Baroda

વડોદરા: ઓરસંગ નદી કિનારે માછીમારી કરતા આધેડને મગર ખેંચી ગયો, થોડીવાર બાદ મૃતદેહ કાંઠે આવ્યો

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ડભોઇ તાલુકાના પારાગામ નજીક ઓરસંગ નદીમાં માછીમારી કરી રહેલા 50 વર્ષીય બજારિયા ઉર્ફે દિનેશ નાયક પર મગરે હુમલો કર્યો. શનિવારે સાંજે મગરે તેમને નદીમાં ખેંચી લીધા હતા, જેના કારણે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભય ફેલાયો છે. સ્થાનિકોએ વન વિભાગને નદી કિનારે જવા પર પ્રતિબંધ મૂકવા માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ઓરસંગ નદી કિનારે માછીમારી કરતા આધેડને મગર ખેંચી ગયો, થોડીવાર બાદ મૃતદેહ કાંઠે આવ્યો

Crocodile Attack Near Vadodara: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાંથી મગરના હુમલાની ઘટના સામે આવી છે. ડભોઇના પારાગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીના કાંઠે માછીમારી કરી રહેલા આધેડ પર મગરે હુમલો કરીને તેને નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધો હતો. મગરના હુમલામાં આધેડનું મોત નીપજ્યું હતું, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ગભરાટ ફેલાયો છે.

માછીમારી કરતી વખતે બન્યો શિકાર

મળતી માહિતી અનુસાર, આ ઘટના શનિવાર (ચોથી જુલાઈ)ની સાંજે બની હતી. મૂળ મધ્ય પ્રદેશના અને હાલ પારાગામના ખેડૂત અલ્પેશ બારિયાને ત્યાં મજૂરી કામ કરતા આધેડ બજારિયા ઉર્ફે દિનેશ નાયક ઓરસંગ નદી કિનારે માછીમારી કરી રહ્યા હતા. આ દરમિયાન નદીમાંથી અચાનક એક મહાકાય મગર બહાર આવ્યો હતો અને આધેડ પર તરાપ મારી તેમને પાણીમાં ખેંચી ગયો હતો.

મગર આધેડને પાણીમાં ખેંચી ગયા બાદ થોડા સમય પછી તેમને મોંમાંથી છોડીને જતો રહ્યો હતો. નદી કાંઠે હાજર લોકો અને સ્થાનિકોની મદદથી આધેડના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મગરના હુમલાને કારણે આધેડને છાતી તેમજ બરડાના ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

વારંવારના હુમલા છતાં તંત્ર અને લોકો લાપરવાહ

ઓરસંગ નદીના આ વિસ્તારમાં અગાઉ પણ મગરના હુમલાની અનેક ઘટનાઓ બની ચૂકી છે, તેમ છતાં લોકો હજુ પણ નદી કિનારે જવામાં લાપરવાહી દાખવી રહ્યા છે. આ ઘટના બાદ હવે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, ડભોઇ વનવિભાગ દ્વારા પારાગામ, ભાલોદરા અને ગામડી જેવા ઓરસંગ નદીના જોખમી કાંઠાઓ પર માછીમારી કરવા જવા પર કડક પ્રતિબંધ લાદવામાં આવે અને તેનો ચુસ્ત અમલ કરાવવામાં આવે.