, માંજલપુર વિધાનસભા બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ અવસાન બાદ બેઠક ખાલી પડી હતી. હવે આ બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની હોવાથી શહેરનું રાજકીય વાતાવરણ ફરી એકવાર ગરમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મજબૂત ઉમેદવાર મેદાનમાં ઉતારી ભાજપને કાંટાની ટક્કર આપવા માટે વ્યૂહરચના ઘડી રહી છે. ભાજપ બાદ અન્ય પાર્ટીઓના ઉમેદવારોના નામ જાહેર થયા પછી માંજલપુરમાં પ્રચાર અભિયાન પૂરજોશમાં શરૂ થશે અને આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાવાની શક્યતા છે.









